Columns

તાતા ‘સન્સ’નો વિવાદ‘ટ્રસ્ટ’ને ટાટા કરશે કે વિશ્વાસ વધારશે?

દેશના સૌથી મોટાં ઉદ્યોગગૃહોમાંના એકમાં વિવાદ છેડાય અને તેના સમાધાન માટે કેન્દ્રિય મંત્રી સુધી વાત જાય ત્યારે શંકા એ જાય કે હવે આ ઉદ્યોગગૃહમાં સરકારનો તો કોઈ હસ્તક્ષેપ નહીં થાય ને? આ પ્રશ્ન અત્યારે તાતા ગ્રૂપ વિશે થઈ રહ્યો છે. તાતા ઉદ્યોગગૃહોના બે દાયકા સુધી ચેરમેન રહેનારા રતન તાતાનું એક વર્ષ પૂર્વે અવસાન થયા બાદ ગ્રૂપમાં ચણભણ શરૂ થઈ ચૂકી હતી. પરંતુ પહેલાં તે આંતરીક સ્તરે થઈ અને હવે તાતા ગ્રૂપની બધી જ વાતો મીડિયામાં જાહેર થઈ રહી છે. આ લડાઈ એટલે હદ સુધી પહોંચી કે તેનો સમાધાનનો મુદ્દો ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ સુધી પહોંચ્યો હતો. ઉપરાંત દેશના નાણાં મંત્રી નિર્મલા સિતારામનને પણ તાતા ગ્રૂપના કેટલાંક ઉચ્ચ પદાધિકારીઓ મળ્યા હતા. હાલનો જે મુદ્દો ઉછળ્યો છે તે તાતા ટ્રસ્ટના કારણે. તાતા ટ્રસ્ટને માત્ર ‘ટ્રસ્ટ’ તરીકે ગણી શકાય નહીં. તે ટ્રસ્ટ હોવા છતાં તેની હિસ્સેદારી ‘તાતા સન્સ’ માં 66% સુધીની છે. મતલબ કે તાતા ગ્રૂપની મુખ્ય કંપનીઓનો હોલ્ડિંગ પાવર ટ્રસ્ટ પાસે છે. મીડિયામાં આવતાં અલગ-અલગ રિપોર્ટ મુજબ આ વિવાદના મુખ્ય ચહેરાઓમાં એક રતન તાતાના સાવકા ભાઈ નોએલ તાતા અને ‘તાતા સન્સ’ના ચેરમેન એન. ચંદ્રશેખર છે. મૂળે તો આ પૂરો વિવાદ ટ્રસ્ટ પર વર્ચસ્વ જમાવવાનો છે. એક તરફ તેમાં નોએલ તાતા છે, બીજી તરફ મેહલી મિસ્ત્રી છે. મેહલીનો સંબંધ શાપૂરજી પરિવારથી છે. આ પરિવારનો તાતા સન્સમાં 18% હિસ્સો છે.
વર્ચસ્વ જમાવવાની લડાઈમાં બધું બહાર સમુસૂતરું દેખાતું હતું, આ પૂરા વિવાદનો ભડકો ત્યારે થયો જ્યારે 11 સપ્ટેમ્બરના રોજ પૂર્વ ડિફેન્સ સેક્રેટરી રહી ચૂકેલા વિજય સિંહને ‘તાતા સન્સ’માં ડિરેક્ટર બનાવવા અર્થે નોમિનેટ કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. હવે આ પ્રસ્તાવ મૂકાયો તેમાં તાતા ટ્રસ્ટની નીતિનો ભંગ થઈ રહ્યો હતો તેવું કહેવામાં આવ્યું. આ નીતિ મુજબ વ્યક્તિ 75 વર્ષ પાર કરી લે એટલે ડિરેક્ટર તરીકે ફરી નિમણૂંક માટે દર વર્ષે તમામ ટ્રસ્ટીઓની સહમતિ અનિવાર્ય હોવી જોઈએ. 77 વર્ષીય વિજય સિંહનો જ્યારે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે તેને લઈને નોએલ તાતા અને એન. ચંદ્રશેખરે સહમતિ આપી, પરંતુ ટ્રસ્ટના અન્ય ચાર ટ્રસ્ટીઓ જેમાં – મેહલી મિસ્ત્રી, પ્રામિત ઝવેરી, જહાંગીર એચ. જહાંગીર અને ડેરિયસ ખંબાતાએ સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કર્યો. ચાર ટ્રસ્ટીઓએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો એટલે પ્રસ્તાવ રદ થઈ ગયો. વિજય સિંહ ડિરેક્ટર ન બન્યા એટલે વિરોધ કરનારાં ચાર ટ્રસ્ટીઓએ તેમનાંમાંથી એક મેહલી મિસ્ત્રીનું નામ ડિરેક્ટર તરીકે ઉમેદવાર તરીકે મૂક્યું. આ પ્રસ્તાવનો વિરોધ નોએલ તાતા અને એન. ચંદ્રશેખર દ્વારા કરવામાં આવ્યો. ટ્રસ્ટમાં એક તરફ ત્રણ ટ્રસ્ટીઓ છે અને બીજી તરફ ચાર છે.
તાતા ગ્રૂપમાં આ ખેંચતાણ થઈ તેનું કારણ પાવર છે અને તે પાવરનું કદ કેટલું છે તે જાણવું જરૂરી છે. 157 વર્ષ પૂર્વે આરંભાયેલી આ કંપનીના સ્થાપક જમશેદજી તાતા હતા. 2025માં આ કંપનીની ચોખ્ખી આવકનો આંકડો 1.13 લાખ કરોડનો છે. આ કંપની આટલો નફો કમાય છે તેમાં તેની અનેક સબસિડરીઝ કંપનીઓનું યોગદાન છે. આ કંપનીઓની યાદીમાં ‘તાતા કેમિકલ્સ’, ‘તાતા મોટર્સ’, ‘તાતા સ્ટીલ’, ‘તાજ હોટલ્સ’, ‘તાતા કેપિટલ’, ‘તાતા ઇન્વેસ્ટમેન્ટ કોર્પ’, ‘તાતા ઇલેક્ટ્રોનિક્સ’, ‘તાતા પાવર’, ‘એર ઇન્ડિયા લિમિટેડ’, ‘તાતા ટેક્સટાઇલ્સ’ જેવી અનેક મસમોટી કંપનીઓ છે. તાતા ગ્રૂપ અંતર્ગત આ તમામ કંપનીઓના કર્મચારીઓની સંખ્યા જોઈએ તો તે 12 લાખની નજીક પહોંચી ચૂકી છે. આટલાં વિશાળ કારોબારમાં એક વર્ષ પહેલાં રતન તાતાનો પડ્યો બોલ ઝિલાતો અને તે માટે તેમાં કોઈ વિવાદ મીડિયા સુધી પહોંચ્યો નહીં. રતન તાતા જે કહે તે આખરના શબ્દો ગણાતા. પરંતુ તેમનાં અવસાન પછી ટ્રસ્ટીઓમાં ફૂટ પડી. રતન તાતા વિઝનરી હતા અને તેથી તેમણે પોતાના અવસાન પહેલાં કેટલાંક નિયમો ઘડ્યા હતા, જેથી કોઈ વિવાદ ન રહે. તેમ છતાં ઝઘડો તો તાતા ગ્રૂપમાં આવ્યા. તે નિયમો મુજબ ચીફ ફાઇનાન્સ ઓફિસર અને ચીફ ઓપરેટિંગ ઓફિસરની પોસ્ટ રદ કરી દેવામાં આવી હતી. ઉપરાંત 75 વર્ષની આયુ પાર કર્યા બાદ ટ્રસ્ટીઓની દર વર્ષે નિયુક્તિની પ્રક્રિયા કરવાની જોગવાઈ મૂકવામાં આવી હતી. એટલું જ નહીં ટ્રસ્ટમાં કોઈ નવા સભ્યને સામેલ કરવા અર્થે તમામ સાતેસાત સભ્યોની સહમતિની જોગવાઈ અનિવાર્ય ગણવામાં આવી. આ નિયમો જ્યારે ઘડવામાં આવ્યા ત્યારે તેમાં કોઇએ અસહમતિ ન દર્શાવી. પરંતુ હવે તે નિયમોને લઈને વિવાદ બહાર આવી રહ્યા છે.
તાતા ગ્રૂપનો વારસો અદ્વિતિય છે. દેશની જ નહીં વિશ્વની અગ્રગણ્ય કંપનીમાં તેનું નામ આવે છે. આ કંપનીના સર્વેસર્વા તરીકે છેલ્લા ત્રણ દાયકા જે ચહેરો ચમક્યો તે રતન તાતાનો હતો. હવે તે ગ્રૂપમાં જે વ્યક્તિઓ છે તેમાં એક છે નોઅલ તાતા છે. તેઓ આ ગ્રૂપ સાથે ચાળીસ વર્ષથી સંકળાયેલા છે અને તેમના ત્રણ બાળકો ભવિષ્યમાં તાતા ગ્રૂપની કમાન સંભાળશે તેમ લાગી રહ્યું છે. તાતા ગ્રૂપમાં બીજા ટ્રસ્ટી વેણુ શ્રિનિવાસન છે. તેઓ ‘TVS મોટર’ કંપનીના ચેરમેન છે, તદ્ઉપરાંત તેઓ તાતા ગ્રૂપમાં છે. ટ્રસ્ટીઓમાં એક નામ વિજય સિંઘનું છે. વિજય સિંઘ સનદી અધિકારી રહી ચૂક્યા છે. ઉપરાંત તેઓ ડેપ્યૂટી નેશનલ સિક્યૂરિટી એડવાઇઝર તરીકે પણ સેવા આપી છે. 2018માં તેમને તાતા ટ્રસ્ટમાં લેવામાં આવ્યા હતા. હાલમાં જે વિવાદ થયો તેમાં વિજય સિંઘને ડિરેક્ટર બનાવવાની વાત હતી, જેનો વિરોધ અન્ય સભ્યોએ કર્યો હતો. આ ટ્રસ્ટમાં એક સભ્ય સાવ સાદગીમાં જીવન ગુજારે છે તે જાણીને નવાઈ લાગે. તે સભ્ય એટલે રતન તાતાના નાના ભાઈ જીમી. હાલ તેઓ 74 વર્ષના છે અને તેઓ સ્ક્વોશ પ્લેયર રહી ચૂક્યા છે. તેમની દખલગીરી ટ્રસ્ટમાં નહિવત્ માનવામાં આવે છે. ટ્રસ્ટના એક સભ્ય જહાંગીર એચ.સી. જહાંગીર છે. તેમની પણ ઝાઝી વિગત ઇન્ટરનેટ પર ત્વરીત મળતી નથી. પુનાની જહાંગીર હોસ્પિટલ તેમના પરિવારનો વારસો છે. આજે પણ તેમનો પરિવાર તે હોદ્દા પર છે. આ ટ્રસ્ટમાં જેઓ એક જૂથની આગેવાની લઈ રહ્યા છે તેમાં મેહલી મિસ્ત્રી છે. તેઓ રતન તાતાના વિશ્વાસુ, તાતા ગ્રૂપની નાડ પારખનારા છે. તાતા ગ્રૂપના સર્વેસર્વા બનનારાં અને તે પછી અકસ્માતમાં જેમનું મોત થયું હતું તે સાયરસ મિસ્ત્રીના તેઓ પિતરાઈ ભાઈ છે. સાતમાં ટ્રસ્ટી તરીકે નામ ડેરિઅસ ખંભાતાનું છે. તાતા ટ્રસ્ટની કોઈ પણ કાયદાકીય બાબત છે તેનું સમાધાન ડેરિઅસ ખંભાતા સંભાળે છે. આ ઉપરાંત પણ તાતા ગ્રૂપમાં અનેક નામો છે, જેમના હાથમાં મસમોટી જવાબદારી છે. જોકે હાલમાં જે મુદ્દો છે તેનું સમાધાન આવી જશે તેવું અખબારોમાં ચકમી રહ્યું છે. આ સમાધાન પેટે બંને જૂથમાંથી એક-એક ટ્રસ્ટીને આજીવન ટ્રસ્ટી બનવવામાં આવશે તેવી જાહેરાત થઈ શકે છે.
આ ઉપરાંત તાતા ગ્રૂપમાં એક નામ સૌથી અગત્યનું છે તે એન. ચંદ્રશેખરનનું છે. તેઓ હાલ તાતા ગ્રૂપના ચેરમેન છે. તેઓ તાતા ગ્રૂપના પ્રથમ નોન-પારસી ચેરમેન છે. એક સમયે તેમને તાતા ગ્રૂપના ચેરમેન તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. તાતા ગ્રૂપના તેના દોઢસો વર્ષના ઇતિહાસમાં જૂજ વખત વિવાદમાં સપડાઈ છે. જોકે અત્યાર સુધીના તાતા ગ્રૂપના વિવાદમાં ક્યારેય વાત સરકારના દરવાજે નહોતી પહોંચી. આ વખતે તે મર્યાદા ઓળંગાઈ ગઈ છે. દેશના અર્થતંત્રમાં મોટો હિસ્સો ધરાવનારા આ ગ્રૂપનો વિવાદ ઝડપથી ઉકેલાય તેવું શેરહોલ્ડરો પણ ઇચ્છી રહ્યા છે. પરંતુ જ્યારે સત્તા, પૈસાની વાત આવે છે ત્યારે વિવાદ જલદીથી શમતા નથી.

Most Popular

To Top