આપણા દેશમાં તબીબી તથા અન્ય ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આ વર્ષ મોટા વિવાદનું કેન્દ્ર બની ગઇ છે. આવી પરીક્ષાઓમાં વ્યાપક ગેરરીતિઓ થવાના અને પ્રશ્નપત્રો લીક થવાના બનાવોના અહેવાલો આઘાતજનક રીતે બહાર આવ્યા. પેપર લીકના કારણે યુજીસી-નેટ પરીક્ષા તો રદ જ કરી દેવામાં આવી. નીટ-યુજીમાં ગેરરીતિઓ અંગે ખાસ્સો ઉહાપોહ મચ્યો. પાંચમી મેના રોજ લેવાયેલી આ પરીક્ષામાં કેટલાક કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનો સમય બગડ્યો હોવાનું કારણ આપી તેમને કૃપા ગુણ અપાયા. અને આ વખતે અભૂતપૂર્વ સંખ્યામાં ૬૭ વિદ્યાર્થીઓના સો ટકા ગુણ આવ્યા અને તેમાં પણ હરિયાણાના તો એક જ કેન્દ્રના ૬ વિદ્યાર્થીઓના પુરા ગુણ આવ્યા! આથી ખળભળાટ મચી ગયો.
છેવટે કૃપા ગુણ રદ કરવા પડ્યા અને જેમના આ ગ્રેસ માર્ક્સ રદ થયા હતા તેમને ફરી પરીક્ષા આપવાનો વિકલ્પ અપાયો. નીટ-યુજીમાં ગેરરીતિઓ સામે અને આ પરીક્ષા ફરી લેવાની માગણી કરતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટ સહિતની કોર્ટોમાં થઇ. સુપ્રીમ કોર્ટે હવે આ અરજીઓ હાથ પર લેતા સંકેત આપ્યો છે કે તે આ પરીક્ષા ફરી લેવાનો પણ આદેશ આપી શકે છે. જો નીટ-યુજી ૨૦૨૪ પરીક્ષાની પવિત્રતા ગુમાઇ હશે તો રિ-ટેસ્ટનો આદેશ કરવો પડશે એવુ નિરીક્ષણ કરતા સુપ્રીમ કોર્ટે સોમવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ) અને સીબીઆઇ પાસે પ્રશ્નપત્ર લીકના સમય અને લીક તથા ખરેખરી પરીક્ષા વચ્ચેના સમયગાળા અંગે માહિતી માગી હતી.
સર્વોચ્ચ અદાલતે આમાં ખોટુ કરનારા જે લોકોને અત્યાર સુધી ઓળખી કાઢવામાં આવ્યા છે તેમનો આંકડો પણ માગ્યો છે અને પેપર લીક માટે અપનાવવામાં આવેલી પધ્ધતિની વિગતો માગી છે. એક બાબત સ્પષ્ટ છે કે પેપર લીક થયું છે એમ ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે કેટલી હદે પેપર લીક થયું છે અને તેના લાભાર્થીઓ કોણ છે તે શોધી કાઢવું જરૂરી છે. નીટ-યુજીમાં પેપર લીક થયું હોવાના કોઇ નક્કર પુરાવા ન મળ્યા હોવાનું કેન્દ્ર સરકાર લાંબા સમય સુધી કહેતી રહી છે તે સંદર્ભમાં સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી મહત્વની છે.
બેન્ચે કહ્યું હતું કે જો પેપર લીક ચોક્કસ વિસ્તાર પુરતું જ મર્યાદિત હોય અને ખોટું કરનારઓને ઓળખી કાઢવાનું શક્ય હોય તો આટલા જંગી સ્તર પર ફરીથી પરીક્ષા લેવાનો આદેશ આપવાનું યોગ્ય નહીં હોય. વાત બરાબર છે, જો ખોટું કરનારાઓ અને લીક થયેલા પેપરોનો લાભ ઉઠાવનાર પરીક્ષાર્થીઓને ઓળખી શકાય તો તેમને સજા કરી શકાય. લીક પેપરોનો લાભ લેનાર વિદ્યાર્થીઓને ગેરલાયક ઠેરવી શકાય. પછી બધા વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવાની જરૂર નથી.
પણ જો આવી ઓળખ કરી ન શકાય તો ફરીથી પરીક્ષા લેવી જ જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે નીટ-યુજીની પ૭૧ શહેરોમાં લેવામાં આવી હતી જેમાં વિદેશના ૧૪ શહેરોનો પણ સમાવેશ થતો હતો. ૨૩.૩૩ લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. નીટ-યુજી પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અંગે થયેલી સંખ્યાબંધ અરજીઓ પરની આગામી સુનાવણી ૧૧મી જુલાઇ પર મોકૂફ રાખતા અદાલતે સીબીઆઇના તપાસ અધિકારીને આદેશ આપ્યો હતો કે તે તપાસના સ્ટેટસ અંગેનો અહેવાલ અદાલત સમક્ષ મૂકે. સુપ્રીમ કોર્ટે કહયું હતું કે એનટીએએ પણ એ વિગતો આપવી જોઇએ કે ગેરરીતિઓના લાભાર્થીઓને ઓળખી કાઢવા માટે અત્યાર સુધીમાં શું પગલા લેવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમ્યાન નીટ-યુજીની વિશ્વસનિયતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે સરકાર માટે એ જરૂરી છે કે તે વિવિધ ક્ષેત્રના જાણીતા નિષ્ણાતોની એક ટીમ એટલા માટે બનાવે કે આવા બનાવો ભવિષ્યમાં ફરીથી બને નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ વિવાદગ્રસ્ત નીટ-યુજી ૨૦૨૪ પરીક્ષાને લગતી ૩૦ કરતા વધુ અરજીઓની સુનાવણી કરી રહી હતી, જેમાં પાંચમી મેના રોજ લેવાયેલી આ પરીક્ષા ફરીથી લેવાની માગણી કરતી અરજીઓનો પણ સમાવેશ થતો હતો. રિ-ટેસ્ટનો આદેશ આપવાની કાનૂની સ્થિતિના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ફરી પરીક્ષા લેવાનો આદેશ આપતા પહેલા તેણે એ ચકાસવું પડશે કે શું પેપર લીક સિસ્ટમેટિક લેવલ પર થયું છે અને તેની અસર સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પર થઇ છે? પેપર લીકના લાભાર્થીઓને જુદા તારવી શકાય તેમ છે કે નહીં?
જો તેમને જુદા તારવી શકાય તેમ ન હોય તો સમગ્ર પરીક્ષા ફરીથી લેવાનો આદેશ આપવો પડશે એમ ચીફ જસ્ટિસના વડપણ હેઠળની ત્રણ જજોની બેન્ચે કહ્યું હતું. બેન્ચે એમ પણ કહ્યું હતું કે જો ટેલિગ્રામ, વૉટ્સએપ જેવા સોશ્યલ મીડિયા એપ્સ પર પેપર ફરતું થયું હોય તો તે ઘણું ઝડપથી ફેલાઇ ગયું હોઇ શકે છે. આવા સંજોગોમાં પણ ફરીથી પરીક્ષા લેવાનો આદેશ આપી શકાય છે. હવે કેન્દ્ર સરકાર, એનટીએ, સીબીઆઇ શું જવાબો આપે છે, પેપર લીકના લાભાર્થીઓની ઓળખ થઇ શકે છે કે નહીં તે જોવાનું રહે છે. જો આ ઓળખ નહીં થઇ શકે તો નીટ-યુજી ૨૦૨૪ની પરીક્ષા ફરી લેવાનો આદેશ આવી શકે છે.