Editorial

એપ્સ્ટેઇન પ્રકરણ અમેરિકાનું બીજું વોટરગેટ કૌભાંડ સાબિત થશે?

અમેરિકામાં હાલ એક બાબતે ખૂબ ચર્ચા ચાલી રહી છે અને તેણે વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે અને તે છે જેફરી એપ્સ્ટેઇન ફાઇલ્સ. આ જેફરી એપ્સ્ટેઇન એક ધનવાન રોકાણકાર હતો પરંતુ સાથે સાથે એક ઐયાશ માણસ હતો. ખાસ કરીને સગીર વયની બાળકીઓ સાથેના દુરાચારો માટે કુખ્યાત હતો. તેણે અનેક ગરીબ, લાચાર છોકરીઓને પોતાની જાળમાં ફસાવી હતી અને તેમની સાથે પોતે દુષ્કૃત્યો કર્યા હતા અને પોતાના મિત્રોને પણ દુષ્કૃત્યો કરાવ્યા હતા તેવા તેના પર આરોપો હતા. આ આરોપસર તેની ધરપકડ થઇ. તેના પર કેસ દાખલ કરવામાં આવ્યો. તે જેલમાં હતો તે દરમ્યાન જ તે રહસ્યમય રીતે મરી ગયો. તેણે આપઘાત કર્યો હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું.

જો કે ઘણા લોકો કહે છે તેણે આત્મહત્યા કરી નથી પણ તેને મારી નાખવામાં આવ્યો છે. તેના મોત પછી પણ આટલો બધો હોબાળો તેના માટે એટલે મચી રહ્યો છે કે તેને ઘણા મોટા લોકો સાથે સંબંધો હતા. અને પોતાના મકાનોમાં બોલાવીને તેણે પોતાના ઘણા ઓળખીતાઓને પણ છોકરીઓ અને મહિલાઓ સાથે તેણે કહેવાતી મઝા કરાવી હોવાના આક્ષેપો થાય છે. અમેરિકાના હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ આમાં બોલાય છે કે તેમણે પણ એપ્સ્ટેઇનના સ્થળે જઇને મઝા માણી હતી.

જો કે આ આક્ષેપો અંગે હજી કોઇ ઠોસ પુરાવા જાહેર થયા નથી. પરંતુ ટ્રમ્પની રંગીન પ્રકૃતિ જોતા અને એપ્સ્ટેઇનને લગતા દસ્તાવેજો, જે  એપ્સ્ટેઇન ફાઇલ્સ તરીકે જાણીતા બન્યા છે તેમના પર ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો હોવાનું જણાતા લોકોના મનમાં શંકાઓ જન્મે તે સ્વાભાવિક છે. અત્યાર સુધી આ દસ્તાવેજો જાહેર કરાતા ન હતા પણ ઘણો હોબાળો મચ્યા પછી અને અમેરિકી સંસદે કાયદો ઘડીને ફરજ પાડ્યા બાદ અમેરિકાના ન્યાય વિભાગે જેફરી એપ્સ્ટેઇન સંબંધિત દસ્તાવેજોનો પ્રારંભિક ભાગ જાહેર કર્યો છે.

કોંગ્રેસે શુક્રવાર સુધીમાં ફાઇલોને સંપૂર્ણ રીતે જાહેર કરવાનો આદેશ આપતો કાયદો પસાર કર્યા પછી, ફોટા, વિડિઓઝ અને તપાસ દસ્તાવેજો સહિતના દસ્તાવેજોની ખૂબ જ અપેક્ષા રાખવામાં આવી હતી.જો કે, ડેમોક્રેટ્સ અને કેટલાક રિપબ્લિકનોએ ન્યાય વિભાગ (DOJ) પર તેની કાનૂની જવાબદારીઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો કારણ કે તેણે કહ્યું હતું કે તે સમયમર્યાદા સુધીમાં બધા દસ્તાવેજો જાહેર કરી  શકશે નહીં. હજારો ફાઇલોમાં ઘણી વિગતો સાથે પણ મોટા પ્રમાણમાં છેડછાડ કરવામાં આવી છે.

શુક્રવારે  આ ફાઇલો મૂકાયા બાદ શનિવારે, DOJ વેબસાઇટ પરથી ઓછામાં ઓછી 13 ફાઇલો દૂર કરવામાં આવી હતી. ડેપ્યુટી એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે પાછળથી કહ્યું કે તે પીડિતોની ગોપનીયતાનું રક્ષણ કરવા માટે કરવામાં આવ્યું હતું. ફાઇલોના પ્રથમ બેચમાં ઘણા પ્રખ્યાત ચહેરાઓનો સમાવેશ થાય છે, જેમાં ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખઅ બિલ ક્લિન્ટન, એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસર અને સંગીતકારો મિક જેગર અને માઈકલ જેક્સનનો સમાવેશ થાય છે. જો કે  ફાઇલોમાં માત્ર નામ અથવા ચિત્ર હોવું એ ખોટા કામનો સંકેત નથી. 

ફાઇલોમાં અથવા એપ્સ્ટેઇન સંબંધિત અગાઉના પ્રકાશનોમાં ઓળખાયેલા ઘણા લોકોએ કોઈપણ ખોટું કામ કરવાનો ઇનકાર કર્યો છે. પણ વાંધાજનક હાલતમાં દેખાયા હોય તે ખોટા કામનો સંકેત છે. જાહેર કરાયેલી ઘણી તસવીરોમાં  બિલ ક્લિન્ટનનો સમાવેશ થાય છે. એક તસવીરમાં તેઓ પૂલમાં સ્વિમિંગ કરતા દેખાય છે, અને બીજી તસવીરમાં તેઓ હોટ ટબમાં માથા પાછળ હાથ રાખીને પીઠ પર સૂતા બતાવે છે. પહેલા જથ્થામાં જો કે ટ્રમ્પના બહુ ઓછા અને સાદા ફોટાઓ જ છે. આના પછી જસ્ટિસ ડીપાર્ટમેન્ટે મંગળવારે ૩૦૦૦૦ નવી ફાઇલો જારી કરી છે જેમાં એવી વિગતો છે કે ટ્રમ્પે ૧૯૯૩થી ૯૬ વચ્ચે એપ્સ્ટેઇનના વિમાનમાં આઠ મુસાફરીઓ કરી હતી. આ  થોડું વિવાદાસ્પદ બની શકે છે અને હજી મોટા ધડાકા  થઇ શકે છે.

ગુમ થયેલી ફાઇલો, જે શુક્રવારે ઉપલબ્ધ હતી અને શનિવાર સુધીમાં હવે ઉપલબ્ધ ન હતી, તેમાં નગ્ન મહિલાઓને દર્શાવતા ચિત્રોની છબીઓ અને એકમાં ક્રેડેન્ઝા સાથે અને ડ્રોઅરમાં શ્રેણીબદ્ધ ફોટોગ્રાફ્સ દર્શાવવામાં આવ્યા હતા. તે છબીમાં, ડ્રોઅરની અંદર, અન્ય ફોટાઓ વચ્ચે, ટ્રમ્પનો એપ્સ્ટેઇન, મેલાનિયા ટ્રમ્પ અને એપ્સ્ટેઇનના લાંબા સમયથી સહયોગી ઘિસ્લેન મેક્સવેલ સાથેનો ફોટોગ્રાફ હતો. ઓનલાઇન ખુલાસા વિના ગુમ થયેલી ફાઇલોએ શું દૂર કરવામાં આવ્યું હતું અને જાહેર જનતાને શા માટે જાણ કરવામાં આવી ન હતી તે અંગે અટકળોને વેગ આપ્યો, થી એપ્સ્ટેઇન અને તેમની આસપાસના શક્તિશાળી વ્યક્તિઓ વિશે લાંબા સમયથી ચાલી આવતી ઉત્સુકતામાં વધારો થયો.

જો કે બાદમાં આ ફાઇલો પીડિતોની ગોપનીયતાના કારણે ખસેડી લેવાઇ હોવાનો ખુલાસો કરાયો અને મંગળવારે વધુ ૩૦૦૦૦ ફાઇલો જાહેર કરાઇ. પરંતુ આ એપિસોડે ન્યાય વિભાગના બહુપ્રતિક્ષિત દસ્તાવેજ પ્રકાશનથી પહેલેથી જ ઉદ્ભવેલી ચિંતાઓને વધુ તીવ્ર બનાવી દીધી છે. હજારો પાના જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં પીડિતો સાથે FBI ઇન્ટરવ્યુ અને ચાર્જિંગ નિર્ણયો પર આંતરિક ન્યાય વિભાગના મેમો સહિત કેટલીક સૌથી નજીકથી જોવાયેલી સામગ્રીને બાકાત રાખવામાં આવી હતી એમ કહેવાય છે. ઢાંકપિછોડો થતો દેખાઇ રહ્યો છે, પરંતુ અમેરિકાની જાગૃત જનતા એ ચલાવી લેશે નહીં. જો ખરેખર ટ્રમ્પની કંઇક ગુનાઓમાં સંડોવણી હશે તો વોટરગેટ જાસૂસી કૌભાંડમાં જેમ અમેરિકી પ્રમુખપદેથી ૧૯૭૪માં રિચાર્ડ નિકસને રાજીનામુ આપવું પડ્યું હતું તેમ હવે ડોનાલ્ડ ટ્રમ્પને પણ રાજીનામુ આપવું પડી શકે છે.

Most Popular

To Top