વિશ્વ ખૂબ નાનુ બની ગયું છે તેમ કહેવાય છે તે બાબત વિશ્વના નાણાકીય અને આર્થિક ક્ષેત્રને માટે તો ખૂબ યથાયોગ્ય કહી શકાય તેવી છે. વિશ્વના કોઇ એક દેશમાં કે ભાગમાં કોઇ મોટી આર્થિક કે રાજકીય કટોકટી સર્જાય તેની અસર દુનિયાભરના બજારો પર થાય છે. હાલમાં ચીનની એક મહાકાય રિઅલ એસ્ટેટ કંપની દેવાળુ ફૂંકવાના આરે આવીને ઉભી રહી ગઇ તેને કારણે દુનિયાભરના શેરબજારો અને બોન્ડ બજારોમાં ખળભળાટ મચી ગયો અને એવો સેવાવા માંડ્યો કે એવરગ્રાન્ડ નામની આ કંપની તેના ૩૦૦ અબજ ડોલરના દેવાની ચુકવણીમાં નિષ્ફળ જાય તો તેનાથી વૈશ્વિક નાણાકીય અંધાધૂંધી સર્જાઇ શકે છે.
એવરગ્રાન્ડ કંપની એ ચીનની ઘણી જ મોટી રિઅલ એસ્ટેટ કંપની છે અને તેના શેરો દુનિયાના અનેક શેરબજારોમાં લિસ્ટેડ છે. આ કંપનીમાં ચીનની બેન્કોનું મોટા પાયે રોકાણ છે તથા વિશ્વના અનેક દેશોના ફડોએ આ કંપનીમાં રોકાણ કર્યું હોવાનું માનવામાં આવે છે. જો આ કંપની નાદાર જાહેર થાય તો ચીનની અનેક બેંકોને તો તેની વ્યાપક અસર થાય જ, અને દુનિયાનું બીજા ક્રમનું અર્થતંત્ર એવું ચીનનું અર્થતંત્ર તેનાથી હચમચી જાય તેમ છે અને તેના આંચકાઓ વિશ્વના અનેક દેશોના આર્થિક ક્ષેત્રોને લાગી શકે છે.
આ ઉપરાંત અનેક દેશોના રોકાણકારોનું વિવિધ સ્વરૂપે આ કંપનીમાં રોકાણ હોવાથી પણ વિશ્વના અર્થતંત્રને એવરગ્રાન્ડ કંપનીની કટોકટી ડરાવી રહી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ચીનની આ નાણાકીય કટોકટીનો ભય લંડનના બજાર પર પણ છવાયેલો છે. આ પ્રોપર્ટી કંપનીના શેરો આ સપ્તાહે ભયંકર રીતે ગગડી ગયા હતા અને લંડન અને ન્યૂયોર્કના શેરબજારોમાં તેના ભાવ તળિયે બોલાતા હતા. આ કંપનીને લગતા ભયને કારણે ગુરુવારે એશિયન દેવા બજારોમાં પણ ભારે વેચવાલી નિકળી હતી.
જેમાં એવો ભય સેવાતો હતો કે ચીનની આ મહાકાય કંપની વિદેશી બોન્ડ હોલ્ડરોને ચુકવણી કરવામાં પણ નિષ્ફળ જશે. એશિયન દેવા બજારોની વેચવાલી પરથી પુરવાર થયું હતું કે એવરગ્રાન્ડની કટોકટી અન્ય મિલકતો પર પણ અસર કરી રહી છે. લંડનના એક ફંડ મેનેજરે જણાવ્યું હતું કે તેમના ફંડે એવરગ્રાન્ડમાં કેટલું રોકાણ કર્યું છે તે જાણવા માટે તેનો ફોન સતત રણકતો રહ્યો હતો. આ બાબત પરથી સમજી શકાય છે કે એવરગ્રાન્ડની કટોકટી આખા વિશ્વના બજારો પર અને વિશ્વભરના રોકાણકારો પર કેટલી અસર પાડી રહી છે.
જો કે કેટલાક વિશ્લેષકો મક્કમપણે માને છે કે ચીની સરકાર સ્થિતિને વૈશ્વિક કટોકટીની હદે વકરવા દેશે નહીં. અત્યાર સુધી જો કે ચીની સરકાર આ કટોકટી બાબતે શાંત બેસી રહી છે ત્યારે ઘણી રેટિંગ એજન્સીઓ અને નાણાકીય સંસ્થાઓ માને છે કે એક પુરા કદની નાણાકીય કટોકટી સર્જાતી રોકવા માટે પગલાઓ ભરવામાં આવશે. ડચ બેન્ક આઇએનજીએ તાજેતરની એક સંશોધન નોંધમાં જણાવ્યું છે કે ચીનની સરકાર છેવટે કેટલીક મૂડી મેળવવામાં એવરગ્રાન્ડને મદદ કરશે. અલબત્ત, આ જૂથને તેના કેટલાક હિસ્સાઓ કોઇ ત્રાહિત પક્ષ, જેવા કે સરકારી માલિકીના સાહસોને વેચવાની ફરજ પાડવામાં આવી શકે છે.
જ્યારે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ ગ્લોબલ રેટિંગ્સ એજન્સીએ તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે તે માનતી નથી કે ચીની સરકાર એવરગ્રાન્ડને કોઇ સીધો ટેકો પુરો પાડશે કારણ કે આ કટોકટી કોઇ મોટું જોખમ સર્જવાનો ભય ધરાવતી નથી. જો કે એવું પણ માનવામાં આવે છે કે જો એવરગ્રાન્ડ ડૂબી જાય તો તેવા સંજોગોમાં ચીનના અર્થતંત્ર અને તેની નાણાકીય સિસ્ટમને મોટો આંચકો લાગી શકે છે અને તેની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પણ થઇ શકે છે, ખાસ કરીને એવી નાણાકીય સંસ્થાઓ અને ધંધાઓને અસર થઇ શકે કે જેઓ સીધી કે આડકતરી રીતે રિઅલ એસ્ટેટ અને હાઉસિંગના સેકટર સાથે સંકળાયેલા છે. એવરગ્રાન્ડની નાદારી ભલે મોટી વૈશ્વિક નાણાકીય કટોકટી નહીં સર્જે, પણ વૈશ્વિક અર્થતંત્રમાં કેટલાક વમળો તો જરૂર સર્જી શકે છે.