Editorial

શિયાળા-ઉનાળાના માવઠાંને કારણે આવખતે ચોમાસું નબળું રહેવાના અણસાર

ક્લાયમેટ ચેન્જની વાતો થતી હતી પરંતુ હવે છેલ્લા કેટલાક વર્ષોથી ક્લાયમેટ ચેન્જનો અનુભવ થાય છે. ચોમાસામાં વરસાદ પડતો નથી અને શિયાળા અને ઉનાળામાં માવઠાં થાય છે. વરસાદ શિયાળા અને ઉનાળામાં વરસી જતો હોવાથી ખરેખર ચોમાસામાં જ્યારે તેણે વરસવાનું હોય છે ત્યારે ઓછો વરસાદ થાય છે. સરવાળે ખેતીના પાકને વ્યાપક નુકસાન થાય છે. આ વખતે પણ શિયાળામાં માવઠાં જોવા મળ્યા હતા. હાલમાં ઉનાળામાં પણ કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આનું પરિણામ એ આવ્યું છે કે, આ વર્ષે ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં ઓછો રહી શકે છે.

ખાનગી હવામાન એજન્સીએ આ વર્ષના ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. તે મુજબ, વરસાદ સામાન્ય કરતાં 6% ઓછો રહી શકે છે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસાના 4 મહિનામાં દેશમાં વરસાદની સામાન્ય સરેરાશ 868.6 મીમી છે. સામાન્ય કરતાં ઓછું ચોમાસું એટલે કે વરસાદ 90% થી 95% ની વચ્ચે રહેશે. એજન્સીએ 94% વરસાદનું અનુમાન આપ્યું છે. જૂનમાં સામાન્ય વરસાદ થશે, પરંતુ જુલાઈથી ઘટાડો શરૂ થઈને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચોમાસું નબળું પડશે. ખાસ કરીને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદની અછત વધુ રહેવાના સંકેતો છે.

ચોમાસું નબળું કે સારૂં રહ્યું હોવાનું સરેરાશ વરસાદ પરથી નક્કી કરવામાં આવે છે. હવામાન વિભાગે 1971-2020ના સમયગાળાના આધારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે લોંગ પિરિયડ એવરેજને 87 સેમી એટલે કે 870 મીમી નિર્ધારિત કર્યું છે. જો કોઈ વર્ષનો વરસાદ 87 સેમીથી વધુ હોય, તો તેને સામાન્ય કરતાં વધુ ગણવામાં આવે છે. જો ઓછો હોય તો નબળું ચોમાસું ગણવામાં આવે છે. આ વખતે ચોમાસાની શરૂઆતમાં અલ-નીનો બનવાની સંભાવના છે. આનાથી ચોમાસું નબળું પડી શકે છે.

હિંદ મહાસાગર દ્વિધ્રુવ (આઈઓડી) મજબૂત હોય તો અલ-નીનોની અસર થોડી ઓછી થાય છે. હાલમાં આઈઓડી સામાન્ય અથવા થોડું વધારે રહેવાની અપેક્ષા છે. આનાથી ચોમાસાની શરૂઆત સારી થશે, પરંતુ સિઝનના બીજા ભાગમાં વરસાદ નબળો પડવાનો ખતરો રહેશે. મધ્ય અને પશ્ચિમ ભારતના મુખ્ય વિસ્તારોમાં વરસાદ ઓછો રહેવાની શક્યતા છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની આશંકા છે.

સામાન્ય રીતે જ્યારે સમુદ્રનું તાપમાન 3 થી 4 ડિગ્રી વધી જાય છે ત્યારે અલ નીનોની સ્થિતિ ઉભી થાય છે. આની અસર 10 વર્ષમાં બે વાર થાય છે. જ્યારે તેની વધુ અસર થાય ત્યારે વધુ વરસાદવાળા વિસ્તારમાં ઓછો અને ઓછા વરસાદવાળા વિસ્તારમાં વધુ વરસાદ થાય છે. જ્યારે સમુદ્દનું પાણી ઝડપથી ઠંડુ થાય ત્યારે તેની દુનિયાભરના હવામાન પર અસર પડે છે. આકાશમાં વાદળો છવાય છે અને સારો વરસાદ થાય છે. ગત વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું નિર્ધારિત સમય કરતાં 8 દિવસ વહેલું 24 મેના રોજ કેરળ પહોંચ્યું હતું.

આવું 16 વર્ષ પછી બન્યું હતું. 2009માં 23 મેના રોજ કેરળ પહોંચ્યું હતું. મુંબઈમાં વરસાદ લાવનારી સિસ્ટમ 16 દિવસ વહેલી સક્રિય થઈ ગઈ હતી, જે 1950 પછી સૌથી વહેલી હતી. સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂન સુધીમાં કેરળ પહોંચે છે. 11 જૂન સુધીમાં મુંબઈ અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે. તેની વાપસી ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી 17 સપ્ટેમ્બરના રોજ શરૂ થાય છે અને તે સંપૂર્ણપણે 15 ઓક્ટોબર સુધીમાં પાછું ફરે છે.

ભારતમાં ગયા વર્ષે ચોમાસું વહેલું પહોંચવાનું મુખ્ય કારણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વધેલી ભેજ હતી. સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું, જેના કારણે ચોમાસાના પવનો ઝડપથી સક્રિય થયા હતા. પશ્ચિમી પવનો અને ચક્રવાતોની હિલચાલથી પણ ચોમાસાને આગળ વધવામાં મદદ મળી હતી. આ ઉપરાંત, આબોહવા પરિવર્તન પણ હવામાનની પેટર્નમાં ફેરફારનું એક મોટું કારણ બન્યું હતું. જોકે, આ વખતે સ્થિતિ બદલાઈ ગઈ છે. ક્લાયમેટ ચેન્જની અસર હેઠળ આ વખતે શિયાળા અને ઉનાળામાં જ માવઠાં થઈ ગયા છે ત્યારે આ વખતે સારો વરસાદ થાય તેવી સંભાવના જોવામાં આવતી નથી. નબળાં ચોમાસાની આગાહીએ હાલમાં ખેડૂતોની સાથે પાણીની તંગની સંભાવનાથી સરકારને પણ ચિંતામાં મુકી દીધી છે. સરકાર જો પહેલેથી પગલા નહીં લે તો બની શકે છે કે આ વર્ષે પાણીની સમસ્યા ઉભી થાય.

Most Popular

To Top