દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગુરુવારે તેમના સત્તાવાર નિવાસસ્થાનથી એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા મની-લોન્ડરિંગ કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી. શુક્રવારે, કોર્ટે આદેશ આપ્યો કે AAP રાષ્ટ્રીય સંયોજકને 28 માર્ચ સુધી કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં રાખવામાં આવે. દેશના રાજકારણમાં અને જાહેર જીવનમાં આ ઘટના ઘણા વમળો પેદા કરનારી છે. ભ્રષ્ટાચાર સામેની એક સમયની ઝુંબેશના અગ્રણી ચહેરાની ભ્રષ્ટાચારના જ આરોપસર ધરપકડ થઇ તે બાબત ઘણા લોકો માટે આઘાત અને આંચકારૂપ પુરવાર થઈ છે. જો કે સ્વાભાવિક રીતે આમ આદમી પાર્ટીએ તમામ આરોપો ફગાવી દીધા છે અને કેજરીવાલની ધરપકડના વિરોધમાં મોટી ચળવળ શરૂ કરવાની હિલચાલ શરૂ કરી છે, લોકોમાં એક સહાનુભૂતિ મોજું ઉભું કરવાનો પણ તેનો ઇરાદો જણાય છે.
રવિવારે એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં, આમ આદમી પાર્ટી (AAP) એ ‘મૈં ભી કેજરીવાલ’ ઝુંબેશ શરૂ કરવાનો સંકલ્પ કર્યો, અને ખાતરી આપી કે દિલ્હીના મુખ્ય પ્રધાન, અરવિંદ કેજરીવાલ, તાજેતરની ઘટનાઓ છતાં તેમનું સ્થાન જાળવી રાખશે. આબકારી નીતિની તપાસના સંબંધમાં કેજરીવાલની અટકાયત પછીની પ્રથમ મોટી સભાની અધ્યક્ષતા પક્ષના સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવ ડૉ. સંદીપ પાઠક દ્વારા કરવામાં આવી હતી. મીટિંગ બાદ, પાર્ટીએ એક નિવેદન બહાર પાડીને જાહેરાત કરી હતી કે કેજરીવાલ ઇડીની કસ્ટડીમાં હોય ત્યારે વહીવટીતંત્ર અને પક્ષના સભ્યો તેમની સૂચનાઓનું પાલન કરીને મુખ્ય પ્રધાન તરીકેની તેમની ભૂમિકાને ટેકો આપશે.
પાઠકે ‘મૈં ભી કેજરીવાલ’ ચળવળના નિકટવર્તી પ્રારંભની જાહેરાત કરી, જેમાં રહેઠાણો, વાહનો અને જાહેર હોર્ડિંગ્સ પર પ્રદર્શન માટે ઝુંબેશ સ્ટીકરોનું વિતરણ જોવા મળશે. . તેમણે વધુમાં ઉમેર્યું હતું કે 31મી માર્ચે યોજાનારી ઈન્ડિયા બ્લોક રેલીમાં ભાગ લેનારાઓએ તેમના વાહનો પર ‘મૈં ભી કેજરીવાલ’ સ્ટીકર સાથે આવવું જોઈએ. જો કે અન્ય વિપક્ષના લોકો તેમની વાત કેટલી માને તે એક પ્રશ્ન છે. AAP અને કોંગ્રેસના નેતાઓ સહિત વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન 31 માર્ચે દિલ્હીના રામલીલા મેદાન ખાતે “મહા રેલી” યોજવા માટે તૈયાર છે. કોંગ્રેસ આમ તો આપ પક્ષને પોતાનો હરીફ માનતી આવી છે અને ગઠબંધન રચાયા પછી પણ બંને વચ્ચે અનેક બાબતે ખટરાગ રહ્યો છે પરંતુ અત્યારે કેજરીવાલની ધરપકડની ઘટનામાં આપને સાથ આપી રહી છે.
31 માર્ચની રેલી માટે અત્યારે તો આપ પક્ષ તડામાર તૈયારીઓ કરી રહ્યો છે. પક્ષના નેતાઓને 27-28 માર્ચના રોજ ઝોનલ બેઠકો બોલાવવાનું કામ સોંપવામાં આવ્યું છે, જેમાં અંદાજે 14,000 મતદાન મથકોમાંથી પ્રત્યેકમાંથી 10 વ્યક્તિઓને એકત્રિત કરવાનું લક્ષ્યાંક બનાવવામાં આવ્યું છે, જે સંભવિત રીતે મેદાનમાં 150,000ના મજબૂત મેળાવડામાં પરિણમશે. પાઠકે વિરોધના પ્રતીક તરીકે 31 માર્ચની રેલીમાં પક્ષના નેતાઓ અને સ્વયંસેવકોને તેમના હાથ પર કાળી રિબન પહેરવાની પણ વિનંતી કરી હતી. તેમણે તમામ સ્વયંસેવકો વતી કેજરીવાલને રાજીનામું ન આપવાની અપીલ કરી, એમ કહીને કે, “સરકાર જેલમાંથી ચાલશે.”
પાઠકે ભાજપ પર કેજરીવાલની ધરપકડ અને પછી પાર્ટીને તોડી પાડવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે “કોઈ પણ પક્ષથી અલગ થવાનું નથી”. તેમણે ભાજપને ચેતવણી આપતાં કહ્યું કે, “જેલમાં કેજરીવાલ જેલની બહાર હતા તેના કરતા વધુ ખતરનાક છે કારણ કે તમે તેમને ઓળખતા નથી.” સમજી શકાય છે કે આપ ભાજપ પર મનોવૈજ્ઞાનિક દબાણ લાવવા ની સાથે કેજરીવાલની ધરપકડ અંગે પ્રજામાં પ્રચંડ સહાનુભૂતિ મોજું ઉભું કરવા પ્રયાસ કરી રહ્યો છે. જો કે તેમાં તેને કેટલી સફળતા મળશે તે તો સમય જ જણાવશે.