પુણેની હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના સ્થાપક શરદ પવારને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. બુધવારે તારીખ 25 ફેબ્રુઆરીના રોજ ડોક્ટરોએ તેમને ડિસ્ચાર્જ આપ્યો હતો અને ઘરે પરત ફર્યા બાદ તેમની પુત્રી તથા બારામતીની સાંસદ સુપ્રિયા સુલેએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. સુલેએ જણાવ્યું કે પક્ષના સહકારી સભ્યો અને કાર્યકર્તાઓની ઇચ્છા છે કે પવાર સાહેબ રાજ્યસભામાં જઈને જાહેર જીવનમાં તેમની સેવા યથાવત રાખે. તેમણે ઉમેર્યું કે પવારે પોતે પણ બધા મતભેદો ભૂલી દેશહિત માટે સાથે કામ કરવાની વાત કરી છે.
ઉલ્લેખનીય છે કે શરદ પવાર 22 ફેબ્રુઆરી 1967ના રોજ પ્રથમ વખત મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયા હતા. છ દાયકાની રાજકીય સફરમાં તેઓ ક્યારેય ચૂંટણી હાર્યા નથી. તેઓ કુલ 14 વખત વિવિધ ગૃહોમાં ચૂંટાયા છે, 7 વખત લોકસભામાં, 2 વખત રાજ્યસભામાં અને 5 વખત મહારાષ્ટ્ર વિધાનસભામાં. તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉપરાંત દેશના સંરક્ષણ મંત્રી અને કૃષિ મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. સુપ્રિયા સુલેએ અજિત પવારના વિમાન દુર્ઘટના મુદ્દે ઉઠેલા પ્રશ્નો અંગે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે રોહિત પવાર દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોને સમર્થન આપતાં કહ્યું કે દરેક વિમાનનું પારદર્શક રીતે ‘સેફ્ટી ઓડિટ’ થવું જરૂરી છે. કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ, પરંતુ દુર્ભાગ્યવશ મહારાષ્ટ્રમાં હંમેશા એવું જોવા મળતું નથી, એમ તેમણે જણાવ્યું. કેટલાક લોકોને સત્તાનો અહંકાર થઈ જાય છે તેવી ટિપ્પણી પણ તેમણે કરી હતી. જોકે આ મામલે રોહિત પવાર શરૂઆતથી જ VSR એવિએશનના લિયરજેટ વિમાનની જાળવણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા આવ્યા છે.