Comments

એસ.આઈ.આર. ભાજપને ફળશે?

એસ. આઈ. આર. …સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રીવીઝન …આ ત્રણ શબ્દોએ રાજકીય રીતે વિવાદો સર્જ્યા છે અને હજુય સર્જાશે. બિહારથી એનો પ્રારંભ થયો છે. ચૂંટણી પંચે ૬૫ લાખ લોકોનાં નામ રદ કર્યાં. પછી સુપ્રીમ કોર્ટ સુધી વાત પહોંચી. આધારકાર્ડને સમાવવા આદેશ થયો અને બહુ બધા વિવાદ બાદ 21.53 લાખ નવાં મતદારો ઉમેર્યાં. આ વિવાદ હજુ ઓસર્યો નથી. કેટલાં વિદેશી મતદાતા હતાં જેને રદ કર્યા એ વિષે પંચે કોઈ માહિતી ના આપી. સુપ્રીમ કોર્ટનો આખરી ચુકાદો બાકી જ છે અને હવે અન્ય ૧૨ રાજ્યોમાં એસ.આઈ.આર.ની જાહેરાત થઇ છે અને એનોય વિપક્ષી રાજ્યોમાં વિરોધ થયો છે.

સવાલ એ છે કે, આ આખી પ્રક્રિયાનો રાજકીય રીતે ફાયદો કોને થશે? બિહારમાં હવે મતદાન આડે બહુ ઓછા દિવસો છે અને પરપ્રાંતમાં ગયેલા મજદૂરો કે જે બિહારમાં છઠ્ઠ પૂજામાં આવ્યા છે એમને મતદાન કરી જવા વિપક્ષ અપીલ કરી રહ્યો છે. એવા હેવાલો ઘણા છે કે, મતદારોનાં નામ કમી થયાં છે એનાથી સૌથી વધુ નુકસાન આર.જે.ડી. અને કોંગ્રેસને થઇ શકે છે. આ વાત કેટલી સાચી છે એ કહેવું મુશ્કેલ છે.

પણ ચૂંટણી પંચ વિરોધ વચ્ચે આખા દેશમાં એસ.આઈ.આર. કરાવવા માટે કટિબદ્ધ છે. ચૂંટણી પંચ સામે કેટલાક સવાલો તો પેદા થયા જ છે પણ બિહાર બાદ પ. બંગાળ અને તામિલનાડુએ પણ વિરોધ શરૂ કર્યો છે. બંગાળમાં મમતા બેનર્જીએ આ યોજના દ્વારા એસ.આઈ.આર. પ્રક્રિયાને રાજકીય જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે અને શ્રમશ્રી યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ, બંગાળ પાછા ફરવા ઈચ્છતાં પ્રવાસી મજૂરોને દર મહિને રૂ 5,000ની નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવશે. શ્રમશ્રી યોજના દ્વારા મમતા સરકાર રાજ્યનાં પ્રવાસી શ્રમિકોને પાછાં ફરવા પ્રોત્સાહિત કરે છે. આ રીતે, મમતા બેનર્જીએ એસ.આઈ.આર. દ્વારા મતદારોનાં નામ કાપવાના કથિત પ્રયાસ સામે મતદારોને જાળવી રાખવા માટે સીધો વળતો હુમલો કર્યો છે.

તમિલનાડુમાં વિરોધ ઓછો આક્રમક છે પરંતુ DMK સરકારે SIR ના અમલ સામે કાયદાકીય અને રાજકીય બંને પગલાં લીધાં છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને સ્પષ્ટપણે નિવેદન આપ્યું કે તમિલનાડુ ‘મતાધિકારની હત્યા’ ના કોઈ પણ પ્રયાસ સામે લડશે. ડી.એમ.કે.એ આ મુદ્દા પર ‘ઈન્ડિયા’ ગઠબંધનમાં તેના સહયોગીઓ સાથે મળીને કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર દબાણ વધારવાનો પ્રયાસ કર્યો છે. ઓલ પાર્ટી મીટીંગ માટે પણ પ્રયાસ ચાલે છે અને બિહારમાં એસ.આઈ.આર.ના કારણે કમી થયેલાં મતદારોના પરિણામે ભાજપને ફાયદો થયો તો વિપક્ષી રાજ્યોમાં વિરોધ વધવાનો. ગુજરાતમાં પણ એસ.આઈ.આર. થવાની જાહેરાત છે. આસામને એન.આર. ઈ.ની પ્રક્રિયાને કારણે બાકાત રાખવામાં આવ્યું છે. આ મુદે્ પણ વિવાદ છે. ગુજરાતમાં એસ.આઈ.આર. શરૂ થશે અને એ કારણે કદાચ પાલિકાઓની ચૂંટણી વિલંબાય એવી સ્થિતિ છે.

પીકે ચૂંટણી કેમ ના લડ્યા?
બિહારમાં જન સુરાજ પક્ષની ચર્ચા બહુ છે અને એક સવાલ બધે પુછાયા છે કે, જન સુરાજ ક્યા પક્ષને વધુ નુકસાન પહોંચાડશે. રાજકીય પંડિતો એવું માને છે કે, સત્તા પક્ષ અને વિપક્ષ બંને નુકસાન કરી શકે છે. પણ સૌથી આશ્ચર્ય એ છે કે, જન સુરાજનાં સર્વેસર્વા પ્રશાંત કિશોર ચૂંટણીના મેદાનમાં ઊતર્યા નથી. કેટલાક સર્વેમાં [ એ કેટલા સાચા છે એ વિષે કહી ના શકાય] પીકે મુખ્યમંત્રી પદ માટે સૌથી વધુ પસંદિત છે એવું તારણ છે. આમ છતાં પીકે ચૂંટણી લડતા નથી.

એમને આ સવાલ ઘણા મીડિયાએ કર્યો છે. પીકે કહે છે કે, એટલે નથી લડ્યો કારણ કે હું બધાં મતક્ષેત્રોમાં અમારા ઉમેદવાર માટે પ્રચાર કરી શકું. આ વાત સાંભળવામાં સારી લાગે છે. શું પીકેને ડર છે કે, એ ના જીતી શકે? બીજો સવાલ પણ છે કે, ત્રિશંકુ પરિણામોની સ્થિતિમાં એ કઈ બાજુ ઝૂકશે? કોને મદદ કરશે? એન.ડી.એ.ને કે પછી મહાગઠબંધનને? આ મુદે્ પણ એ સ્પષ્ટ જવાબ આપતા નથી પણ એ વાત સાવ સાચી છે કે, બધા પક્ષોએ પીકે અને એમના પક્ષને ગંભીરતાથી લેવા પડ્યા છે અને બધાને ડર તો છે કે, એ આપણને નુકસાન કરશે કે સામેવાળાને?

બંગાળનો કેન્દ્ર સામે વિજય
મમતા બેનર્જીનો કેન્દ્ર સરકાર સામે એક પ્રકારે વિજય થયો છે. બંગાળમાં મનરેગા યોજના માટે કેન્દ્રે ફંડ રીલીઝ કરવું પડશે એવો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં મનરેગા યોજનાના અમલ અને ફંડના ઉપયોગમાં મોટા પાયે અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને ટાંકીને લાંબા સમયથી આ યોજનાનું ફંડ અટકાવી દીધું હતું. મમતા બેનર્જી અને ટી.એમ.સી. એ આ પગલાંને રાજકીય દ્વેષ ગણાવીને વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે આના કારણે રાજ્યનાં ગરીબ મજૂરોને તેમનું મહેનતાણું નથી મળી રહ્યું.

 સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ ફંડ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે અને કેન્દ્રે એનું પાલન કરવું પડશે. આ નિર્ણય મનરેગા યોજનાને બંગાળમાં ફરી શરૂ કરવા માટેનો રસ્તો ખોલશે. મમતા બેનર્જી માટે આ એક રાજકીય વિજય ગણાશે. ઘણા સમયથી મમતા સરકાર આ મુદે્ કાયદાકીય લડત આપી રહી છે અને એમાં સફળતા મળી છે. અનેક મુદે્ મમતા સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદો ચાલે છે અને રાજ્યપાલ અને મમતા સરકાર વચ્ચે તો લાંબા સમયથી સમસ્યા છે. કેટલાય મુદે્ એ બંને આમનેસામને રહે છે. જગદીપ ધનખડ રાજ્યપાલ હતા ત્યારે આ વિવાદ વકરી ગયો હતો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top