Comments

પ્રિયંકા ઉત્તર પ્રદેશમાં ચમત્કાર કરી શકશે?

ખૂબ વિલંબ પછી પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને બેઠી કરવાનું વિકટ કામ હાથ પર લીધું છે. કોંગ્રેસના ઉત્તર પ્રદેશનાં પ્રભારી મહામંત્રી તરીકે પ્રિયંકા ગાંધી હાલ કોઇ પણ રાજય કરતાં ઉત્તર પ્રદેશમાં વધુ દેખાય છે. તેમણે કૃતનિશ્ચય કર્યો છે કે રાજયમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલાં ભારતીય જનતા પક્ષના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી સામે ટકકર લેવા પોતે મોખરે રહેવું. આ કામ અત્યંત મુશ્કેલ છે છતાં કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં કંઇક ચમત્કાર કરશે એવી ઇચ્છા ધરાવે છે. તેમને પ્રિયંકાની ઉત્તર પ્રદેશની મુલાકાતે આશા જન્માવી છે.

ઉત્તર પ્રદેશ ધાર્મિક ભાગલા અને જ્ઞાતિનું ગણિત ધરાવતું એક વિરાટ રાજય છે. વિધાનસભાની ૨૦૧૭ ની ચૂંટણીમાં અને સંસદની ૨૦૧૯ ની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો, પણ પ્રિયંકાને હવે ખબર પડી ગઇ છે કે કોંગ્રેસ લડાયક મિજામાં નહીં આવે તો ૨૦૨૪ ની સંસદીય ચૂંટણીમાં કોઇ તેના ભાઇ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષને ગંભીરતાથી નહીં લે. કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં ત્રણ દાયકાથી સત્તા વગર છે અને લોકસભામાં ઉત્તર પ્રદેશમાંથી તેના તરફથી એક જ વ્યકિત બિરાજે છે – સોનિયા ગાંધી. સોનિયા રાયબરેલીનું પ્રતિનિધિત્વ કરે છે પણ તબિયતના કારણે તેઓ ઝાઝાં સક્રિય નથી. ભારતીય જનતા પક્ષનાં સ્મૃતિ ઇરાની સામે અમેઠીમાં પરાજય થયા પછી રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશ ગયા નથી. પોતે વાયાનાડમાંથી સંસદમાં ગયા હોવાથી તેઓ કેરળમાં ઝાઝાં પ્રવૃત્ત છે.

અત્યારે ૪૦૩ સભ્યોની ઉત્તર પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના માત્ર સાત જ સભ્યો છે. આ જૂથ પણ અખંડ નથી. રાયબરેલીના બે સભ્યો અદિતિસિંહ અને રાકેશ બહાદુર સિંગે છેલ્લા કેટલાક સમયથી વિરોધી સૂર કાઢયો છે. આમ છતાં ખેડૂતોમાં ચાલી રહેલા આંદોલને પ્રિયંકાને ઉત્તર પ્રદેશની વારંવાર મુલાકાત લેવાનું પ્રોત્સાહન આપ્યું છે. આ મુલાકાતો પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કિસાન પંચાયતો યોજી કેન્દ્રના કૃષિ કાયદાઓ આક્રમણ કરવાના ભાગ રૂપે યોજાઇ હતી. પણ આ મુલાકાતથી વધુ મોટું પ્રતીક તો મિશન ૨૦૨૨ માટે ધર્મ અને જ્ઞાતિના આધારે ટહેલ નાંખવામાં છે.

ભારતીય જનતા પક્ષના આક્રમક પ્રચાર સામે જવાબ આપવા પ્રિયંકા પોતાને એક શ્રધ્ધાળુ હિંદુ તરીકે રજૂ કરે છે અને કાંડામાં રુદ્રાક્ષ પહેરે છે અને કોંગ્રેસના ઘણા કાર્યકરો માને છે કે પ્રિયંકા પોતાની ‘છબી’ વેચવામાં સફળ થઇ રહ્યાં છે. આ ઉપરાંત સહરાનપુરમાં શાકંભરી દેવીના મંદિરે તેઓ પ્રાર્થના કરતા હોય, સંગમ સ્નાન કરતાં હોય તેમ જ બીજે દિવસે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી સરસ્વતીના આશીર્વાદ લેતા હોય તેમ જ વારાણસીના સંત રવિ દાસના મંદિરમાં ‘લંગર’ લેતાં હોય એવી તસ્વીરો લોકોમાં પ્રસારિત કરવામાં આવી રહી છે.

તેઓ મોટે ભાગે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં રહેતાં જાટ લોકોને રીઝવવાની કોશિશ કરી રહ્યાં છે. જાટ સમાજે છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષને ટેકો આપ્યો છે. દિલ્હીમાં પ્રજાસત્તાક દિને થયેલી હિંસામાં મરણ પામેલા એક યુવાન શીખ ખેડૂતના શોકમિલનમાં ભાગ લઇ નવેસરથી વ્યૂહ ગોઠવવાની તેમણે કોશિશ કરી હતી. હાથરસના સામુહિક બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી દલિત કન્યાના પરિવારની મુલાકાત લઇ તેમણે ઉત્તરપ્રદેશની પશ્ચિમ વિસ્તારની પહેલી મુલાકાત લીધી હતી. ૧૦ મી ફેબ્રુઆરીએ પ્રિયંકાએ સહરાનપુરમાં વિરાટ ‘કિસાન પંચાયત’માં ભાગ લીધો હતો અને પછી બિજનોર, મુઝફફરનગર, મેરઠ અને મથુરામાં કિસાન પંચાયતોમાં ભાગ લીધો હતો.સંગમમાં નૌકાવિહારની તેમની તસ્વીર અને નાવિક સંજય નિશાદનો આભાર

માનતી ટવીટ કદાચ તેમનાં જ્ઞાતિવાદી પત્તાં હતાં. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જાટની જેમ ગંગા-યમુનાના સંગમ પર નિશાદ એક મોટો પછાત સમાજ છે. અન્ય પછાત જાતિઓમાં સમાવિષ્ટ યાદવો સમાજવાદી પક્ષમાં છે, દલિત જાત બહુજન સમાજ પક્ષમાં છે પણ નિશાદ અને અન્ય પેટા જ્ઞાતિઓ તરતી મત બેંક છે. તેઓ અત્યારે ભારતીય જનતા પક્ષ સાથે સ્પષ્ટ છે કે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ જ્ઞાતિનું ગણિત માંડયું છે. પણ તેમાંથી કેટલાનું કોંગ્રેસ માટેના મતમાં રૂપાંતર થશે તે તો માત્ર સમય જ કહેશે. કારણ કે એ પક્ષના અન્ય નેતાઓએ ૨૦૧૯ માં પણ એવું ગણિત માંડયું હતું, પણ ગણતરી ઊંધી પડી હતી. આવી ચેષ્ટાઓ કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં મદદ કરશે કે કેમ તે જોવાનું રસપ્રદ થઇ રહેશે. યોગીની આભાને પહોંચી વળવા પ્રિયંકાએ હજી ઘણું કરવાનું બાકી છે. ભારતીય જનતા પક્ષ ઉત્તર પ્રદેશમાં મજબૂત સંગઠન ધરાવે છે. તે પ્રિયંકાના પડકાર હળવાશથી નહીં લેશે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top