Comments

બંગાળમાં મમતા ભાજપને ફરી માત કરશે?

પ. બંગાળ એક એવું રાજ્ય છે જ્યાં ભાજપનો ગજ વાગતો નથી. હા, છેલ્લી ચૂંટણીમાં ભાજપે સારો દેખાવ જરૂર કર્યો પણ મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસને એ હરાવી શક્યો નથી અને ફરી ચૂંટણી આવી રહી છે એમાં પણ ભાજપનો ગજ વાગે એવું અત્યારે તો દેખાતું નથી. વળી, મહારાષ્ટ્ર બાદ ભાજપને બંગાળમાં ભાષાનો મુદો્ નડી શકે છે અને મમતાએ તો આગામી ચૂંટણી સંદર્ભે પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે અને એમાં ભાષા મુખ્ય મુદો્ બને એમ લાગે છે.

મમતા બેનર્જીએ તાજેતરમાં જાહેર સભામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ ભાષાઈ આતંકવાદનો વિરોધ કરી રહ્યાં છે, જેનો આરોપ તેઓ ભાજપ પર લગાવી રહ્યાં છે. આનો અર્થ એ છે કે તેઓ માને છે કે ભાજપ બંગાળી ભાષા અને સંસ્કૃતિને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. બંગાળ ફર્સ્ટનો ખ્યાલ બંગાળી અસ્મિતા અને ગૌરવ સાથે સીધો જોડાયેલો છે. દક્ષિણનાં રાજ્યોની જેમ પશ્ચિમ બંગાળમાં ભાષા અને સંસ્કૃતિ હંમેશ રાજકારણનું કેન્દ્રબિંદુ રહી છે. ભૂતકાળમાં પણ ભાષા આંદોલનો બંગાળી સમાજને એક કરવામાં સફળ રહ્યાં છે.

મમતા બેનર્જી આ જ ભાવનાને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
ભાજપની હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવાની નીતિઓ અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓમાં હિન્દીના ઉપયોગ પર ભાર મૂકવાને કારણે પશ્ચિમ બંગાળમાં સાંસ્કૃતિક આક્રમણનો ભય ઊભો થયો છે. મમતા બેનર્જી આ ભયનો ઉપયોગ કરીને મતદારોને પોતાની તરફેણમાં લાવી શકે છે અને હવે તૃણમૂલ દ્વારા પાર્ટી કાર્યકર્તાઓને દર સપ્તાહના અંતે ભાષા પરના હુમલાનો વિરોધ કરવા માટે બેઠકો અને રેલીઓ યોજવા જણાવાયું છે.

આનાથી આ મુદ્દો સતત ચર્ચામાં રહેશે અને લોકોમાં જાગૃતિ આવશે. સાથે ટીએમસી સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉત્સવો દ્વારા બંગાળી ભાષા અને સંસ્કૃતિના મહત્ત્વ પર ભાર મૂકી શકે છે. ઉપરાંત રાજ્ય સરકાર બંગાળી ભાષાને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિઓ અથવા કાર્યક્રમોની જાહેરાત કરી શકે છે. આ બધું 2026ની ચૂંટણી માટે ટીએમસીની એક મોટી વ્યૂહરચનાનો ભાગ છે, જે બંગાળી ઓળખ, સંસ્કૃતિ અને ભાષાની લાગણીઓને રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરીને ભાજપને પડકારવાનો પ્રયાસ કરશે. મમતા બેનર્જી દ્વારા ઉઠાવવામાં આવેલો ભાષાનો મુદ્દો ભાજપને પશ્ચિમ બંગાળમાં નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. આનાં અનેક કારણો છે.

ભાજપ, જે રાષ્ટ્રીય પક્ષ તરીકે હિન્દી, હિન્દુ, હિન્દુસ્તાનના નરેટિવ સાથે આગળ વધી રહ્યો છે, તેને પશ્ચિમ બંગાળમાં બહારના અથવા હિન્દી થોપનાર તરીકે જોવામાં આવે તેવી શક્યતા રહે છે. મમતા બેનર્જી આ લાગણીને બંગાળ ફર્સ્ટના સૂત્ર સાથે વધુ મજબૂત બનાવશે, જે ભાજપને સ્થાનિક લોકોથી દૂર કરી શકે છે. ભાષાના મુદ્દાને ઉઠાવીને, મમતા બેનર્જી અને TMC પોતાને બંગાળી ઓળખ અને સંસ્કૃતિના સંરક્ષક તરીકે રજૂ કરી શકે છે. આનાથી તેમને ભાજપ સામે એક સ્પષ્ટ વૈચારિક ધાર મળશે, જે તેમને સ્થાનિક મતદારોનો વિશ્વાસ જીતવામાં મદદ કરશે. અમિત શાહ અને અન્ય ભાજપના નેતાઓના એક દેશ, એક ભાષા જેવાં નિવેદનો અગાઉ પણ દક્ષિણ ભારતનાં રાજ્યો અને પૂર્વ ભારતનાં રાજ્યોમાં વિરોધનો સામનો કરી ચૂક્યાં છે. પશ્ચિમ બંગાળમાં પણ આ નીતિનો વિરોધ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે તે પ્રાદેશિક ભાષાઓની વિવિધતા અને મહત્ત્વને અવગણે છે.

આ કારણે મમતા બેનર્જી ફરીથી ચૂંટાય તેવી શક્યતા ઘણી પ્રબળ છે. અલબત્ત મમતા સરકાર સામે અનેક એવા મુદા્ઓ છે જેનો ભાજપ ફાયદો ઉઠાવી શકે છે. મમતા સરકાર અને તેના કેટલાક નેતાઓ પર વિવિધ કૌભાંડો (જેમ કે શિક્ષક ભરતી કૌભાંડ) અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ખાસ કરીને ચૂંટણી પછીની હિંસા અને તાજેતરના કેટલાક ગુનાહિત બનાવોને લઈને સરકાર ટીકાનો સામનો કરી રહી છે અને હા, લાંબા સમયથી સત્તામાં હોવાને કારણે સ્વાભાવિક રીતે જ કેટલાક અંશે એન્ટી-ઇન્કમ્બન્સી (સત્તાવિરોધી લહેર) જોવા મળી શકે છે.

પણ આ બધા સામે મમતાનો ભાષા મુદો્ વધુ મજબૂત લાગે છે. વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ પણ એમની તરફેણમાં છે. બિહારમાં મતદાર સુધારણા ચાલે છે. એનો પ્રારંભ બિહારમાં પણ થશે. આ મુદે્ પણ બંને પક્ષો આમનેસામને આવી શકે છે. બંગાળમાં પણ રોહીન્ગ્યા સહિતનાં બહારનાં લોકો મતદારો છે. બિહારની જેમ આ મુદે્ બંગાળમાં પણ વિવાદ જન્મી શકે છે અને એય મમતાની તરફેણમાં જીતી શકે છે અને ભાજપની સૌથી મોટી સમસ્યા એ છે કે, એમની સામે મમતાનો વિકલ્પ આપી શકે એવો કોઈ ચહેરો નથી જેમ રાષ્ટ્રીય કક્ષાએ નરેન્દ્ર મોદીનો વિકલ્પ વિપક્ષ પાસે નથી.

બિહારમાં મતદાર યાદી સુધારણા કોને ડુબાડશે?
બિહારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયાએ રાજકીય ઘમસાણ મચાવ્યું છે અને આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેનાથી રાજકીય પક્ષોને ફાયદો કે નુકસાન થઈ શકે છે. આ મુદો્ સંસદ પણ ગજવી રહ્યો છે. વિરોધ પક્ષો, ખાસ કરીને આરજેડી દાવો કરી રહ્યો છે કે આ પ્રક્રિયા લાખો મતદારોને, ખાસ કરીને ગરીબ, દલિત, પછાત વર્ગો અને સ્થળાંતરિત મજૂરોને તેમના મતાધિકારથી વંચિત કરી શકે છે. તેમના મતે, જરૂરી દસ્તાવેજોનો અભાવ અને ટૂંકી સમયમર્યાદા આ વર્ગનાં લોકોને યાદીમાંથી બહાર કાઢી શકે છે. તેજસ્વી યાદવનો આરોપ છે કે 12-15% મતદારોનાં નામ જાણી જોઈને હટાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

બીજી બાજુ, ચૂંટણી પંચ અને શાસક ગઠબંધન (ભાજપ-JDU) દાવો કરી રહ્યા છે કે આ પ્રક્રિયા કાયદાકીય રીતે ફરજિયાત છે અને મતદાર યાદીની શુદ્ધતા અને અખંડિતતા જાળવવા માટે જરૂરી છે. તેઓ દલીલ કરે છે કે આનાથી મૃત્યુ પામેલાં, સ્થળાંતરિત થયેલાં અથવા નકલી રીતે નોંધાયેલાં મતદારોનાં નામ દૂર થશે, જે લોકશાહી પ્રક્રિયા માટે સારું છે અને આવા મતદારો લાખોમાં છે એવું ચૂંટણી પંચે સત્તાવાર તો નથી કહ્યું પણ એવા અહેવાલોએ વિવાદ જગાડ્યો છે. લાખો મતદારોનાં નામ દૂર થાય તો RJD અને INDIA ગઠબંધનને મોટું નુકસાન થઈ શકે છે. જો મતદાર યાદી શુદ્ધ થાય અને ગેરકાયદેસર મતદારો દૂર થાય તો ભાજપને ફાયદો થઈ શકે છે. જો કે, જો પ્રક્રિયા પર મોટા પાયે પ્રશ્નો ઊભા થાય અને તે ગરીબ વિરોધી કે લઘુમતી વિરોધી તરીકે દેખાય, તો ભાજપને પણ નુકસાન થઈ શકે છે. ખાસ કરીને જો બિહારમાં સ્થાનિક સ્તરે આક્રોશ વધે.

ચૂંટણી પંચના તાજેતરના અહેવાલ મુજબ, બિહારમાં 52.3 લાખથી વધુ મતદારો તેમના સરનામે મળ્યાં નથી, જેમાં મૃત, સ્થળાંતરિત, ડુપ્લિકેટ અથવા અજાણ્યાં મતદારોનો સમાવેશ થાય છે. આ આંકડો રાજ્યનાં કુલ મતદારોના 6.6% થી વધુ છે. આ આંકડો બહુ મોટો છે. બે અઢી ટકાનો સ્વીંગ પણ સત્તાપલટો લાવી શકે છે એવું ઘણાં રાજ્યોમાં બન્યું છે. બીજી બાજુ , નીતીશકુમારની સરકાર સામે આક્ષેપોનો મારો છે. કાયદો વ્યવસ્થાના પ્રશ્નો પણ છે અને ભાજપનીય સમસ્યા છે કે, નીતીશનો વિકલ્પ પાસે નથી. અલબત્ત જો ભાજપને બેઠકો નીતીશ કરતાં વધુ મળી તો નીતીશ મુખ્યમંત્રી નહિ હોય એ નક્કી છે. નીતીશે વિપક્ષને માત કરવા કેટલાંક એલાન કર્યાં છે એ મહત્ત્વનાં છે પણ મતદાર યાદી સુધારણાનો મુદો્ બેધારી તલવાર છે. એ કોઈને ફાયદો, કોઈને નુકસાન કરી શકે છે અને એના પર બિહારના પરિણામનો આધાર રહેશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top