અમેરિકાના વિઝાના નિયમો કડક બન્યા પછી મોટા પ્રમાણમાં ભારતીયો કેનેડા તરફ વળવા માંડ્યા હતા. કેનેડા માટે જો કે ભારતીયોને અમેરિકા જેટલું આકર્ષણ ન હતું અને હજી પણ નથી, છતાં એક સમૃદ્ધ દેશ અને અમેરિકાની પાડોશમાં આવેલા દેશ તરીકે ભારતીયો તેના તરફ વળ્યા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાનવાદીઓના મુદ્દે ભારત સાથે કેનેડાના સંબંધ કંઈક તંગ ચાલી રહ્યા છે. જસ્ટિન ટ્રુડોની સરકાર વખતે તો આ સંબંધો ખૂબ તંગ થઇ ગયા હતા, હવે કંઇક સુધર્યા છે, છતાં હજી તંગદીલી પુરી દૂર થઇ નથી.
આ વચ્ચે એવા અહેવાલ બહાર આવ્યા છે કે કેનેડા સરકાર તેના ઇમિગ્રેશન વિભાગને મોટા પાયે કામચલાઉ વિઝા રદ કરવાની નવી સત્તાઓ આપવાનું વિચારી રહી છે. તેનો ઇમિગ્રેશન વિભાગ ભારત અને બાંગ્લાદેશના અરજદારોને લક્ષ્ય બનાવશે એમ એક મીડિયા અહેવાલ જણાવે છે. કેનેડામાં પણ ઇમિગ્રન્ટોનો ધસારો વધી રહ્યો હોવાથી તે ઇમિગ્રેશન નિયમો કડક બનાવે તે સમજી શકાય તેમ છે પરંતુ ભારતીયોને ખાસ નિશાન બનાવવાનું કારણ ભારત સાથેની તંગદીલી પણ હોઇ શકે છે. જો કે એક અહેવાલ મુજબ ભારતીયો તરફથી આવતી મોટા પ્રમાણમાં આશ્રયની અરજીઓ આ માટેનું એક કારણ છે.
સીબીસી ન્યૂઝ દ્વારા સમીક્ષા કરાયેલા આંતરિક દસ્તાવેજો દર્શાવે છે કે ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) અને કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) દુરુપયોગ અથવા છેતરપિંડીના નોંધપાત્ર પુરાવા મળી આવે તો આવા મુદ્દાઓને કેસ-દર-કેસ સંભાળવાને બદલે – સામૂહિક રીતે કામચલાઉ નિવાસી વિઝા રદ કરવાની સત્તા માંગી રહ્યા છે. જ્યારે સૂચિત કાયદામાં સ્પષ્ટપણે કોઈ દેશને અલગ પાડવામાં આવ્યો નથી, ત્યારે સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, આંતરિક રજૂઆતમાં ભારત અને બાંગ્લાદેશને વિશિષ્ટ પડકારોના દેશ તરીકે ઓળખાવવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ, ભારતીય નાગરિકો તરફથી આશ્રયના દાવાઓમાં વધારો અને કામચલાઉ વિઝા સિસ્ટમની વધતી જતી ચકાસણી વચ્ચે આ ચર્ચાઓ થઈ છે. ગ્લોબલ ન્યૂઝ દ્વારા મેળવેલા ફેડરલ ઇમિગ્રેશન ડેટા અનુસાર, વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરાયેલા સૌથી વધુ આશ્રય દાવાઓ ધરાવતા દેશો ભારત અને નાઇજીરીયા હતા. સીબીએસના અહેવાલ મુજબ, ભારતીય નાગરિકો તરફથી આશ્રય દાવાઓ મે 2023 માં દર મહિને 500 કરતા ઓછા હતા જે જુલાઈ 2024 સુધીમાં વધીને લગભગ 2,000 થયા.
દેખીતી રીતે ભારતીયો તરફથી થતા આશ્રય માટેના દાવાઓમાં મોટો વધારો થયો છે. કેનેડાના ઇમિગ્રેશન વિભાગના આંકડા દર્શાવે છે કે ઓગસ્ટ 2025 માં લગભગ 74% ભારતીય અરજદારોને અભ્યાસ પરમિટ નકારવામાં આવી હતી, જે ઓગસ્ટ 2023 માં 32% હતી. તેનાથી વિપરીત, બંને વર્ષોમાં બધા દેશોમાં એકંદર અસ્વીકાર દર લગભગ 40% રહ્યો, જ્યારે આ વર્ષે ઓગસ્ટમાં લગભગ 24% ચીની અરજદારોને અસ્વીકારનો સામનો કરવો પડ્યો છે. જોઇ શકાય છે કે ભારતીયો અરજદારોની જ અરજીઓ સૌથી વધુ નકારવામાં આવી હતી અને તેનો દર સરેરાશ દર કરતા પણ ઘણો ઉંચો છે.
કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) એ આ વર્ષે ઓગસ્ટમાં ભારતીય સ્ટડી પરમિટ અરજીઓમાંથી 74 ટકા અરજીઓ ફગાવી દીધી હતી, જે 2023 માં આ જ મહિનામાં નોંધાયેલા 32 ટકા ઇનકાર દર કરતા તીવ્ર વધારો દર્શાવે છે. ઓગસ્ટ 2025 માં ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરાયેલી 4,515 અરજીઓમાંથી, ફક્ત 1,196 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી, જે ઓગસ્ટ 2023 માં સબમિટ કરાયેલી 20,900 ની તુલનામાં મોટો ઘટાડો છે, જે સમયે ભારતીય વિદ્યાર્થીઓ તમામ આંતરરાષ્ટ્રીય અરજદારોના એક ચતુર્થાંશ કરતા વધુ હતા.
જ્યારે બધા દેશો માટે એકંદર અસ્વીકાર દર 40 ટકાની આસપાસ હતો, ત્યારે ચીની અરજદારોને 24 ટકા ઇનકાર દરનો સામનો કરવો પડ્યો હતો, જે ભારતીયોના દર કરતા ઘણો ઓછો છે. કેનેડા હવે ભારતીય ઉમેદવારો પર નિર્દેશિત તીવ્ર ચકાસણી પર ભાર મૂકે છે. સ્ટડી પરમિટ ધારકોમાં ભારતીય વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ 2000 માં માત્ર 2 ટકા હતું તેથા પરથી વધીને 2023 સુધીમાં તે સૌથી મોટો વિદેશ વિદ્યાર્થી સમૂહ બન્યો. જો કે કેનેડામાં “અભ્યાસ, કામ, રહેઠાણ” નું લાંબા સમયથી ચાલતું આવેલ સ્વપ્ન હવે ચકનાચૂર થવા માંડ્યું છે. ભારતીયોએ હવે વિદેશોનો મોહ ઓછો કરવો પડશે એમ લાગે છે.