World

“વેપાર સોદો ન થયો તો 155% ટેરિફ લાદીશ”: ટ્રમ્પની ચીનને ચેતવણી

અમેરિકા અને ચીન વચ્ચે વેપાર વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો બંને દેશો વચ્ચે નવો વેપાર કરાર નહીં થાય. તો ચીન પર 155% સુધીના ટેરિફ લાદવામાં આવશે.

ટ્રમ્પે જણાવ્યું કે હાલ ચીન અમેરિકાને 55% ટેરિફ ચૂકવી રહ્યું છે પરંતુ જો સમજૂતી નહીં થાય તો તા. 1 નવેમ્બરથી આ દર વધારીને 155% સુધી લઈ જવાશે. ટ્રમ્પે કહ્યું કે “ચીન હવે અમેરિકા સામે નમતું થઈ રહ્યું છે. તેઓ હવે ટેરિફના રૂપમાં અમને ભારે રકમ ચૂકવી રહ્યા છે.”

આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે મહત્વપૂર્ણ ખનિજ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ બેઠક દરમિયાન ટ્રમ્પે ચીન સાથે ચાલી રહેલા વેપાર વિવાદ અંગે ખુલ્લા શબ્દોમાં ચર્ચા કરી.

ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા હાલ ઘણા દેશો સાથે નવા વેપાર કરાર કરી રહ્યું છે. જેમાંથી કેટલાક દેશોએ અગાઉ અમેરિકાનો લાભ લીધો હતો. તેમણે કહ્યું “હવે સમય આવી ગયો છે કે અમેરિકા પોતાનું હિત સાચવે. હવે કોઈપણ દેશ અમારી સાથે અન્યાયી વ્યવહાર નહીં કરી શકે.”

ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાજબી અને સમાન વેપાર કરાર થઈ શકે છે. તેમણે કહ્યું “મને લાગે છે કે શી જિનપિંગ પણ ન્યાયી સોદો ઈચ્છે છે. જો તે થાય તો બંને દેશોને લાભ થશે. પરંતુ જો એવું ન થાય તો અમે કડક પગલાં ભરવા તૈયાર છીએ.”

તેમણે વધુમાં કહ્યું કે “અમેરિકાને લાંબા સમયથી અન્ય દેશોએ આર્થિક રીતે નબળું બનાવવા પ્રયત્ન કર્યો છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. અમે હવે દુનિયાના સૌથી શક્તિશાળી અર્થતંત્ર તરીકે ઉભરી રહ્યા છીએ.”

ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે જો આગામી દિવસોમાં અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સોદો નહીં થાય તો બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોમાં વધુ તણાવ વધવાની સંભાવના છે. આ સાથે વૈશ્વિક બજાર પર પણ તેનો સીધો પ્રભાવ પડી શકે છે.

Most Popular

To Top