Sports

ગૌતમ ગંભીરને હટાવી લક્ષ્મણને ટેસ્ટ ટીમનો કોચ બનાવાશે? જાણો BCCIએ શું કહ્યું…?

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને લઈને છેલ્લા કેટલાક દિવસોથી અટકળો ચાલી રહી છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં સતત નિરાશાજનક પ્રદર્શન બાદ એવી ચર્ચા ઉઠી હતી કે ગૌતમ ગંભીરને ટેસ્ટ ટીમના કોચ પદ પરથી હટાવી શકાય છે અને તેમની જગ્યાએ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર VVS લક્ષ્મણને જવાબદારી સોંપવામાં આવી શકે છે. જોકે આ તમામ ચર્ચાઓ વચ્ચે હવે BCCI તરફથી સ્પષ્ટ નિવેદન સામે આવ્યું છે.

BCCIના સચિવ દેવજીત સાઇકિયાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે ગૌતમ ગંભીરને ટેસ્ટ કોચ પદ પરથી હટાવવાની કોઈ ચર્ચા બોર્ડમાં થઈ નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “ગૌતમ ગંભીરનો કરાર યથાવત છે અને કરાર પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ ભારતીય ટીમના હેડ કોચ તરીકે પોતાની જવાબદારી નિભાવતા રહેશે. અલગ-અલગ ફોર્મેટ માટે અલગ કોચ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.”

તાજેતરમાં ભારતીય ટેસ્ટ ટીમના પ્રદર્શન પર નજર કરીએ તો દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને SENA દેશો સામે ભારતે છેલ્લા સમયમાં 10 ટેસ્ટ મેચોમાં હારનો સામનો કર્યો છે. જેના કારણે ટીમ મેનેજમેન્ટ અને કોચિંગ સ્ટાફ પર સવાલો ઊભા થયા હતા.

આ વચ્ચે એક એવી માહિતી મળી હતી કે BCCIના એક અધિકારીએ અનૌપચારિક રીતે VVS લક્ષ્મણનો સંપર્ક કર્યો હતો અને તેમને ટેસ્ટ ટીમની કોચિંગ જવાબદારી સંભાળવા અંગે પૂછપરછ કરી હતી. જોકે VVS લક્ષ્મણે આ પ્રસ્તાવ સ્વીકાર્યો નહોતો. મળતી માહિતી મુજબ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ હાલમાં બેંગલુરુ સ્થિત સેન્ટર ઑફ એક્સિલેન્સમાં પ્રમુખ તરીકેની ભૂમિકામાં ખુશ છે.

નોંધનીય છે કે વનડે અને ટી20 ફોર્મેટમાં ગૌતમ ગંભીરના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે એશિયા કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મોટી સિદ્ધિઓ મેળવી છે. જોકે ટેસ્ટ ક્રિકેટમાં નબળું પ્રદર્શન તેમની સામે સૌથી મોટો પડકાર બની રહ્યો છે. BCCIના તાજેતરના નિવેદન બાદ હાલ માટે ગંભીરનું પદ સુરક્ષિત હોવાનું સ્પષ્ટ થયું છે.

Most Popular

To Top