ભારતીયોને જ નહીં પણ વિશ્વભરના ઘણા દેશોના લોકોને અમેરિકાનું ભારે આકર્ષણ છે અને પરિણામે વિશ્વભરમાંથી લોકો અમેરિકામાં ઠલવાય છે. ઘણા લોકો અમેરિકામાં હંગામી વિઝાઓ પર અભ્યાસ કે નોકરી કરવા માટે આવે છે અને પછી ત્યાં જ સ્થાયી થઇ જવા પ્રયાસો કરે છે. આમાંથી કેટલાક વિઝાની મુદ્દત પુરી થયા બાદ પણ ત્યાં ગેરકાયદે રીતે રોકાઇ રહે છે. તો ઘણા લોકો એવા પણ છે કે જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશે છે. હાલમાં લાખોની સંખ્યામાં અમેરિકામાં એવા લોકો વસે છે કે જેઓ વિદેશથી આવીને વસ્યા છે અને તેમની પાસે કાયદેસરના જરૂરી એવા બધા દસ્તાવેજો નથી.
હવે આમાંના એક મોટી સંખ્યાના વર્ગને અમેરિકાની નાગરિકતા આપવાની યોજના બાઇડન પ્રશાસને રજૂ કરી છે. એવા લોકોને આ નાગરિકતા મળશે કે જેમની પાસે કાનૂની દસ્તાવેજો નથી પણ તેઓ અમેરિકી નાગરિકને પરણ્યા છે. અમેરિકામાં કાનૂની દરજ્જો વિના રહેલા સેંકડો હજારો ઇમિગ્રન્ટોને રાહત આપે તેવું આ એક ખર્ચાળ, ચૂંટણીના વર્ષનું પગલું પ્રમુખ જો બાઇડન ભરી રહ્યા છે જે પગલું આ મહિનની શરૂઆતમાં સરહદ પર ભરેલા તેમના પોતાના જ આકરા પગલા સામે સમતુલા ઉભી કરવાનો હેતુ છે જે પગલાએ વકીલો અને ઘણા ડેમોક્રેટિક સાંસદોને નારાજ કર્યા છે.
વ્હાઇટ હાઉસે હાલમાં જાહેરાત કરી છે કે બાઇડન પ્રશાસન આગામી મહિનાઓમાં કેટલાક ચોક્કસ પ્રકારના અમેરિકી નાગરિકોના જીવનસાથીઓ, કે જેઓ કાનૂની દરજ્જો વિના અમેરિકામાં વસી રહ્યા છે તેઓને કાયમી વસવાટ માટે અને છેવટે નાગરિકતા માટે અરજી કરવાની મંજૂરી આપશે એ મુજબ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું. આ માટે લાયક ઠરવા માટે જે-તે ઇમિગ્રન્ટનો અમેરિકામાં ઓછામાં ઓછો દસ વર્ષનો વસવાટ હોવો જોઇએ અને તેના લગ્ન કોઇ અમેરિકી નાગરિક સાથે થયા હોવા જોઇએ.
જો લાયક ઇમિગ્રન્ટની અરજી મંજૂર થાય છે તો તે કે તેણી ત્રણ વર્ષમાં ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકશે અને તેને હંગામી વર્ક પરમિટ પણ મળશે અને દરમ્યાનના સમયમાં હકાલપટ્ટી સામે રક્ષણ મળશે. પ૦૦૦૦ જેટલા બાળકો, કે જેઓ એક એવા નોન સિટિઝન માતા કે પિતાનું સંતાન છે કે જેઓ કોઇ અમેરિકી નાગરિકને પરણ્યા છે તે બાળકો પણ સંભવિતપણે આ જ પ્રક્રિયાથી આના માટે માન્ય ઠરી શકશે એ મુજબ વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ પત્રકારોને માહિતી આપી હતી. જો કે અમેરિકામાં જેના વસવાટના દસ વર્ષ ૧૭ જૂન, ૨૦૨૪ કે તે પહેલા પૂરા થયા હોય તેઓ જ આ કાર્યક્રમ માટે માન્ય ઠરી શકશે. અમેરિકામાં ૧૧ લાખ લોકો એવા છે કે જેઓ કાયદેસરના દસ્તાવેજો ધરાવતા નથી પણ અમેરિકી નાગરિક સાથે તેમણે લગ્ન કર્યા છે. આમાં હજારો ભારતીય-અમેરિકનો પણ છે, તેમને બાઇડનની આ નવી યોજનાથી લાભ થવાની આશા છે.
બીજી બાજુ બાઇડનના હરીફ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની પ્રચાર છાવણી તરફથી બાઇડનના આ પગલાનો વિરોધ કરવામાં આવ્યો છે. બાઇડનની આ એમનેસ્ટી યોજનાથી માઇગ્રન્ટોની ગુનાખોરી વધશે, કરદાતાઓ પર ભારણ વધશે અને જાહેર સેવાઓ પર ભારણ વધશે એમ તેમના તરફથી જણાવવામાં આવ્યું હતું. વિરોધી છાવણીની વાત અમેરિકાની પ્રજાની દષ્ટિએ જોઇએ તો સાચી પણ લાગે. જો કે અમેરિકાના સંજોગો જુદા છે. અમેરિકા વસાહતીઓનો દેશ છે અને તે મોટે ભાગે વિશ્વભરમાંથી આવેલા લોકોથી જ વસ્યો છે.
વળી, અમેરિકાની વિશાળ જમીન અને વિશાળ સ્ત્રોતો ઘણા બધા લોકોને સમાવવાની ક્ષમતા ધરાવે છે અને ત્યાં કામ કરવા માટે ઘણા ક્ષેત્રોમાં કામદારો અને કર્મચારીઓની પણ એટલી જ જરૂર રહે છે. અમેરિકામાં પગારના ઉંચા દરોથી આકર્ષાઇને વિશ્વના ઘણા દેશોમાંથી કામદારો અમેરિકા તરફ ધસારો કરે છે. પરંતુ આ ધસારાનો દુરૂપયોગ હવે ઘણા અમેરિકન નોકરીદાતાઓ કરવા માંડ્યા છે. તેઓ ગેરકાનૂની રીતે ઘૂસેલા લોકોની મજબુરીનો લાભ ઉઠાવીને તેમને ઓછા પગારે નોકરી પર રાખે છે. આને કારણે સ્થાનિક લોકોની રોજગારી છીનવાઈ જતી હોવાની ફરીયાદો ઉઠે છે. એચ૧બી વીઝાનો દુરૂપયોગ થતો હોવાનો ઉહાપોહ પણ થતો રહ્યો છે. આ બધા વચ્ચે બાઇડનની આ નવી ઇમિગ્રેશન યોજનાથી અમેરિકન સમાજમાં કેવા પડઘા પડે છે તે જોવાનું રહે છે.