કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરને ‘વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ એવોર્ડ 2025’થી સન્માનિત કરવાની જાહેરાત બાદ રાજકીય હલચલ મચી ગઈ છે. HRDS ઇન્ડિયા દ્વારા થરૂરનું નામ જાહેર કરાયું છે. જોકે, થરૂરે આ એવોર્ડ સ્વીકારવાનો સાફ ના પાડી દીધી છે.
થરૂરે પત્રકારોને જણાવ્યું કે આ એવોર્ડ વિશે તેમને ગઈકાલે જ ખબર પડી અને તે પણ મીડિયા મારફતે. તેમણે કહ્યું કે મને કોઈ જાણ નથી કે આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવી રહ્યો છે. આયોજકો કોણ છે તે પણ મને ખબર નથી. મને પૂછ્યા વગર આ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે જેથી હું આ કાર્યક્રમમાં હાજરી પણ આપીશ નહીં.
થરૂરના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. એવોર્ડની જાહેરાત HRDS ઇન્ડિયા દ્વારા આજે બુધવારે નવી દિલ્હીમાં કરવામાં આવી હતી. સંસ્થાએ જણાવ્યું હતું કે શશિ થરૂર ‘પ્રથમ વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ એવોર્ડ’ને લાયક છે.
જોકે થરૂરનો પણ સ્પષ્ટ જવાબ હતો કે “મને આ વિશે કંઈ જાણ નથી. મને એ પણ નથી ખબર કે આ એવોર્ડ શું છે. જે બાબતની મને જાણ નહીં હોય, સંમતિ પણ ન લેવામાં આવી હોય, તે એવોર્ડ હું સ્વીકારી શકતો નથી.”
આ ઘટનાએ કોંગ્રેસ પાર્ટીમાં પણ નવા વિવાદને જન્મ આપ્યો છે. કેરળના વરિષ્ઠ કોંગ્રેસ નેતા કે. મુરલીધરે પણ નિવેદન આપ્યું કે “પાર્ટીના કોઈ પણ સભ્યએ વીર સાવરકરના નામ પરથી કોઈ એવોર્ડ સ્વીકારવો નહીં જોઈએ.” તેમણે જણાવ્યું કે સાવરકરે અંગ્રેજોના સમક્ષ નમન કર્યું હોવાથી તેમના નામે એવોર્ડ સ્વીકારવો એ પાર્ટી માટે ‘શરમજનક’ ગણાય.
મુરલીધરનએ આગળ કહ્યું કે તેમને ખાતરી છે કે થરૂર આવા એવોર્ડને સ્વીકારશે નહીં કારણ કે તે કોંગ્રેસના સિદ્ધાંતોના વિરુદ્ધ છે.
થરૂરના ઇન્કાર બાદ એવોર્ડના ભવિષ્ય અંગે પ્રશ્નો ઊભા થયા છે. સાથે જ કોંગ્રેસ અને સાવરકરની વિચારધારાને લઈને ચાલી રહેલી રાજકીય ચર્ચાઓ ફરીથી તેજ બની છે.