Columns

જ્યોર્જ સોરોસની વાત કેમ ગંભીરતાથી લેવી જોઇએ?

જ્યૉર્જ સોરોસ – આ નામે મોટા માથાવાળાં ગુજરાતીઓને અને ભારતનાં મીડિયાને અકળાવી દીધા છે. આ અકળામણનું કારણ એ છે કે 17મી ફેબ્રુઆરીએ મ્યુનિચ સિક્યોરિટી કૉન્ફરન્સમાં અમેરિકન અબજોપતિ રોકાણકાર અને ફિલાન્થ્રોપિસ્ટ સોરોસે દાવો કર્યો કે, “USAની શોર્ટ સેલર હિન્ડેબર્ગ રિસર્ચે વિશ્વના ધનિક માણસ ગૌતમ અદાણી સામે જે રિપોર્ટ જાહેર કર્યો છે તેને કારણે રોકાણકારોનો ભારત પ્રત્યેનો આત્મવિશ્વાસ હચમચી ગયો છે.” તેમણે ઉમેર્યું કે, “મોદી અને આ બિઝનેસ ટાયકૂનને સારાસારી છે, તેમનું નસીબ એકબીજા સાથે જોડાયેલું છે.

અદાણી એન્ટરપ્રાઇઝે સ્ટોક માર્કેટમાં ફંડ ખડા કરવાનો પ્રયાસ કર્યો પણ તેમાં તેમને નિષ્ફળતા મળી અને તેમણે સ્ટૉકમાં છબરડા કર્યા અને અંતે પત્તાનાં મહેલની માફક એમના સ્ટૉક ખડી પડ્યા.”– હા, તમને થશે કે આ બધું તો પતી ગયું તો એમાં શું, પણ સોરોસ આટલેથી ન અટક્યા. તેમણે આગળ એમ કહ્યું કે, “મોદી આ વિષય પર ચૂપ છે પણ તેમણે સંસદમાં વિદેશી રોકાણકારોના સવાલોના જવાબ તો આપવા જ પડશે. તેમણે એવુંય ભવિષ્ય ભાખ્યું કે આ જે પણ થયું છે તેને કારણે ભારતની સરકાર પર નરેન્દ્ર મોદીની પકડ નબળી પડશે જ અને ત્યાં જે સંસ્થાકીય પરિવર્તન અને સુધારાની જરૂર છે તે થવાની શક્યતાઓ વધશે. તેમણે આ વાત પુરી કરતાં એમ કહ્યું કે હું કદાચ અણસમજુ હોઇ શકું છું પણ ભારતમાં લોકતાંત્રિક પુનઃર્જીવન અને બદલાવની મને ચોક્કસ અપેક્ષા છે.”

જ્યૉર્જ સોરોસની આ ટિપ્પણી ભારત અંગે અને ભારતના રાજકીય શાસક પક્ષ સામે એક અલગ પ્રકારનો ડર અને ગેરસમજ પેદા કરશે, જે બહુ ચિંતાજનક બાબત છે એવો અવાજ વહેતો થયો. USA મહાસત્તા હોવાને નાતે ત્યાં ન્યૂયોર્કમાં બેઠેલા સોરોસ જેવા મોટાં માથાઓને એમ લાગે છે કે તેમનો દ્રષ્ટિકોણ આખી દુનિયાના વહેવાર કે વિચારો પર સીધી અસર કરે છે એવું કહી આપણા વિદેશ મંત્રી એસ.જયશંકરે તેમની આકરા શબ્દોમાં ટિકા કરી છે. તેમણે ઑસ્ટ્રેલિયાના સિડનીમાં રાયસી ડાયલૉગમાં તેમને વૃદ્ધ, ધનિક, ધર્માંધ અને ખતરનાક જેવા વિશેષણોથી નવાજ્યા. સ્મૃતિ ઇરાનીએ પણ

સોરાસના આ નિવેદનની નિંદા કરી હતી. જો કે, સોરોસ આ પ્રકારની વાત પહેલીવાર નથી કરી. 2020માં દાવોસમાં થયેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં સોરોસે નરેન્દ્ર મોદી માટે એમ કહ્યું હતું કે, “પ્રજાસત્તાક રીતે ચૂંટાઈને આવેલા નરેન્દ્ર મોદી ભારતને એક હિંદુ રાષ્ટ્રવાદી દેશ બનાવી રહ્યા છે અને કાશ્મીર પર પ્રતિબંધ લગાડી એ ત્યાંના લોકોને દંડી રહ્યા છે અને CAA જેવા કાયદાઓ દ્વારા અનેક મુસલમાનોનું નાગરિકત્વ છીનવી લેવાની ધમકી આપી રહ્યાં છે.”

જ્યૉર્જ સોરોસ એક એવું નામ છે જે 1992ના દાયકામાં ઘર ઘરાઉ બન્યું કારણકે તેમણે બ્રિટીશ પાઉન્ડની સામે બૅટ કરવાનું નક્કી કર્યું. પાઉન્ડ સામે શોર્ટ પોઝિશનિંગ કરીને 1 બિલિયન ડૉલર્સ કમાનારા જ્યૉર્જ સોરોસને કારણે ‘બ્લેક વેડનસ્ડે’ શબ્દ પ્રયોગ પ્રચલિત બન્યો જે બ્રિટીશ સરકાર માટે એવો ફટકો હતો કે એમાં તેમને ક્યારેય કળ ન વળી. જ્યૉર્જ સોરોસ – ફિલાન્થ્રોફિસ્ટ (દાનેશ્વરી કે પરોપકારી) પણ છે અને તેમણે તેની સંસ્થા ઓપર સોસાયટી ફાઉન્ડેશન મારફતે માનવાધિકાર અને લોકતાંત્રિક સરકારોને, લગભગ 100 દશોમાં અનેકવાર સામાજિક સંસ્થાઓ, શિક્ષણને લગતી યોજનાઓ કે પબ્લિક હેલ્થ માટે અબજો ડૉલર્સની મદદ કરી છે.

સોરોસનું જીવન તેમના આ વિચારોને આકાર આપનારું રહ્યું છે. સોરોસ યહુદી પરિવારમાં, હંગરીના બુડાપેસ્ટમાં જન્મ્યા. વકીલ પિતાએ નાઝી કેમ્પમાંથી નામ બદલીને જેમ તેમ પોતાના પરિવારને બચાવ્યો. યુદ્ધમાં હંગરી સોવિયેત કેમ્પમાં ગયું અને મોટા થઇ રહેલા સોરોસે સોવિયેટ સામ્યવાદનો અનુભવ કર્યો. 17મે વર્ષે ઇંગ્લેન્ડ જઇને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ભણનારા સોરોસને ફાસીવાદ અને સામ્યવાદની ક્ષતિઓ સમજાઇ. બન્ને વાદ – પોતાના સત્યનો બેફામ દબાવ કરતા અને આમ બન્ને ‘ઓપન સોસાયટી’ના વિરોધી ગણાય. ઓપન સોસાયટીનો વિચાર પણ સમજવા જેવો છે – ઓપન સોસાયટી એટલે એવો સમાજ જ્યાં કોઇપણ એક વિચારધારા ધરાવતું જૂથ એવો દાવો ન કરે કે તેમને બધું જ ખબર છે, તેમની પાસે બધા જવાબો છે અને ન તો તેઓ સત્તાનો ઉપયોગ કરીને પોતાના જવાબો સમાજ કે તેમનાથી અલગ વિચાર ધરાવનારાઓને બળજબરીથી માનવા દબાણ કરે.

સોરોસે હેજ ફંડ મેનેજર તરીકે પોતાની કારકિર્દી ઘડી, એક એવા વિચારને સાથે રાખ્યો કે સમાજ સંપૂર્ણ ન હોઇ શકે પણ વિવિધ અભિગમને સાથે રાખીને સતત એવા સુધારા સાથે સમાજે આગળ વધવુ જોઇએ જેનાથી સફળતાને વરી શકાય. મુક્ત અને સમાન સમાજનું બંધારણ ઇતિહાસમાંથી શીખેલા બોધને આધારે થઇ શકે એમ માનતા સોરોસે માર્કેટ ઇકોનોમિના પરિવર્તનની રાહ પકડી. તેમણે માર્કેટ ફંડામેન્ટાલિઝમ –  બજારી કટ્ટરવાદને પડકાર્યો, ફ્રી માર્કેટને લગતી ગેરમાન્યતાઓ ખતમ કરી. તેમના મતે આ બધી લેવડદેવડ વ્યવહારુ બની જાય છે જેનું કેન્દ્ર માત્ર પૈસા હોય છે. તેમને આમ કહેવા માટે વખોડાયા પણ બીજા વિચારકોએ પણ તેમને ટેકો આપ્યો.

એવો વિચાર મક્કમ થયો કે એક માત્ર ફ્રી માર્કેટ જ ઓપન સોસાયટીનો પાયો બની શકે એ વિચારમાં કોઇ દમ નથી કારણકે ફ્રી માર્કેટની ગેરમાન્યતાઓ છે જેમાં આર્થિક સત્તાની શતરંજ ચાલે છે. ડેથ કેમ્પ (નાઝીવાદ) કે ગુલગમાં (સામ્યવાદ) માણસોને મારી નખાવાથી સમાજનો ખાત્મો નથી થતો. એક મોકળો સમાજ ત્યારે ખતમ થવા માંડે છે જ્યારે કોઇપણ ટિકા કે અસંમતિને રાષ્ટ્રવિરોધીનું લેબલ લગાડી દેવામાં આવે છે. સત્તા પર બેઠેલાઓ માટે જે શરમજનક કે પ્રતિકૂળ હોય એવી માહિતી બહાર આવે એટલે એને ષડયંત્રના વાઘા પહેરાવી દેનારા સત્તાધિશોને કારણે ઓપન સોસાયટી પર–લોકશાહી પર તવાઇ આવે છે, એનાથી રાષ્ટ્રને નુકસાન નથી થતું પણ મોકળાશભર્યો સમાજ પાંગળો બને છે, બંધ થતો જાય છે, સંકોરાતો જાય છે.

આપણે ત્યાં BBCની જુની ડૉક્યુમેન્ટરી ચર્ચામાં આવી અને BBCની ઑફિસીઝ પર દરોડા પડ્યા. શું આ ઓપન સોસાયટી છે? ખુન્નસ કાઢવાની માનસિકતા સમાજની મોકળાશને પાંગળી કરશે. લોકશાહી સૂતરને તાંતણે લટકણિયાની માફક માત્ર શોભા પુરતી ન રહી જાય તેની જવાબદારી સત્તાધિશો અને મતદાતાઓ તમામની છે. સોરોસે જે કહ્યું, અદાણીએ ભૂતકાળમાં હિન્ડનબર્ગ રિપોર્ટને જે રીતે નકાર્યો કે આપણા રાજકારણીઓએ સોરોસની ટિપ્પણી સામે જે પ્રતિક્રિયા આપી આ તમામને 360 ડિગ્રીમાં નિષ્પક્ષ રીતે જોવું જરૂરી છે.

સોરોસે જે પણ કહ્યું છે તેમાં રહેલી આર્થિક ચેતવણીને ગંભીરતાથી લેવી પડે, ગોટાળાવાળા મૂડીવાદને કારણે ભારતની છબી ખરડાઇ છે એમાં ના નહીં અને વડાપ્રધાને આ પ્રકારની ઘટનાઓને લઇને વિદેશી રોકાણકારોને જવાબ આપવો રહ્યો. અદાણી જૂથ હિન્ડનબર્ગ સામે બદનક્ષીનો દાવો ન કરી શક્યું, તેમણે FPO પાછો ખેંચી લીધો આ બતાડે છે કે એ રિપોર્ટમાં કંઇક તો દમ હશે જ. વળી ભૂતકાળમાં પણ લલિત મોદી, નિરવ મોદી અને વિજય માલ્યા જેવાઓએ આપણી બૅંકિંગ સિસ્ટમની ઉધઈ જાહેર કરી જ છે. સોરોસે જે 1992માં બ્રિટનમાં કહ્યું એ હિન્ડનબર્ગના રિપોર્ટે અદાણી માટે કર્યું. ભારતના આર્થિક સંસ્થાનો પર, અહીં થતી કામગીરી પર સવાલ થાય એ સ્વાભાવિક છે. સોરોસની વાતને ભારતની લોકશાહી પરનો ગણતરીપૂર્વકનો હુમલો ગણાવનારાઓએ પેલો હિંદી વાક્ય પ્રયોગ યાદ કરવો રહ્યો, ‘ખુદ કે ગિરેબાનમેં ઝાંક કે દેખીએ.’

Most Popular

To Top