અમદાવાદ: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં એક ઉમેદવારના સાચા જવાબને ખોટો ઠેરવવાના મામલે ગુજરાત હાઈકોર્ટએ કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે જીપીએસસીના અધિકારીઓની આકરી ઝાટકણી કાઢતાં જણાવ્યું કે તેઓએ કોર્ટની ગરિમા જાળવતા શીખવાની જરૂર છે, સાથે જ પેપર સેટર અને પેપર ચેકર સામે કોર્ટના તિરસ્કાર (Contempt of Court)ની કાર્યવાહી કેમ ન કરવી તે અંગે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે.
આ મામલો જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષા સાથે સંબંધિત છે, જેમાં એક યુવતીએ ‘કૌટિલ્યના અર્થશાસ્ત્ર’ વિષયક પ્રશ્નનો પાઠ્યપુસ્તક આધારિત યોગ્ય જવાબ આપ્યો હોવા છતાં તેને ખોટો ગણાવી ઇન્ટરવ્યુ માટે અયોગ્ય ઠરાવવામાં આવી હતી. આ નિર્ણયને પડકારતાં ઉમેદવાર હાઈકોર્ટ પહોંચી હતી. અરજદાર તરફથી રજુઆત કરી હતી કે ઉમેદવારનો જવાબ પ્રમાણભૂત પાઠ્યપુસ્તક મુજબ સાચો છે, છતાં જીપીએસસીએ અન્ય સંદર્ભ સાહિત્યના આધારે તેના માર્ક્સ કાપ્યા છે, જેના કારણે તેની સરકારી નોકરી અટકી ગઈ છે. રાજ્ય સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે ‘કૌટિલ્યના અર્થશાસ્ત્ર’ વિષયમાં વિવિધ પુસ્તકોમાં મતભેદ છે અને નિષ્ણાતોના મતે આ વિષય રાજ્યશાસ્ત્ર સાથે વધુ સંબંધિત છે, જ્યારે ઉમેદવારે અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી જવાબ આપ્યો હતો. સરકારએ વધુમાં દલીલ કરી હતી કે આવા શૈક્ષણિક મુદ્દાઓમાં કોર્ટ દખલગીરી ન કરે.
બીજી તરફ હાઈકોર્ટે સરકારની દલીલોને ફગાવી સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓના હિત સાથે જોડાયેલા મુદ્દાઓમાં, ખાસ કરીને સ્પષ્ટતાનો અભાવ હોય ત્યારે, કોર્ટ દખલગીરી કરી શકે છે. કોર્ટે વધુમાં નોંધ્યું કે અરજદારે પાઠ્યપુસ્તક મુજબ યોગ્ય જવાબ આપ્યો છે, પરંતુ સરકાર તેનો યોગ્ય વિરોધાભાસ રજૂ કરવામાં નિષ્ફળ રહી છે. સાથે જ હાઈકોર્ટે ટકોર કરી કે જો કોઈ શંકા હોય તો તેનો લાભ ઉમેદવારને આપવો જોઈએ અને તેજસ્વી ઉમેદવારોને આગળ વધવા પ્રોત્સાહિત કરવું સમાજના હિતમાં છે.