Columns

જરાસંઘ પરાજિત કેમ થતો નથી?

રવોને થોડું ઘણું સમજાવીને અક્રૂરે પાંડવોને કેટલુંક રાજય અપાવ્યું. જો કે પ્રેમાનંદના ‘દશમસ્કંધ’માંનું આવું વર્ણન મૂળ મહાભારતમાં જોવા નહીં મળે – કદાચ મહાભારતની બીજી વાચનાઓમાં હોઇ શકે. હવે શ્રીકૃષ્ણે જ્યારે કંસનો વધ કર્યો, ત્યારે કંસરાજાની બે રાણીઓ અસ્તિ અને પ્રાપ્તિ વિધવા થઇ. જાદવોને જાણ ન થાય એ રીતે બંને પિયર ગઇ. તેમનું પિયર એટલે જરાસંઘનું મગધ રાજ્ય. રાજસભામાં રુદન કરતી પુત્રીઓને જોઇને રાજાએ તેનું કારણ પૂછયું. બંને વિધવાઓએ પોતાની આપવીતી કહી સંભળાવી. આ સાંભળીને કયો પિતા શાંત રહી શકે? એટલે તેણે તો પ્રતિજ્ઞા કરી કે હવે મથુરાને જંગલ બનાવું અને આખી પૃથ્વી પરથી જાદવોનું નામોનિશાન મટાડી દઉં. પછી જરાસંઘે સેનાપતિઓને બોલાવી મથુરા પર આક્રમણની તૈયારી કરી. પ્રેમાનંદ તો વર્ણનકળામાં કુશળ એટલે –
હણહણે હય, ગજ ચીસ પાડે,
રથ ચક્ર, પૈડાં ખડખડે
ખડગ ખળકે, સાંગ સળકે,
ધજા ગગને ફડફડે.
હોકારા કરે, બહુ શંખ ફૂંકે,
દુંદુભિ, ગોમુખ ગડગડે,
આંખ તરડે, મૂછ મરડે,
દંત દાનવના કડકડે.

અચાનક આક્રમણ થયું એટલે જાદવો ગભરાઇને શ્રીકૃષ્ણ પાસે પહોંચી ગયા અને જરાસંઘનો સામનો કરવા સેના સજજ થઇ. શ્રીકૃષ્ણના શંખનાદે જરાસંઘની સેનાને ભયભીત કરી મૂકી. જાદવોએ જોયું કે શ્રીકૃષ્ણ માટે કોઇ વાહન નથી. આયુધોમાં માત્ર શંખ, ચક્ર, ગદા, ધનુષ જ છે એટલે સ્વર્ગમાંથી ભગવાન માટે રથ ઊતર્યો અને પછી બંને સેના વચ્ચે યુદ્ધ શરૂ થયું – જાદવોની સેના પણ વિશાળ – પ્રેમાનંદે પ્રશ્ન પૂછયો :
મથુરાની નારી લક્ષ શું સેનાને પ્રસવતી હતી રે?
શરૂઆતમાં તો જરાસંઘ બાળક જેવા દેખાતા બલરામ અને શ્રીકૃષ્ણ સામે લડવા તૈયાર ન થયો પણ શિશુપાળે તેને પાનો ચડાવ્યો એટલે યુદ્ધ શરૂ થયું. બલરામ શિશુપાળ સાથે અને શ્રીકૃષ્ણ જરાસંઘ સામે ઊભા રહી ગયા. જેવી રીતે વૃત્રાસુર અને ઇન્દ્ર વચ્ચે યુદ્ધ થયું હતું તેવી રીતે અહીં પણ યુદ્ધ થયું :
પડે હસ્ત, નેત્ર ને કર્ણ,
છેદાય પણ નાસિકા ને ચર્ણ;
કબંધ મસ્તક વિહોણાં વઢે,
અગ્નિ – અસ્ત્રે પાવક ધડધડે.

યુદ્ધ ભૂમિ ઉપર તો લોહીની નદીઓ વહેવા માંડે. બલરામ પણ ગાંજયા જાય એવા ન હતા. પરિણામે શિશુપાળ નાસી ગયો અને સેનામાં ભંગાણ પડયું. કેવું?
ઉઘાડાં મસ્તક, પાળા પાય, પ્રસ્વેદ છૂટે, શ્વાસ નવ માય;
સૈનિકો ત્રાસી ગયા અને જરાસંઘને પ્રાર્થના કરવા લાગ્યા. પરિણામે જરાસંઘ મરણિયા બનીને ધસ્યો. જેવી રીતે સાંકળ તોડી હાથી ભાગે, તેમ જરાસંઘ ધસ્યો અને જાદવ યોદ્ધાઓ પણ ભયભીત થઇને નાસવા લાગ્યા એટલે બલરામ સામે આવ્યા. 2 વાઘ લડે એમ બંને લડવા લાગ્યા. જરાસંઘને મારી નાખવાની તૈયારી કરતા હતા ત્યાં શ્રીકૃષ્ણે એમને રોકયા – ‘એ આપણા મામાનો સસરો છે, મામીને ખરાબ લાગશે. એ જીવતો રહેશે તો ફરી યુદ્ધ કરીશું.’ એટલે જરાસંઘ બચી ગયો. યુદ્ધ ભૂમિ ઉપર જે કંઇ સામગ્રી હતી તે બધી જાદવોએ લૂંટી લીધી. ફરી સાતમે દિવસે ફરી જરાસંઘ આવ્યો. જાદવોએ તેને હરાવ્યો. એમ કરતાં કરતાં 17 વાર જરાસંઘ મથુરા પર ચડી આવ્યા. આવો જરાસંઘ પરાજિત કેમ થતો નથી? આની સાથે કાળયવનની કથા જોડી દીધી. તેને પાણી ડૂબાડી ન શકે, અગ્નિ બાળી ન શકે, વાયુ તેનું શોષણ કરી ન શકે, કોઇ અસ્ત્ર – શસ્ત્ર તેનો વધ કરી ન શકે.


આવા કાળયવને એક વાર નારદને કહ્યું – ‘મારી સાથે લડનાર કોણ છે?’ ત્યારે નારદે તેને વસુદેવનાં સંતાનોની વાત કરી. તે કાળયવન મથુરા પર ચડી આવ્યો. જરાસંઘને આની જાણ થઇ એટલે તેને નિરાંત થઇ. હવે નાસતા જાદવોનો હું નાશ કરીશ. શ્રીકૃષ્ણને આની જાણ થઇ. એ તો પાકા મુત્સદ્દી હતા. એટલે મથુરા ત્યજીને બીજે વસવાનો વિચાર કર્યો. વિશ્વકર્માને કોઇ જુદા સ્થળે નગરી ઊભી કરવા કહ્યું. વિશ્વકર્માએ ‘દ્વારકા નગરી’ ઊભી કરી. કેવી હતી એ નગરી?
ઘરમાં શોભા, બહુ બારી ને બુર્જ,
જડિત કળશ ઝટકે જેમ સૂજે,
ચિત્રરેખા, ઘણી પૂતળી પોળ, ચોક,
ચહુટાં શોભે છજાંની ઓળ.
છે શેરી, ફળિયાં, શોભિત હાટ, સ્ફટિક – શિલાએ બાંધ્યા રસ્તા – ઘાટ
જડિત કનક-કઠેરા હારોહાર, પરસાળ – પટમાં ઓરડા, ગજાર.
કનડ ચોસલે બાંધ્યા ચોક, બહુ જાળી, અટાળી, બારી, ગોખ;
બિરાજે છજાં, ઝરૂખા ઝાકમઝોળ, ભોંયરાં, અગાશી, મેડી મહોલ,
અને પછી? ત્યાં જોગમાયા પણ હતી. તેણે મથુરામાં વસતા બધાં લોકને પળવારમાં દ્વારકા ભેગા કરી દીધા! મથુરામાં માત્ર બલરામ અને કૃષ્ણ રહ્યા.

Most Popular

To Top