Comments

મોદી સામે નીતીશકુમાર કેમ મહત્ત્વના?

બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર ગયા સપ્તાહે નવી દિલ્હીમાં વિરોધ પક્ષોના નેતાઓને કલાકો સુધી મળ્યા. તેઓ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળ્યા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ભોજન કર્યું. તેઓ કસૂરવાર નેતા ઓમપ્રકાશ ચૌટાલાને પણ મળ્યા. ડાબેરી જૂથોના નેતાઓને પણ તેઓ મળ્યા અને વેદાંતા હોસ્પિટલમાં બીમારીમાંથી બેઠા થતા સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંહ યાદવને મળ્યા અને તેમની સાથેની મુલાકાતમાં તેમનો દીકરો અખિલેશ પણ હાજર હતો.

પોતાની મુલાકાતના છેલ્લા દિવસે નીતીશકુમારે વિરોધ પક્ષના સૌથી વરિષ્ઠ નેતા શરદ પવાર સાથે પણ લાંબી વાતચીત કરી. આ અગાઉ નીતીશકુમાર તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને પણ પટણામાં મળ્યા હતા. આગામી દિવસોમાં નીતીશકુમાર ભારતીય જનતા પક્ષના શાસક સિવાયનાં રાજયોના મુખ્યમંત્રીઓને અને વિરોધ પક્ષના વધુ નેતાઓને મળવાના છે. અમને કહેવામાં આવ્યું છે કે નીતીશ અને તેમના સાથી લાલુપ્રસાદ યાદવ સોનિયા ગાંધીને તેઓ પરદેશથી પાછાં ફરે એટલે મળવાનાં છે. સોનિયા ગાંધીનાં માતાજી હજી તાજેતરમાં મૃત્યુ પામ્યાં હતાં.

નીતીશકુમાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની કોઇ પણ સરખામણી તમે બાજુ પર રાખો તો એ સ્પષ્ટ છે કે બિહારના મુખ્ય પ્રધાન 2024 ની લોકસભાની ચૂંટણી માટે વિરોધ પક્ષોને એક કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવવા માંગે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથેની તેમની બેઠક મોદી સામે વિપક્ષી એકતાની રચના કરવા માટેની મહત્ત્વની હિલચાલ છે. મોદી સામે વડા પ્રધાનપદના ઉમેદવાર કોણ છે એ પ્રશ્નનો જવાબ હજી જડતો નથી, છતાં ભારતીય જનતા પક્ષ સામેના નીતીશના પ્રયાસોને રાહુલનો ટેકો વિરોધ પક્ષોને સાથે આવવાની તક વધારી છે. મતદારોને વૈકલ્પિક પસંદગી આપી શકે તેવી રાજકીય વ્યવસ્થા માટે નીતીશને રાહુલ ટેકો આપે તો તેનો મતલબ એ થાય કે વિરોધ પક્ષના અન્ય મહત્ત્વાકાંક્ષી નેતાઓના સંદર્ભમાં નીતીશની ગાડી વહેલી શરૂ થશે.

અત્યાર સુધી રાહુલ ગાંધી વિરોધ પક્ષના અન્ય કોઇ પણ નેતાઓથી પ્રભાવિત થયા નથી પછી તે મમતા બેનરજી હોય, તેજસ્વી યાદવ હોય, શરદ પવાર હોય, કે. ચંદ્રશેખર રાવ હોય, એચ.ડી. કુમાર સ્વામી હોય, એમ.કે. સ્તાલિન હોય કે ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ અને માયાવતી સાથેનો રાહુલનો અનુભવ કડવો રહ્યો છે. કારણ કે તેમના પક્ષ સાથેના જોડાણથી ન તો તેમને ફાયદો થયો કે ન તો કોંગ્રેસનો. રાહુલે ઘણી વાર કહ્યું છે કે મને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ આવવામાં એટલો રસ નથી, જેટલો રસ ભારતીય જનતા પક્ષના એક દાયકા જૂના શાસનનો અંત લાવવાના માર્ગે જવામાં છે.

નીતીશકુમાર પણ પોતે વિરોધ પક્ષના વડા પ્રધાનપદના ઉમેદવાર હોવાનો દાવો નથી કરતા. ભલે બધા જાણે છે કે લોકસભાની ચૂંટણીનાં બે વર્ષ પહેલાં બિહારમાં ભારતીય જનતા પક્ષને તડકે નાંખવાના નીતીશકુમારના નિર્ણયને તેની મહત્ત્વાકાંક્ષા સાથે ઝાઝી લેવાદેવા છે. તેથી જ રાહુલ અને નીતીશકુમારે મોટા ભાગના મતદાર વિસ્તારોમાં મોદીના ઉમેદવાર સામે પોતાનો ઉમેદવાર ઊભો રાખી મોદીને ઘરભેગા કરવાની બંનેએ ચર્ચા કરી હોવાનું જણાય છે.

કોંગ્રેસ મહાગઠબંધનમાં સાથીદાર છે અને તેના બે પ્રધાનો બિહાર પ્રધાન મંડળમાં છે. નીતીશે ભારતીય જનતા પક્ષ સાથે છેડો ફાડયો તેનાથી રાજી થયેલા રાહુલ ગાંધીએ તા. 4 થી સપ્ટેમ્બરે દિલ્હીની સભામાં મોદી રાજનો અંત લાવવા માટે વિરોધ પક્ષો એક થાય તેની વાત કરી હતી. ખરેખર તો 2016 માં સોનિયાએ મમતા બેનરજીને સૂચન કર્યું હતું કે તમામ વિરોધ પક્ષોએ ભારતીય જનતા પક્ષ અગર નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સામે એક થઇ જવું જોઇએ. જેથી ભારતીય જનતા પક્ષ 30-40 ટકાથી વધુ મતે જીતે નહીં, પણ મમતાએ કહ્યું હતું કે સોનિયા સંમત થાય કે કોંગ્રેસ ભારતીય જનતા પક્ષ સામેની વ્યવસ્થામાં નેતૃત્વ લેવાનો આગ્રહ નહીં રાખે અને  પ્રાદેશિક પક્ષોને તેની ભૂમિકા ભજવવા દે.

નીતીશકુમારે સોનિયાની જૂની ફોર્મ્યુલા પરથી ધડો લીધો લાગે છે કે દરેક વિરોધ પક્ષે મોદીને હાંકી કાઢવા જયાં જરૂર પડે બલિદાન આપવું. નીતીશકુમારે બિહારમાં ભારતીય જનતા પક્ષ સાથે છેડો ફાડયો તે સોનિયા અને લાલુપ્રસાદ યાદવ વચ્ચે ચર્ચા થઇ હતી અને પોતે કોંગ્રેસ કે રાહુલ સામેની વાસ્તવિકતાથી અજાણ નથી એવું પોતે સમજે છે. એવું કહ્યું હોવાનો ગણગણાટ છે. સોનિયાનું નિશાન ભારતીય જનતા પક્ષના શાસનને નીતીશકુમાર ભારતીય જનતા પક્ષ સાથે છેડો ફાડતા હોવાથી લાલુ કે રાબડીએ તેજસ્વી યાદવને મુખ્ય પ્રધાન બનાવવાનો આગ્રહ નહીં રાખવો જોઇએ.

2017 માં નીતીશકુમારે રાષ્ટ્રીય જનતા દળને કચરા પેટીમાં નાંખી ભારતીય જનતા પક્ષ સાથે ઘર  માંડયું તેનાથી રાબડી દેવી નારાજ હતા. જો કે નીતીશકુમારે કહ્યું કે એ મોટી ગંભીર ભૂલ હતી. જો કે રાહુલ અને સોનિયાને વિરોધ પક્ષના અન્ય કોઇ પણ નેતા કરતાં નીતીશકુમાર સાથે વાતચીત કરવાનું વધુ ફાવે છે. મમતાએ નીતીશકુમાર પોતાની રાષ્ટ્રીય ભૂમિકા ભજવવાની મહત્ત્વાકાંક્ષા સામે અવરોધ લાગે છે. નવીન પટનાઇક તાલ જોયા કરે છે અને નીતીશકુમાર વિરોધ પક્ષોને વ્યાપકપણે સમજાવી વિપક્ષી એકતા સાધવામાં આંશિક રીતે સફળ થયા છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top