Top News Main

ઈરાન ઓછા મિસાઈલ કેમ ફાયર કરી રહ્યું છે? લોન્ચર નષ્ટ થયા કે નવી યુદ્ધ રણનીતિ?

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના બીજા અઠવાડિયામાં એક મહત્વપૂર્ણ બદલાવ જોવા મળ્યો છે. શરૂઆતમાં ભારે સંખ્યામાં મિસાઈલ ફાયર કરનાર ઈરાન હવે લગભગ 90% ઓછા મિસાઈલ લોન્ચ કરી રહ્યું છે. અમેરિકા અને ઇઝરાયેલ તેને પોતાની સૈન્ય સફળતા ગણાવી રહ્યા છે, જ્યારે ઈરાન કહે છે કે આ તેની નવી યુદ્ધ રણનીતિનો ભાગ છે.

28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર ભારે હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં ઈરાનના ધાર્મિક અને સૈન્ય નેતૃત્વને મોટો ઝટકો લાગ્યો હતો. તેના જવાબમાં ઈરાને શરૂઆતના દિવસોમાં મિસાઈલ અને ડ્રોનનો ભારે વરસાદ કર્યો હતો. પરંતુ હવે હુમલાઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે.

મિસાઈલ લોન્ચર નષ્ટ થયા હોવાનો દાવો : અમેરિકા અને ઇઝરાયેલનો દાવો છે કે તેમના હુમલાઓમાં ઈરાનના 75% સુધીના મિસાઈલ લોન્ચર નષ્ટ કરી દેવામાં આવ્યા છે. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિસના જણાવ્યા મુજબ યુદ્ધ પહેલા ઈરાન પાસે લગભગ 400 થી 550 લોન્ચર હતા. તેમાંના લગભગ 300 થી 415 લોન્ચર નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા હોવાનું કહેવામાં આવે છે. રિપોર્ટ મુજબ 28 ફેબ્રુઆરીએ ઈરાને એક જ દિવસે લગભગ 480 મિસાઈલ ફાયર કર્યા હતા. જ્યારે 9 માર્ચ સુધીમાં સંખ્યા ઘટીને લગભગ 40 મિસાઈલ રહી ગઈ છે. એટલે કે હુમલાની તીવ્રતા લગભગ 92% ઘટી ગઈ છે.

ઈરાનનો જવાબ – આ અમારી નવી સ્ટ્રેટેજી : ઈરાન આ દાવાઓને સંપૂર્ણપણે નકારી રહ્યું છે. ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના એરોઝસ્પેસ ફોર્સના વડા બ્રિગેડિયર જનરલ સૈયદ મજિદ મૂસાવીએ જણાવ્યું છે કે ઈરાન હવે ઓછા પરંતુ વધુ શક્તિશાળી મિસાઈલ ઉપયોગ કરવાની નીતિ અપનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે હવે એવા મિસાઈલ ઉપયોગમાં લેવાશે જેમાં 1000 કિલોગ્રામથી વધુ વિસ્ફોટક ક્ષમતા હશે. એટલે હુમલાની સંખ્યા ઓછી હશે પરંતુ અસર વધુ ગંભીર હોઈ શકે છે.

અન્ય કારણો પણ હોઈ શકે : સૈન્ય વિશ્લેષકો મુજબ મિસાઈલ ફાયરિંગ ઘટવાના પાછળ અનેક કારણો હોઈ શકે છે:
અમેરિકા અને ઇઝરાયેલના હુમલાથી લોન્ચર અને સૈન્ય ઢાંચાને નુકસાન
મિસાઈલ સ્ટોક બચાવી રાખવાની રણનીતિ
લાંબા યુદ્ધ માટે હથિયારો બચાવવાની જરૂર
સૈન્ય ઓપરેટરોને હવાઈ હુમલાનો જોખમ
ડ્રોન હુમલાઓમાં પણ મોટો ઘટાડો
માત્ર મિસાઈલ નહીં,ઈરાનના ડ્રોન હુમલાઓમાં પણ ભારે ઘટાડો થયો છે.

રિપોર્ટ અનુસાર 720 ડ્રોન હુમલાથી સંખ્યા ઘટીને માત્ર 60 રહી ગઈ છે.

આગળ શું? : હાલમાં સ્પષ્ટ નથી કે ઈરાનની ક્ષમતા ખરેખર ઘટી ગઈ છે કે તે લાંબા યુદ્ધ માટે નવી રણનીતિ બનાવી રહ્યું છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે મિડલ ઈસ્ટનું આ યુદ્ધ હવે નવી અને વધુ જોખમી દિશામાં આગળ વધી રહ્યું છે.

Most Popular

To Top