Editorial

દેશમાં થોડો વધુ વરસાદ પણ હવે કેમ વિનાશક પુરવાર થઇ રહ્યો છે?

દેશમાં ૨૦૨૪ની નૈઋત્યની ચોમાસુ ઋતુ સોમવારે સત્તાવાર રીતે પુરી થઇ છે, જેમાં ભારતમાં સરેરાશ ૯૩૪.૮ મીમી વરસાદ નોંધાયો છે જે લાંબા ગાળાની સરેરાશના ૧૦૮ ટકા છે અને ૨૦૨૦ પછી સૌથી વધુ છે એમ ભારતીય હવામાન વિભાગના આંકડાઓ જણાવે છે. આપણે ત્યાં નૈઋત્યનું ચોમાસુ  ૧ જૂનથી ૩૦ સપ્ટેમ્બર સુધી ગણાય છે. આ ઋતુ સમાપ્ત થઇ  હોવાની જાહેરાત સત્તાવાર રીતે હવામાન ખાતાએ ભલે ૩૦ સપ્ટેમ્બરના રોજ કરી હોય પરંતુ હજી પણ થોડા દિવસ વરસાદ આવે તો નવાઇ નહીં, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસુ વિલંબથી પાછુ ખેંચાઇ રહ્યું છે.

ચોમાસુ પુરુ થવાની સત્તાવાર તારીખ ભલે ૩૦ સપ્ટેમ્બર હોય પણ આપણા ગુજરાતમાં વર્ષોથી ચોમાસુ ૧૫ સપ્ટેમ્બરની આસપાસ વિદાય લઇ લેતું હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સપ્ટેમ્બરના અંત સુધી કે ઓકટોબરના શરૂઆતના દિવસોમાં પણ આપણે ત્યાં વરસાદ પડતો હોય તેવું બને છે. આ વખતે પણ સપ્ટેમ્બરના છેલ્લા દિવસોમાં પણ વરસાદ પડ્યો જ છે અને હવે ઓકટોબરમાં વરસાદ પડે છે કે નહીં તે જોવાનું રહે છે, ચોમાસુ પાછુ ખેંચાવાની શરૂઆત થઇ ચુકી હોવાનું થોડા દિવસ પહેલા જ જાહેર કરાયું છે અને તેથી કદાચ ઓકટોબરમાં આ વખતે વરસાદ નહીં પડે તેવું બની શકે.

હવામાન ખાતાના આંકડાઓ મુજબ મધ્ય ભારતમાં આ પ્રદેશની લાંબા ગાળાની સરેરાશ કરતા ૧૯ ટકા વધુ વરસાદ થયો છે, જ્યારે દક્ષિણી દ્વીપકલ્પમાં સામાન્ય કરતા ૧૪ ટકા વધુ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતા ૭ ટકા વધુ વરસાદ થયો છે. પૂર્વ અને ઉત્તરપૂર્વમાં જો કે સામાન્ય કરતા ૧૪ ટકા ઓછો વરસાદ નોંધાયો છે એમ આંકડાઓ દર્શાવે છે. આ વર્ષે દેશમાં જૂન મહિનામાં ૧૧ ટકા ઓછો વરસાદ થયો હતો, પરંતુ તેના પછી જુલાઇમાં સામાન્ય કરતા ૯ ટકા વધુ, ઓગસ્ટમાં ૧૫.૭ ટકા વધુ અને સપ્ટેમ્બરબમાં ૧૦.૬ ટકા વધુ વરસાદ થયો છે. ૨૦૨૦માં ૯૫૮ મીમી વરસાદ થયો હતો જે ઘણો વધારે હતો. આ વખતે સરેરાશ વરસાદ બહુ વધારે તો થયો નથી પણ તેણે કેટલાક સ્થળે ઘણો વિનાશ કર્યો છે તે એક કરૂણ બાબત છે. કેરળની વાયનાડની ઘટના તો કયારેય ભૂલી નહીં શકાય તેવી કરુણાંતિકા રહી છે.

ભારતમાં ચોમાસની ઋતુ ખેતી ક્ષેત્ર માટે ખૂબ મહત્વની છે. હજી પણ દેશનો બાવન ટકા ખેતીનો વિસ્તાર વરસાદ પર આધાર રાખે છે. ભારતમાં જળાશયોમાં પાણી ભરવા માટે પણ વરસાદ ખૂબ જરૂરી છે જે જળાશયો પીવાનું અને વપરાશનું પાણી પુરુ પાડે છે અને વિદ્યુત ઉત્પાદનને ટેકો આપે છે. દેશ માટે ચોમાસુ વરસાદ ખૂબ જરૂરી છે અને આ વખતે વરસાદ સરેરાશ કરતા થોડો વધારે થયો તે આનંદની પણ બાબત છે પરંતુ આપણે ઉપર જોયું તેમ તે આ વખતે કેટલાક વિસ્તારોમાં વિનાશક કે નુકસાનકારક પણ રહ્યો છે.

કેરળના વાયનાડની તો ભૂપ્રપાતની ઘટના તો અતિભયંકર હતી. હિમાચલ પ્રદેશમાં પણ તેણે ઠીક ઠીક વિનાશ કર્યો છે. આપણા ગુજરાતમાં અને પાડોશના મહારાષ્ટ્રમાં પણ પૂરની ઘટનાઓએ જાનહાનિઓ અને નુકસાન સર્જ્યા છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને બિલિમોરા જેવા સ્થળોએ એકથી વધુ વખત પૂરની સ્થિતિ સર્જાઇ, તાપી પણ તેનું રૌદ્ર સ્વરૂપ દેખાડી ગઇ અને વડોદરામાં તો આ વખતે વરસાદે ભયંકર સ્થિતિ સર્જી. પ્રશ્ન એ થાય છે કે વરસાદ ઘણો વધારે પડતો ન હતો છતાં પૂરની સ્થિતિ કેમ સર્જાઇ?

નાના-મોટા શહેરોમાં નદી કાંઠાઓ નજીક થયેલા આડેધડ બાંધકામો અને દબાણો થોડા વધારે વરસાદમાં પણ પૂરની સ્થિતિ સર્જી દે છે એમ જણાયુ છે. નદીઓમાં બેજવાદારીપૂર્વક ઠલવાતા કચરાએ નદીઓને છીછરી બનાવી દીધી છે અને થોડા વધુ વરસાદમાં જ તે છલકાઇ જાય છે અને પૂર આવે છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પર્યટકન અને યાત્રાસ્થળો માટે સગવડો વિકસાવવાના નામે કરાયેલા અવિચારી બાંધકામો એ તો ખૂબ જોખમી સ્થિતિ સર્જી છે. ભવિષ્યમાં જો વધુ મોટી કરૂણાંતિકાઓ અટકાવવી હશે તો આ બધી બાબતોમાં નક્કર પગલા લેવા જ પડશે.

Most Popular

To Top