આગામી વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. કેપ્ટન અમરિંદરસિંગને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા બાદ સત્તાધારી પક્ષ કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાડી રહ્યો છે. તો બીજી તરફ કૃષિ કાયદાના વિરોધમાં શિરોમણી અકાલીદળે પણ એનડીએ સાથે છેડો ફાડી નાંખ્યો છે અને તે સત્તા કબજે કરવા માટે મરણિયા પ્રયાસ કરે તેમાં કોઇ બે મત નથી તો ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની પણ પંજાબ પર સંપૂર્ણ નજર છે. સમાચાર માધ્યમો પર નજર કરીએ તો પણ ખબર પડી જાય કે હવે પંજાબમાં ચૂંટણી નજીક આવી રહી છે. જો કે એક વાત આંખે ઉડીને વળગે તેવી એ પણ છે કે, પંજાબમાં ચૂંટણી નજીક આવે ત્યારે જ અચાનક અનિચ્છનીય ઘટનાઓ વધી જાય છે. આવું શા માટે થાય છે તેની તપાસ થવી ખૂબ જ જરૂરી છે.
વિતેલા સપ્તાહની વાત કરીએ તો સૌથી પહેલી ઘટના સમગ્ર દુનિયાના શીખ સમાજના હ્યદય સમા સુવર્ણ મંદિરમાં બની હતી. અમૃતસરના સુવર્ણ મંદિરમાં ગુરુ ગ્રંથ સાહિબનું અપમાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવક સચખંડ સાહિબની અંદર બનેલી રેલિંગને પાર કરીને શ્રી ગુરુ ગ્રંથ સાહિબ પાસે પહોંચ્યો હતો. ત્યાં હાજર સેવકોએ યુવકને પકડી લીધો હતો. યુવકે ત્યા રાખવામાં આવેલી તલવારને પણ ઉઠાવી લીધી હતી. સેવકોએ તરત જ યુવકને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિને સોંપી દીધો. સચખંડની અંદર પહોંચ્યા બાદ જ્યાં સૌ લોકો માથુ ટેકવી રહ્યા હતા ત્યા યુવક ઓચિંતા જ રેલિંગ કુદીને શ્રી ગુરુ ગ્રંથ સાહિબ પાસે પહોંચી ગયો અને ત્યા રાખવામાં આવેલા શ્રીસાહિબ (કિરપાણ) ઉઠાવી લેવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમયે સેવાદારોએ તેને પકડી લીધો હતો.
ત્યાં હાજર લોકોએ અપમાન બદલ તેને માર મારતા તેનું મોત થઇ ગયું હતું એટલે તેના મોત સાથે જ તેનું આવું કરવા પાછળનું કારણ પણ દફન થઇ ગયું હતું. તો આ ઘટનાના બીજા જ દિવસે ગુરુદ્વારા સાહેબમાં નિશાન સાહેબનું અપમાન કરી રહેલા એક યુવકને ગામલોકોએ પકડી લીધો હતો. ત્યાર બાદ તેને એક રુમમાં પૂરી દેવાયો હતો. પોલીસે તેની ધરપકડ કરીને તેની સાથે લઈ જવાની કોશિશ કરી ત્યારે ગામલોકોએ તેનો વિરોધ કર્યો અને તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી. પોલીસે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. ત્યાર બાદ ગામલોકોએ ભેગા મળીને બેઅદબીના આરોપીની પીટાઈ કરીને તેની હત્યા કરી નાખી હતી. તો આ બે ઘટના લોકોના માનસપટ પરથી ભૂંસાઇ તે પહેલાં જ પંજાબના લુધિયાણા શહેરની કોર્ટના સંકુલમાં બોમ્બ વિસ્ફોટની ઘટના બની હતી.
લુધિયાણાના જિલ્લા કોર્ટ પરિસરમાં થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 6 અન્ય ઘાયલ થયા હતા. આ પછી પંજાબ સરકારે રાજ્યભરમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક પત્રમાં પંજાબ સરકારને ઘટનાની વિગતો આપતાં વહેલામાં વહેલી તકે રિપોર્ટ મોકલવા જણાવ્યું છે. પોલીસે જણાવ્યું કે કોર્ટ પરિસરના બીજા માળે આવેલા ટોયલેટમાં વિસ્ફોટ થયો હતો, તે સમયે કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી. જો કે, આ વિસ્ફોટ પાછળ કોણ જવાબદાર છે તે હજી નક્કી થઇ શક્યું નથી અને તપાસ એજન્સી તેના પર કામ કરી રહી છે. પરંતુ ફરીથી અહીં પ્રશ્ન એ જ ઉપસ્થિત થાય છે કે, જ્યારે ચૂંટણી સામે હોય ત્યારે જ પંજાબ કેમ અશાંત થઇ જાય છે એટલે એ બાબતે પણ મનોમંથન કરવું જોઇએ.