Business

રેકોર્ડ ઊંચાઈ હાંસલ કર્યા બાદ શેરબજાર અચાનક કેમ તૂટ્યું? જાણો શું છે કારણ..

શેરબજારમાં રોલર કોસ્ટર રાઈડમાં બેસવાનો અનુભવ આજે રોકાણકારોએ લીધો હતો. આજે ગુરુવારે તા. 27 નવેમ્બરે બજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યું હતું. નિફટી અને બીએસઈ બંને બજારોએ રેકોર્ડ નવી ઊંચાઈઓ હાંસલ કરી હતી. બજારમાં ધૂમ તેજી જોવા મળી હતી, પરંતુ બપોર બાદ એકાએક ચિત્ર બદલાયું હતું.

બજાર એકાએક નીચેની તરફ સરક્યું હતું. ગ્રીન ઝોનમાં ઉપરની તરફ ચઢતા શેર્સ અચાનક રેડ ઝોનમાં આવી ગયા હતા. બજાર લાલ થઈ ગયું હતું. એવું તો શું થયું કે બજાર અચાનક તૂટ્યું. નિષ્ણાતોના મતે આ પાંચ કારણોના લીધે બજારમાં ઘટાડો જોવા મળ્યો છે.

જાણો રેકોર્ડ બાદ બજાર કેમ નીચે આવ્યું?

1) ઊંચા સ્તરે નફા–બુકિંગ
ઓલટાઈમ હાઈ બાદ ટ્રેડર્સે મોટા પ્રમાણમાં નફો બુક કર્યો હતો. આવનારા સપ્તાહે RBIની પોલિસી સમીક્ષા છે અને અમેરિકાની ટેરિફ ડીલ અંગે ચિંતાઓ યથાવત છે. આ અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો જોખમ ન લેવા માંગતા હોય નફો ઊંચા મથાળે બુક કર્યો હતો. તેના લીધે બજાર તૂટ્યું હતું. તેમ છતાં બેંકિંગ અને ફાઇનાન્સ શેરો મજબૂત રહ્યા.

2) ડેરિવેટિવ્સની માસિક સમાપ્તિનો અસર
ડેરિવેટિવ્સની માસિક સમાપ્તિ હોવાથી બજારમાં વધઘટ સામાન્ય કરતાં વધુ જોવા મળે છે. આજે પણ આ અસર સ્પષ્ટ જોવા મળી હતી. સમાપ્તિ નજીક હોય ત્યારે ટ્રેડિંગ એક્ટિવિટી વધે છે. જે બજારમાં વોલેટિલિટી સર્જે છે.

3) ટેકનિકલ સંકેતો બજારને રોકે છે
ટેક્નીકલ ચાર્ટ સૂચવે છે કે બજાર મજબૂત હોવા છતાં ટૂંકા ગાળાનો લાભ મર્યાદિત હોઈ શકે છે. નિષ્ણાતો અનુસાર હાલના સ્તરે નવા સોદા કરતાં નફો બુક કરવો વધુ સુરક્ષિત છે. ઘણા વિશ્લેષકોએ નિફ્ટી 26,100 પર સ્ટોપ–લૉસ રાખવાની સલાહ આપી છે. જેને કારણે રોકાણકારો સાવચેત છે.

4) મિડકૅપ–સ્મોલકૅપમાં નબળાઈ
મિડકૅપ અને સ્મોલકૅપ શેરોમાં દબાણ યથાવત છે. નિષ્ણાતોના મતે બજારમાં આગળ વધવા માટે કમાણીમાં સુધારો, વૈશ્વિક બજારોમાં સ્થિરતા અને સ્થાનિક રોકાણકારોની ભાગીદારી જરૂરી રહેશે.

5) રૂપિયાની નબળાઈ
આજે ગુરુવારે રૂપિયો નબળો પડ્યો હતો. રૂપિયો સતત નીચા સ્તરો તરફ સરકતા બજારના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર થઈ છે.

Most Popular

To Top