National

દિલ્હીમાં ક્લાઉડ સિડિંગ કેમ ગયું નિષ્ફળ..!! જાણો શું છે કારણ…

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે હાથ ધરાયેલા ક્લાઉડ સીડિંગ પ્રયોગથી વરસાદ પડ્યો નહીં. IIT કાનપુરની ટીમે આ પ્રયોગ કર્યો હતો પરંતુ વાદળોમાં ભેજ ખૂબ જ ઓછી માત્રા એટેલે કે 15% હોવાને કારણે કૃત્રિમ વરસાદ શક્ય ન બન્યો. છતાં પણ આ પ્રયોગથી થોડી અસર જોવા મળી કારણ કે દિલ્હીના કેટલાક વિસ્તારોના પ્રદૂષણમાં 6-10% સુધીનો ઘટાડો નોંધાયો હતો.

IIT કાનપુરના ડિરેક્ટર પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલના જણાવ્યા અનુસાર આ પ્રયોગ વૈજ્ઞાનિક રીતે સફળ રહ્યો પરંતુ “વાસ્તવિક વરસાદ માટે પૂરતી ભેજ નહોતી જેના કારણે આ પ્રયોગ નિષ્ફળ ગયો” હાલ માટે આગામી ટ્રાયલ અસ્થાયી રીતે મુલતવી રાખવામા આવી છે. અને હવે જ્યારે ભેજ વધશે ત્યારે ફરી ક્લાઉડ સીડિંગ હાથ ધરાશે.

ક્લાઉડ સીડિંગ શું છે?
ક્લાઉડ સીડિંગ એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જેમાં સિલ્વર આયોડાઇડ અથવા મીઠા જેવા કણો વાદળોમાં છાંટવામાં આવે છે. આ કણો “બીજ” તરીકે કામ કરે છે અને પાણીના ટીપાંને જોડીને વરસાદના ટીપાંમાં ફેરવે છે. પણ આ પદ્ધતિ ફક્ત ત્યારે અસરકારક બને છે. જ્યારે વાદળોમાં પૂરતી ભેજ અને યોગ્ય તાપમાન હોય.

ભેજ કેમ મહત્વપૂર્ણ છે?
વાદળોમાં રહેલી ભેજને વૈજ્ઞાનિક ભાષામાં લિક્વિડ વોટર કન્ટેન્ટ (LWC) કહેવામાં આવે છે. કૃત્રિમ વરસાદ માટે ભેજ ઓછામાં ઓછી 75% હોવી જરૂરી છે. જો તે 50%થી ઓછી હોય તો બીજ નાખ્યા છતાં વરસાદ નથી પડતો. દિલ્હીમાં ભેજ ફક્ત 15% હોવાથી ટીપાં પૂરતા મોટા ન થતા વરસાદ ન પડ્યો.

પ્રયોગ દરમિયાન વિમાન દ્વારા સિલ્વર આયોડાઇડ વાદળોમાં છાંટવામાં આવ્યો હતો. વરસાદ તો ન પડ્યો. પરંતુ PM2.5 અને PM10 જેવા પ્રદૂષક કણોમાં 6 થી 10% ઘટાડો જોવા મળ્યો હતો.

આગળ શું થશે?
IIT કાનપુરની ટીમે કહ્યું છે કે તેઓ હજુ બે વધુ ફ્લાઇટ્સ ચલાવવાની યોજના ધરાવે છે. જો આગામી દિવસોમાં ભેજમાં વધારો થશે. તો ક્લાઉડ સીડિંગ ફરી હાથ ધરાશે.

Most Popular

To Top