જ્યારે અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તકી ભારતમાં હતા, ત્યારે પાકિસ્તાન અને તાલિબાન શાસિત રાષ્ટ્ર વચ્ચેની 2,600 કિલોમીટર લાંબી ડ્યુરન્ડ લાઇન આગમાં ભડકી ઉઠી હતી. પાકિસ્તાની અને અફઘાન દળોએ આ ડુરાન્ડ લાઇન પર ઓછામાં ઓછા સાત સ્થળોએ ઘાતક ગોળીબાર કર્યો. તાજેતરના વર્ષોમાં હિંસાના સૌથી તીવ્ર વધારામાં બંને પક્ષોએ સરહદી ચોકીઓ કબજે કરીને નાશ કરવાનો દાવો કર્યો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ ક્રોસિંગ બંધ કરવામાં આવ્યા છે. બંને પક્ષોએ એકબીજાને નોંધપાત્ર રીતે ભારે જાનહાનિ પહોંચાડવાનો દાવો કર્યો છે. કતાર અને સાઉદી અરેબિયાની દરમ્યાનગીરી પછી બંને દેશો વચ્ચે લડાઇ તો અટકી પરંતુ વાતાવરણમાં ભારે તનાવ છે.
એમ કહેવાય છે કે ઘર્ષણોનું તાત્કાલિક કારણ ૯ ઓક્ટોબરના રોજ કાબુલ અને પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાનના હવાઈ હુમલા હતા. પાકિસ્તાની દળોએ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના વડા નૂર વલી મહસુદને નિશાન બનાવ્યો હતો. પાકિસ્તાન આક્ષેપ કરે છે કે ટીટીપી અફઘાનિસ્તાનમાં આશરો લે છે અને ત્યાંથી પાકિસ્તાનમાં હુમલાઓ કરે છે. આ આક્ષેપ તાલીબાન સરકાર નકારતી આવી છે. અફઘાન તાલિબાન અને તહેરીકે તાલીબાન પાકિસ્તાન જુદા જુદા છે. અને અફઘાન તાલિબાન સરકાર જાહેરમાં એમ કહેતી આવી છે કે તે ટીટીપીને આશરો આપતી નથી. હાલની લડાઇમાં જાનહાની અને નુકસાનના સામસામા દાવાઓ થયા, જેની સત્યતા હજી ચકાસી શકાઇ નથી.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મિત્રતા અને શત્રુતાનો જૂનો અને વિચિત્ર ઇતિહાસ રહ્યો છે. રશિયા સાથેની લડાઇ અને તે પછીના અશાંતિના વાતાવરણમાં પાકિસ્તાનમાં અનેક અફઘાન શરણાર્થીઓ આવ્યા હતા. અફઘાનિસ્તાનમાં પહેલી તાલીબાન સરકાર પાકિસ્તાનના ટેકાથી જ બની હતી. તે સરકારના પતન પછી અમેરિકાના ટેકાથી રચાયેલી સરકારો સાથે પાકિસ્તાનના સંબંધો કંઇ બહુ ઉષ્માભર્યા રહ્યા નહીં. હાલમાં નવી તાલીબાન સરકાર આશ્ચર્યજનક રીતે રચાય ત્યારે ત્યારની ઇમરાનખાનની પાકિસ્તાન સરકાર આનંદમાં આવી ગઇ હતી અને ભારતને મહેણા માર્યા હતા અને હવે આ જ સરકાર સાથે પાકિસ્તાનને તીવ્ર શત્રુતા સર્જાઇ છે. સંસ્થાનવાદી વિદેશી શાસન વખતની ડ્યુરાન્ડ લાઇન હજુ પણ પાકિસ્તાન-અફઘાન દુશ્મનાવટને કેવી રીતે વેગ આપે છે.
પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો હાલનો સરહદી સંઘર્ષ તાલિબાન શાસનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીની નવી દિલ્હીની ઐતિહાસિક મુલાકાત સાથે થયો હતો. ભારતે કાબુલમાં પોતાનું દૂતાવાસ ફરીથી ખોલવાની જાહેરાત કરી ત્યારે દેખીતી રીતે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું. આમ જુઓ તો અફઘાનિસ્તાન કરતા પાકિસ્તાન લશ્કરી રીતે અનેકગણુ શક્તિશાળી છે. તાલીબાનો પાસે હવાઇ દળ જેવું તો કશું છે જ નહીં! અને પાકિસ્તાન જો પુરા જોશથી હુમલો કરે તો ત્રણેક દિવસમાં જ તાલીબાન સરકારનો ઘડોલાડવો થઇ જાય તેમ છે અને કદાચ આથી જ અફઘાનિસ્તાન હવે ભારતનું શરણુ શોધે છે. ભારત જો કે યોગ્ય રીતે જ સાચવીને ડગલા ભરી રહ્યું છે. તેણે આ લડાઇમાં સીધી રીતે સંડોવાવું નથી. હવે આગળ શું થાય છે તે જોવાનું રહે છે.