Columns

સરકારી કર્મચારીઓ કેમ પગાર પંચથી નાખુશ છે?

એક આંધળા માણસને ઈશ્વરે વરદાન માગવા કહ્યું ત્યારે તેણે માગ્યું હતું કે, મારી સાતમી પેઢીને હું સોનાના મહેલમાં રહેતા જોઉં. તેણે એક જ વરદાનમાં પોતાની સાતમી પેઢી સુધીનું આયુષ્ય, સોનાના મહેલની જાહોજહાલી અને આંખો માગી લીધા હતા. ભારતના એક કરોડ સરકારી કર્મચારીઓને જો પગારવધારો માગવાનું કહેવામાં આવે તો તેઓ પણ આવી કોઇ માગણી કરે. સાતમું વેતન આયોગ તેમને આવું કોઇ વરદાન આપવા સક્ષમ ન હોવાથી તેણે છાપરું ફાડીને આપ્યું હોવા છતાં સરકારી કર્મચારીઓ નારાજ છે અને હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યા છે. અક્કરમીનો દડિયો કાણો કહેવતની જેમ સરકારી કર્મચારીને ગમે તેટલું આપો તો પણ તેમને સંતોષ થવાનો નથી.

અંગ્રેજોએ ભારતની પ્રજાને કાયમ ગુલામ રાખવા આપણા દેશમાં નોકરશાહીની સ્થાપના કરી હતી. અંગ્રેજો દેશ છોડીને ચાલ્યા ગયા, પણ ભારતની પ્રજાને વારસામાં નોકરશાહી આપતા ગયા છે. આદર્શ લોકશાહી દેશમાં સરકારી કર્મચારી પ્રજાનો નોકર ગણાવો જોઇએ, પણ આપણી લોકશાહીમાં તેઓ પ્રજાના માલિક બની બેઠા છે. તેઓ પ્રજાની નોકરી નથી કરતાં પણ પ્રધાનોની નોકરી કરે છે. સરકાર ગરીબ જનતાને કોરડા ફટકારીને તેની પાસેથી જે સીધા અને આડકતરા વેરાઓ વસૂલ કરે છે તેના 30 ટકા આ નોકરશાહીનો પગાર ચૂકવવામાં વપરાઇ જાય છે. કેન્દ્ર સરકારે સાતમાં પગાર પંચના માધ્યમથી તેમના પગારમાં 14.27 ટકાથી લઇને 25.5 ટકા સુધીનો વધારો કર્યો છે, પણ તેમને આ વધારો બહુ ઓછો લાગે છે. સરકારી કર્મચારીઓ કહે છે કે આ વધારો ઇતિહાસમાં સૌથી ઓછો છે.

સરકારી કર્મચારીઓ પગારવધારાથી કેમ સંતુષ્ટ નથી? તેનો જવાબ તમે કોની સાથે વાત કરો છો, તેના પર આધાર રાખે છે. જો તમે ઉચ્ચ અમલદાર સાથે વાત કરશો તો તે ફરિયાદ કરશે કે ખાનગી ક્ષેત્રમાં ટોચના અધિકારીઓને જેટલો પગાર મળે છે તેની સરખામણીમાં તેમને મળતો પગાર ચણામમરા જેટલો છે. સાતમાં પગાર પંચે ટોચના સરકારી અધિકારીનો માસિક પગાર 90 હજાર રૂપિયાથી વધારીને અઢી લાખ રૂપિયા કર્યો છે, પણ તેમને તો માસિક 10થી 25 લાખનો પગાર ઘરે લઇ જતાં મોટી કંપનીઓના સીઇઓની ઇર્ષ્યા થાય છે. આ કારણે ઘણા ટોચના સરકારી અમલદારો સ્વૈચ્છિક નિવૃત્તિ લઇને ખાનગી કંપનીઓ ભણી દોટ મૂકી રહ્યા છે. જેઓ સરકારી નોકરીમાં ચાલુ રહે છે તેઓ ભ્રષ્ટાચાર આચરીને ખાનગી કંપનીઓના સીઇઓ કરતાં વધુ કમાણી કરી રહ્યા છે.

જો તમે ત્રીજા વર્ગના સરકારી કર્મચારી સાથે વાત કરશો તો તે કહેશે કે ખાનગી કંપનીઓમાં તો કર્મચારીના દેખાવના આધારે દર વર્ષે તેમને પગારવધારો આપવામાં આવે છે, જ્યારે અમારે તેના માટે 8થી 10 વર્ષ સુધી રાહ જોવી પડે છે. જોકે તેઓ એ વાત નહીં કરે કે ખાનગી કંપનીઓની સરખામણીએ સરકારના ત્રીજા વર્ગના કર્મચારીને 3થી 5 ગણો પગાર આપવામાં આવે છે. સરકારી નોકરીમાં હવે સફાઇ કામદારનો પગાર પણ માસિક 18,000 રૂપિયા થઇ ગયો છે. ખાનગી નોકરીમાં સફાઇ કામદારને માંડ મહિને 6થી 8 હજાર રૂપિયા આપવામાં આવે છે. સરકારી નોકરીમાં શિક્ષકનો પગાર મહિને 52,000 રૂપિયા થઇ ગયો છે. કઇ ખાનગી શાળામાં શિક્ષકને આટલો પગાર આપવામાં આવે છે? સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થાં સહિતનાં અનેક ભથ્થાંઓનો લાભ મળે છે. બિનસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં કરોડો કર્મચારીઓને કોઇ ભથ્થાંનો લાભ મળતો નથી.

સરકારી કર્મચારીઓ એ વાત ભૂલી જાય છે કે ખાનગી કંપનીમાં દર વર્ષે દરેક કર્મચારીના દેખાવનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેના આધારે તેમના પગારમાં વૃદ્ધિ કરવામાં આવે છે. ખાનગી કંપનીમાં કોઇ કર્મચારી કામચોરી કરતો હોય તો તેને ફાયર કરવામાં આવે છે. સરકારી નોકરીમાં તો કર્મચારી કામ કરે કે ન કરે, તેનો પગાર વધશે તે નક્કી હોય છે. વળી તે ગમે તેટલી કામચોરી કરે કે ફરજ પ્રત્યે બેદરકારી દાખવે તો પણ તેમને નોકરીમાંથી કાઢી શકાતા નથી. ઘણા સરકારી કર્મચારીઓ તો હાજરીપત્રકમાં સહી કરવા પૂરતા જ ઓફિસમાં આવતા હોય છે. બાકીના સમયમાં તેઓ કોઇ ખાનગી ધંધો સંભાળતા હોય છે. મુંબઇ મહાનગરપાલિકાના સફાઇ કર્મચારીને મહિને 40,000 રૂપિયા જેટલો પગાર મળતો હોય છે. તેઓ 4,000 રૂપિયામાં કોઇને નોકરીમાં રાખીને જલસા કરતા હોય છે.

કેન્દ્ર સરકારે કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા માથુર પેનલની રચના કરી હતી. તેણે ક્રાંતિકારી સૂચન કર્યું હતું કે સરકારી કર્મચારીઓના પગારને તેમના દેખાવ સાથે જોડી દેવામાં આવે. અર્થાત્ ખાનગી કંપનીઓની જેમ જે કર્મચારીનો દેખાવ સારો હોય તેને પગાર વધારો આપવામાં આવે, પણ જેની કામગીરી નબળી હોય તેના પગારમાં જરૂર પડે ઘટાડો પણ કરવો જોઇએ. માથુર પેનલે તો ત્યાં સુધી કહ્યું હતું કે તમામ કર્મચારીઓને બોનસ આપવાનું બંધ રાખીને જેમની કામગીરી સારી હોય તેમને જ બોનસ આપવાનું રાખવું જોઇએ.

જો માથુર પેનલની ભલામણોનો અમલ કરવામાં આવે તો સરકારી નોકરીનું સ્વરૂપ જ બદલાઇ જાય, પણ કોઇ સરકારની તેવી હિંમત નથી. કામચોર સરકારી કર્મચારીઓને છંછેડી કોઇ સરકાર ઉપાધિ વહોરી લેવા માગતી નથી. સરકારી કર્મચારીઓનાં યુનિયનો સરકારોને પણ ઉથલાવી પાડવાની ક્ષમતા ધરાવતા હોય છે. તેને કારણે જે કર્મચારીઓ નિષ્ઠાથી પોતાની ફરજ બજાવે છે તેમને સહન કરવાનું આવે છે, જ્યારે કામચોર કર્મચારીઓ જલસા કરે છે. સરકારી કર્મચારીઓ પરોપજીવી પ્રાણીઓ જેવા છે. આપણી નોકરી કરતાં તેઓ આપણા માલિક બની બેઠા છે. સરકારી કર્મચારીઓ પર લગામ નહીં તાણવામાં આવે તો આપણે તેમના ગુલામ બની જશું.

Most Popular

To Top