1679ની વાત છે. તિબેટીયન બૌદ્ધોના મહાન ગુરુ અને પાંચમા દલાઈ લામા ‘મેરાક લામા લોદ્રે ગ્યાસ્તો’ ને એક કાર્ય સોંપવામાં આવ્યું હતું. કાર્ય બૌદ્ધ મઠ બનાવવા માટે જગ્યા શોધવાનું હતું. મેરાક લામા સ્થળની શોધમાં નીકળ્યા. તે તિબેટની આસપાસના ઘણા વિસ્તારોમાં મહિનાઓ સુધી ભટકતા રહ્યા પરંતુ તેને કોઈ જગ્યા ગમતી ન હતી. ઘણી તકલીફ પછી એક દિવસ તે એક ગુફામાં પહોંચી ગયા હતા અને એક મોટો પથ્થર સાફ કરીને ધ્યાન કરવા બેઠા હતા. કલાકો સુધી ભગવાનનું ધ્યાન કરતા રહ્યા એ દરમિયાન તેનો ઘોડો ગાયબ થઈ ગયો હતો. ઘણી શોધખોળ કરી, ઘોડો મળ્યો નહીં. પછી કોઈએ કહ્યું કે તેમનો ઘોડો ઘણા માઈલ દૂર સ્થિત ઊંચા પર્વત પર ઘાસ ચરતો જોવા મળ્યો હતો. જ્યારે મેરાક લામા ત્યાં પહોંચ્યા તો તે સ્થળની સુંદરતા જોઈને દંગ રહી ગયા હતા. લામાએ એ જ જગ્યાએ બૌદ્ધ મઠ બનાવવાનું નક્કી કર્યું. આ જગ્યા તેના ઘોડા દ્વારા મળી હોવાથી તેનું નામ તવાંગ રાખવામાં આવ્યું હતું! ‘તા’ એટલે ‘ઘોડો’ અને ‘વાંગ’ એટલે ‘પસંદ’ એટલે કે ઘોડાએ પસંદ કરેલી જગ્યા – તવાંગ.
9 ડિસેમ્બર 2022ના રોજ ચીનના સૈનિકોએ ભારતીય હિસ્સો ગણાતા તવાંગ ક્ષેત્રમાં અતિક્રમણ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય જવાનોએ તેમને મારીને ભગાવ્યા હતા. સવાલ એ થઈ રહ્યો છે કે ચીને શા માટે અતિક્રમણ કરવાનો પ્રયાસ કર્યો હતો? અને એ પણ તવાંગ પર?! જવાબ છે – ચીન આ વિસ્તાર પર કબજો કરવા માગે છે. અલબત્ત, તેની પાછળની કહાની આટલી જ નથી. એક લાંબો ઈતિહાસ ધરબાયેલો છે, જેનાં મૂળ 400 વર્ષ પહેલાં રોપાયાં હતાં.
તવાંગમાં ભારત ચીનની લડાઈમાં ખરેખર ચીનને કાંઈ લાગેવળગે નહીં, આ વાત ભારત અને તિબેટ વચ્ચેની હતી. તવાંગમાં હેમ્લેટ ટેમ્પલ નામનું મંદિર છે. વર્ષ 1643માં છઠ્ઠા દલાઈ લામા, ત્યાંગ ત્સાંગ ગ્યાસ્તોનો જન્મ અહીં થયો હતો. આ મંદિરની નજીક એક વૃક્ષ છે, જેના વિશે એક વાર્તા છે. એવું કહેવાય છે કે જ્યારે ત્સાંગ ત્સાંગ દલાઈ લામાનું પદ સંભાળવા માટે લ્હાસા ગયા ત્યારે તેમણે કહ્યું હતું કે – જ્યારે આ ઝાડની 3 મુખ્ય શાખાઓ સમાન થઈ જશે ત્યારે હું તવાંગ પાછો આવીશ.
સ્થાનિક લામા સાધુઓ કહે છે કે આ શાખાઓ માત્ર એક જ વાર સમાન થઈ હતી અને તે વર્ષ હતું 1959. તે જ વર્ષે ચૌદમા દલાઈ લામા તિબેટ છોડીને આશ્રય મેળવવા ભારત આવ્યા હતા.
ચીને ચૌદમા દલાઈ લામાને ક્યારેય સ્વીકાર્યા નથી પરંતુ દર વર્ષે ત્યાંગ ત્સાંગ ગ્યાસ્તોની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આવું ચીન એટલા માટે કરે છે, જેથી ચીન તવાંગ સાથે પોતાના ઐતિહાસિક સંબંધોની પુષ્ટિ કરી શકે. ઐતિહાસિક રીતે તવાંગ તિબેટના નિયંત્રણ હેઠળ હતું. તિબેટ અહીંથી ટેક્સ વસૂલતું હતું. ત્યાર બાદ 1914માં શિમલા કોન્ફરન્સમાં તિબેટ અને બ્રિટિશ સરકાર વચ્ચે સમજૂતી થઈ હતી, જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે હિમાલયને પ્રાકૃતિક સરહદ ગણીને તેને મેકમોહન લાઇન નામ આપવામાં આવશે. આ કરાર હેઠળ તિબેટે 700 ચોરસ માઈલ વિસ્તાર બ્રિટિશ ભારતને સોંપ્યો હતો. આમાં તવાંગ પણ સામેલ હતું. જો કે, આ કરારને જમીન પર ઉતારવામાં બે દાયકા લાગ્યા હતા! તેનું મુખ્ય કારણ એ હતું કે ચીન તેની સાથે સહમત ન હતું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. 1941માં ચીન અને જાપાન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. એ વખતે આસામ સરકારે નોર્થ ઈસ્ટર્ન ફ્રન્ટિયર એજન્સી એટલે કે NEFAમાં પોતાની પકડ મજબૂત કરવાનું શરૂ કર્યું હતું. તેને ‘ફોરવર્ડ પોલિસી’ નામ આપવામાં આવ્યું હતું. 1944માં આસામ રાઇફલ્સે સેલા પાસના દક્ષિણ ભાગમાં દિરાંગ ઝોંગ ખાતે એક પોસ્ટની સ્થાપના કરી હતી. જો કે, તિબેટે આનો વિરોધ કર્યો પણ યુદ્ધની વચ્ચે કોણ, કોનું સાંભળવાનું હતું? આ સમય દરમિયાન પણ તિબેટીયન તવાંગમાં સ્થિર રહ્યા હતા. આઝાદી પછીના કેટલાક વર્ષો સુધી આ સ્થિતિ યથાવત રહી. ત્યાર બાદ 1950માં ચીને આ ‘રમત’માં પ્રવેશ કર્યો હતો.
1950માં માઓએ તિબેટ પર હુમલો કર્યો અને તેને ચીનનો ભાગ જાહેર કર્યો હતો. મતલબ કે એ પછી તેઓ તવાંગને પોતાનું કહેવા લાગ્યા છે. આ વાતને સમજીને નેહરુએ 1951માં એક પ્રતિનિધિમંડળ તવાંગ મોકલ્યું હતું. મેજર બોબ ખાતિંગનો આ વિવાદમાં અહીંથી પ્રવેશ થયો હતો. હવે જાણીએ મેજર બોબ ખાતિંગ કોણ છે? તેમનું આખું નામ છે રાલેંગનાઓ બોબ ખાતિંગ. ખાતિંગનો જન્મ 1912માં થયો હતો અને તે મણિપુરના તંગખુલ નાગા સમુદાયમાંથી આવતા હતા. ખાતિંગ સેનાનો એક ભાગ બન્યા અને બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો. તેઓ રાજાનું કમિશન મેળવનાર નાગા જાતિના પ્રથમ વ્યક્તિ બન્યા હતા. યુદ્ધ પછી, મણિપુરના મહારાજાએ તેમને સરકારનો ભાગ બનવા વિનંતી કરી હતી. દરમિયાન ખાતિંગને પહાડી વિસ્તારોનો વહીવટ સોંપવામાં આવ્યો હતો. 1948માં તેઓ મણિપુર એસેમ્બલીનો એક ભાગ બન્યા અને 1950 સુધીમાં આસામ રાયફલ્સની બીજી બટાલિયનના કમાન્ડર તરીકે નિયુક્ત થયા હતા.
1950માં આસામમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન ખાતિંગે રાહત કાર્યની જવાબદારી સંભાળી હતી. પછીના વર્ષે તેઓ NEFAના આસિસ્ટન્ટ પોલિટિકલ ઓફિસર તરીકે નિયુક્ત થયા હતા. આ પદ પર હતા ત્યારે તેઓ નેહરુની નજરમાં આવ્યા હતા. જ્યારે 1951માં તવાંગમાં મુશ્કેલી શરૂ થઈ, નેહરુએ તેમને તેમના પ્રતિનિધિ તરીકે ત્યાં મોકલ્યા હતા. મેક્સવેલ નેવિલ તેમના પુસ્તક ‘ઈન્ડિયા ચાઈના વોર’માં લખે છે કે ખાતિંગે તવાંગમાંથી તિબેટીયન કર વસૂલનારાઓને દૂર કર્યા અને ત્યાંનો વહીવટ સંભાળ્યો હતો. તેને ત્યાંના સ્થાનિક લોકોનો પણ ઘણો સહયોગ મળ્યો હતો કારણ કે તે લોકો કોઈ પણ સંજોગોમાં ચીનનો ભાગ બનવા માગતા ન હતા.
એ વખતે ચીનનું ધ્યાન પશ્ચિમી ક્ષેત્ર પર હતું. 1957 સુધીમાં ચીને અક્સાઈ ચાઈના દ્વારા શિનજિયાંગને તિબેટ સાથે જોડ્યું અને પશ્ચિમી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. પછી ચીને NEFA તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. ચીન 1957થી 1959 સુધી મૌન રહ્યું. તેનું એક કારણ એ હતું કે તે તાઈવાનને લઈને ચિંતિત હતું. ચીન એક શક્તિશાળી લશ્કરી શક્તિ હતું. એટલા માટે નેહરુ સતત શાંતિ પર ભાર આપતા હતા. ચીને 1959માં લ્હાસા પર હુમલો કર્યો ત્યારે ત્યાંથી ભાગેલા દલાઈ લામાનું ભારતમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પગલું ચીન સાથે દુશ્મની લેવા સમાન હતું પરંતુ નેહરુ અમુક અંશે આદર્શવાદી હોવાથી આંતરરાષ્ટ્રીય ન્યાયના સિદ્ધાંતને અપનાવવાના પક્ષમાં હતા.
આ પછી પણ ચીન 3 વર્ષ સુધી શાંત રહ્યું હતું. કેટલીક અથડામણો થઈ પરંતુ તે જ સમયે બંને દેશો વચ્ચે પત્રોની આપ-લે થઈ જતી હતી. ઝુ ઇનલાઈ 1960માં ભારત આવ્યા હતા. અહીં તેમણે ઓફર કરી હતી કે જો ભારત અક્સાઈ ચીન પર ચીનની સત્તા સ્વીકારે તો ચીન NEFA પરના અધિકારો છોડી દેશે પરંતુ નેહરુ સાથે અન્ય સમસ્યાઓ પણ હતી. આ મામલે તેમના જ મંત્રીઓ તેમની સાથે ન હતા. તેથી જ્યારે ઇનલાઈ આવ્યા ત્યારે નેહરુએ મોરારજી દેસાઈને મળવાનું કહ્યું હતું. ઇનલાઈ અને મોરારજીની મુલાકાત આગ સાથે આગની લડાઈ સાબિત થઈ હતી.
મોરારજી દેસાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો ચીન પોતાની સેના પાછી ખેંચે તો જ કોઈ મુદ્દો ઊભો થશે. સામે ઇનલાઇએ કહ્યું, તમે તમારા દેશમાં દલાઈ લામાને આશ્રય આપ્યો છે. અહીં માઓનાં પૂતળાં બાળવામાં આવી રહ્યાં છે. તમે ચીન વિરુદ્ધ કામ કરી રહ્યા છો. દેસાઈએ સામે એવો જવાબ આપ્યો કે, થોડા દિવસો પહેલાં જ મારું પૂતળું બાળવામાં આવ્યું હતું. આ દેશના લોકો ગાંધીના પૂતળા બાળી શકે છે. અલબત્ત, વાતચીત કોઈ પણ પરિણામ વિના સમાપ્ત થઈ હતી. ઇનલાઈ નેહરુથી નારાજ હતા કે તેઓ શા માટે તેમના બીજા ક્રમના નેતાઓને તેમને મળવા લાવે છે. બીજી તરફ નેહરુની મજબૂરી એ હતી કે તેઓ ઇનલાઈને બતાવવા માગતાં હતા કે કોઈ પણ સમજૂતી પર તેમને તેમની જ સરકાર તરફથી કેટલા વિરોધનો સામનો કરવો પડશે. ચીન-ભારત સંબંધોમાં આ વાતચીતને ‘પોઈન્ટ ઓફ નો રિટર્ન’ કહેવામાં આવે છે.
1962નું વર્ષ આંતરરાષ્ટ્રીય કટોકટીનું વર્ષ હતું. એક પોસ્ટ યુદ્ધનો ટ્રિગર પોઈન્ટ બની ગઈ. જૂન 1962માં આસામ રાઈફલ્સે થાગલા રિજ પર ધો લા-પાસ પોસ્ટ તૈયાર કરી. આ ચોકી નામકુ ચુ નામની નદીના દક્ષિણ કાંઠે બનાવવામાં આવી હતી. 1 શીખના કેપ્ટન મહાવીર પ્રસાદ તેની કમાન્ડ કરી રહ્યા હતા. આ સમયે તવાંગમાં મુખ્ય મથક 7 ઇન્ફન્ટ્રી બ્રિગેડ અને 1/9 ગોરખા રાઇફલ્સની બે બટાલિયન અને 1 શીખ હાજર હતા. તવાંગથી આગળ કોઈ રસ્તો નહોતો. તેથી જ સામાન પીઠ પર લાદીને અહીં લાવવામાં આવ્યો હતો. જો કે, તવાંગ અને ધો લા-પાસ વચ્ચેનું અંતર માત્ર 22 Km. હતું, પરંતુ મુશ્કેલ રસ્તાઓમાંથી અહીં પહોંચવામાં 3 દિવસનો સમય લાગતો હતો.
બ્રિગેડિયર જે પી દળવીએ તેમના પુસ્તક હિમાલયન બ્લન્ડરમાં આની વિગતો આપી છે. ધો લા-પાસ પોસ્ટનો એકમાત્ર હેતુ તવાંગને બચાવવાનો હતો. 8 સપ્ટેમ્બરે લગભગ 600 ચીની સૈનિકોએ ધો લા પાસને ઘેરી લીધો હતો. અને આગામી દિવસોમાં તેમની સંખ્યા વધીને 1200ની આસપાસ થઈ ગઈ હતી. ધો લા પાસને સમર્થન આપતી 7 પાયદળ બ્રિગેડને પાછી ખેંચી લેવાનું કહેવામાં આવ્યું અને 9 પંજાબને હથુંગલા પાસ દ્વારા ધો લા પાસ સાથે સંપર્ક સ્થાપિત કરવા કહેવામાં આવ્યું હતું. વસ્તુઓ સ્થિર હતી, પરંતુ અહીં ભારતથી મોટી ભૂલ થઈ હતી!
5 ઓક્ટોબરના રોજ લેફ્ટનન્ટ જનરલ બી એમ કૌલ હેલિકોપ્ટર દ્વારા આવ્યા હતા અને તેણે ચીની સૈનિકોને થાગલા રિજમાંથી બહાર કાઢવાનો આદેશ આપ્યો હતો. તે જ સમયે, તેણે સૈનિકોને નામકુ ચા નદીના મુખ સુધી જવાનો આદેશ આપ્યો, જ્યારે બ્રિગેડ કમાન્ડર હજી ત્યાં હાજર નહોતા. તેણે 7મી સુધીમાં પહોંચવાનું હતું. બ્રિગેડિયર દલવી લખે છે કે 10મી ઓક્ટોબરે થયેલા યુદ્ધમાં 9 પંજાબના 6 અધિકારીઓએ વીરગતિ પ્રાપ્ત કરી હતી. તે જ સમયે ચીનના 11 સૈનિકો પણ શહીદ થયા હતા. જો કે, તે દિવસે લડાઈ બાદ ચીને ભારતીય ઘાયલ સૈનિકોને પીછેહઠ કરવાનો મોકો આપ્યો હતો. દલવીએ લખ્યું, તેઓએ ભારતીય સૈનિકોના અગ્નિસંસ્કાર કર્યા હતા.
વાસ્તવિક લડાઈ 20 ઓક્ટોબરે શરૂ થઈ અને 23 સુધીમાં ચીન તવાંગ પહોંચી ગયું હતું. આ દરમિયાન સૈનિકો પોતપોતાના સ્થાને ઊભા રહ્યા, પરંતુ લશ્કરી નેતૃત્વ કે સરકારે તેમને કોઈ સ્પષ્ટ આયોજન કહ્યું નહીં. 23ની રાત્રે ચીને તવાંગને ચારે બાજુથી ઘેરી લીધું અને 24ની સવારે તેના પર કબજો કરી લીધો હતો. એ વખતે તવાંગને બચાવવા માટે લગભગ 800 સૈનિકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું.
અલબત્ત, અત્યારે આપણે એવું કહી શકીએ કે અમે અમારી જમીનનો ટુકડો નહીં આપીએ, જે યોગ્ય પણ છે પરંતુ નિરપેક્ષ રીતે જોઈએ તો ચીન આજે ભારત કરતાં વધુ શક્તિશાળી છે. બંને પરમાણુ શક્તિ ધરાવતા દેશો છે. આવામાં યુદ્ધની શક્યતા નહિવત છે અને તેથી જ આ બાબતે ધ્યાનપૂર્વક વિચારણા કર્યા બાદ ભારત સરકાર વતી નિવેદન આપવામાં આવે છે. આવી સ્થિતિમાં ઇતિહાસનું ખૂબ મહત્ત્વ હોય છે કારણ કે તમે ઇતિહાસના ખભા પર બધું મૂકી શકો છો અને આપણને તેના વિશે કોઈ ફરિયાદ પણ નથી કારણ કે ઇતિહાસના ખભા ભારત તરફ ખૂબ મજબૂત છે.