દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે? રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પછી દેશના 15મા રાષ્ટ્રપતિ મુસ્લિમ, મહિલા કે આદિવાસી હશે? કેન્દ્રીય ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું કેલેન્ડર જાહેર કરી દીધું છે. ભારતના 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈના રોજ મતદાન થશે. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજકારણની સાથે ગણિત ખૂબ જ મહત્ત્વનું હોય છે. મત એ માત્ર મત નથી, તેનું મૂલ્ય પણ છે. આજે આપણે જાણવાની કોશિશ કરીએ કે ભારતમાં રાષ્ટ્રપતિ કેવી રીતે ચૂંટાય છે, જેથી આગામી દિવસોમાં રાષ્ટ્રપતિની ચૂંટણીને તમે સમજી શકો. તમને એ સમજાય કે, શું થઈ રહ્યું છે, શા માટે થઈ રહ્યું છે અને તેની પાછળ કયું ગણિત કામ કરી રહ્યું છે? અંકગણિત કે નેતાનગરીનું ગણિત.
આગામી દિવસોમાં ચાની દુકાનથી લઈને વોટ્સએપ સુધી એક જ વાત ચર્ચાના કેન્દ્રસ્થાને હશે કે આગામી રાષ્ટ્રપતિ કોણ હશે? ભારતમાં તમામ કામ બંધારણ હેઠળ થાય છે. બંધારણની કલમ 62 કહે છે કે એક રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થવી જોઈએ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ, 2022ના રોજ પૂરો થતો હોવાથી આ તારીખ પહેલાં ચૂંટણી યોજવામાં આવી રહી છે. ચૂંટણીપંચે કરેલી જાહેરાત મુજબ, રાષ્ટ્રપતિની ચૂંટણીની સત્તાવાર સૂચના 15મી જૂને બહાર પડશે. આ દિવસથી ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરી શકાશે. 29 જૂન ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ હશે. 30મી જૂને નામાંકનની ચકાસણી થશે. 2 જુલાઈ સુધી નામાંકન પરત ખેંચી શકાશે. 18મી જુલાઈએ મતદાન થશે અને મતગણતરી 21 જુલાઈના રોજ થશે.
તમે અવારનવાર સાંભળ્યું હશે કે ભારત અને અન્ય ઘણી સંસદીય લોકશાહીઓમાં રાષ્ટ્રપતિનું પદ ઔપચારિક હોય છે. તેઓ રાજ્યના વડા છે, સરકારના નાના-મોટા કામો તેમના આદેશથી થાય છે પરંતુ તેમની પાસે વાસ્તવિક સત્તા નથી. તેઓ ફક્ત ચૂંટાયેલી સરકારની ભલામણને અનુસરે છે. ભારતમાં અમુક સંજોગો સિવાય, રાષ્ટ્રપતિ તેમના મત અથવા સત્તાનો ઉપયોગ કરતા નથી. અહીં બે મોટા ઉદાહરણો ટાંકીએ – દેશની સામાન્ય ચૂંટણીઓમાં જો કોઈ પક્ષ કે ગઠબંધનને સંપૂર્ણ બહુમતી ન મળે તો રાષ્ટ્રપતિની ભૂમિકા મહત્ત્વની બની જાય છે કે – તે કોને અને ક્યારે સરકાર બનાવવાનું આમંત્રણ આપે છે, એ સત્તા તેમની પાસે છે. બીજું, જો કોઈ કાયદો તેમની પાસે સહી માટે પહોંચે તો તેઓ તેને પેન્ડિંગ રાખી શકે છે, પરત પણ મોકલી શકે છે. બાય ધ વે, અહીં પણ જો બીજી વખત કાયદો રાષ્ટ્રપતિને મોકલવામાં આવે તો તેમણે તેના પર સહી કરવી પડે છે. રાષ્ટ્રપતિની આ મર્યાદિત સત્તાઓ પાછળનું કારણ એ છે કે તેઓ સીધા લોકો દ્વારા ચૂંટાયેલા નથી.
હવે તમે પૂછી શકો છો કે ભારત એક એવો દેશ છે જે દરેક ચૂંટણીનો આનંદ માણે છે, તો પછી રાષ્ટ્રપતિ માટે પણ ખુલ્લી ચૂંટણી કરાવવામાં આવે તો શું ફરક પડશે? તો જવાબ એ છે કે બંધારણ ઘડનારાઓએ ભારતને સંસદીય લોકશાહી બનાવ્યું છે. તે મુજબ સત્તાઓનું વિભાજન કરવામાં આવ્યું છે. આવી વ્યવસ્થામાં જો કોઈ વ્યક્તિ રાજ્યના વડાના પદ માટે જનતા દ્વારા સીધી ચૂંટાય તો તે વ્યક્તિ કહી શકે છે કે લોકો દ્વારા સૌથી વધુ પસંદ કરાયેલ હું એકમાત્ર વ્યક્તિ છું. તેથી જ હું તમામ તંત્રથી ઉપર છું. હું મારી જાતમાં સરકાર છું.
તેનું ઉદાહરણ પણ છે. 1851માં લુઈસ નેપોલિયને આવું જ કર્યું હતું. તે નેપોલિયન બોનાપાર્ટનો ભત્રીજો હતો અને જનતા દ્વારા સીધા મત દ્વારા તેમને ફ્રાન્સના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. તેમણે 1851ના ડિસેમ્બરમાં જાહેરાત કરી કે લોકો દ્વારા તેમને રાજ્યના વડા બનાવવામાં આવ્યા છે, તેથી જ તેઓ ફ્રાન્સની સંસદ ભંગ કરે છે. બીજા વર્ષે તેણે પોતાને ફ્રાન્સના રાજા જાહેર કરી દીધો અને ફ્રેન્ચ રિપબ્લિકનો અંત આવી ગયો હતો. ભારત પણ એક પ્રજાસત્તાક છે. તેથી જ અહીં પણ કોઈ એક વ્યક્તિને સર્વશક્તિમાન બનવાની છૂટ નથી. તેથી રાષ્ટ્રપતિ સીધા લોકો દ્વારા ચૂંટાતા નથી. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ રાષ્ટ્રપતિ માટે લોકોની પસંદગીની નોંધણી કરાવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારતમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે પરંતુ બધા નહીં. ફક્ત તે પ્રતિનિધિઓ જ આ કરી શકે છે, જે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નિર્ધારિત ઇલેક્ટોરલ કૉલેજના સભ્યો હોય. સાંસદો અને ધારાસભ્યો ઈલેક્ટોરલ કોલેજમાં આવે છે. સંસદ અને વિધાનસભાના નોમિનેટેડ સભ્યોને ઇલેક્ટોરલ કૉલેજમાં સામેલ કરવામાં આવતા નથી, કારણ કે તેઓ સીધા જનતા દ્વારા ચૂંટાતા નથી. સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા તેમને ગૃહના સભ્ય બનાવવામાં આવે છે. આ સાથે MLC અથવા વિધાન પરિષદના સભ્યો પણ ઇલેક્ટોરલ કૉલેજના સભ્ય નથી. કારણ ફરીથી એ જ છે – તેઓ સીધા જનતા દ્વારા ચૂંટાયેલા નથી.
આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થઈ શકે છે કે જો MLC જનતા દ્વારા ચૂંટાય નહીં તો રાજ્યસભાના સાંસદો પણ જનતા દ્વારા ચૂંટાતા નથી. તો પછી તેને ઈલેક્ટોરલ કોલેજના સભ્ય કેવી રીતે ગણવામાં આવે છે? ભારતની કાયદાકીય વ્યવસ્થામાં એવું માનવામાં આવે છે કે રાજ્યસભાના સાંસદો કેન્દ્રમાં રાજ્યોના પ્રતિનિધિઓ છે. આથી તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે. તેઓ ધારાસભાઓ દ્વારા ચૂંટાયા હોવા જોઈએ, નોમિનેટેડ નહીં.
ભારતમાં વસ્તીની ગીચતા પ્રદેશ પ્રમાણે બદલાય છે. ઉદાહરણ તરીકે, ગોવામાં સામાન્ય રીતે એક વિધાનસભા ક્ષેત્રમાં 22 થી 25 હજાર મતદારો હોય છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં એક વિધાનસભા મતવિસ્તારમાં 3 કે 4 લાખથી વધુ મતદારો ખૂબ જ સામાન્ય બાબત છે. તેથી જ ઈલેક્ટોરલ કોલેજમાં અલગ-અલગ રાજ્યોના સાંસદો અને ધારાસભ્યોના વોટનું મૂલ્ય અલગ-અલગ હોય છે. દેશના દરેક નાગરિકની પસંદગી સમાન રીતે નોંધવામાં આવે છે. રાજ્યની વસ્તીને સાંસદો અને ધારાસભ્યોના મતના મૂલ્યનો આધાર બનાવવામાં આવે છે. હાલમાં 1971ની વસ્તી ગણતરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સિસ્ટમ 2026 સુધી ચાલુ રહેશે.
રાજ્યની વસ્તીને ધારાસભ્યોની સંખ્યાથી વિભાજિત કરવી પડશે. ત્યાં સુધી મળેલી સંખ્યાને 1000 વડે ભાગવાની રહેશે. ઉદાહરણ તરીકે, 1971માં ઉત્તર પ્રદેશની વસ્તી 8 કરોડ, 38 લાખ, 49 હજાર 905 હતી. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 403 છે. તેથી ફોર્મ્યુલા મુજબ, ઉત્તર પ્રદેશના એક ધારાસભ્યના મતનું મૂલ્ય 208 હશે. હવે દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 208 છે, તો તેના હિસાબે ઉત્તર પ્રદેશમાંથી કુલ 83 હજાર 824 મતો પડશે. સૌથી વધુ મત UPના ધારાસભ્યનો છે. સિક્કિમના ધારાસભ્યનું મૂલ્ય સૌથી ઓછું છે – માત્ર 7.
આ માટે તમામ રાજ્યોના ધારાસભ્યોના મતના કુલ મૂલ્યને લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સાંસદોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે. 1997થી આ સંખ્યા 708 હતી પરંતુ આ વખતે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા નથી તેથી એક સાંસદના મતનું મૂલ્ય 700 હશે પરંતુ આનો અર્થ એ નથી કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીર અથવા લદ્દાખનો અભિપ્રાય નોંધવામાં આવશે નહીં. અહીંથી આવેલા સાંસદો આજે પણ સંસદમાં છે અને તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ મતદાન કરશે.
એક વાત જાણી લો. આ ખુલ્લી ચૂંટણી નથી પરંતુ આમાં સંસદ કે વિધાનસભાની જેમ પક્ષો પોતાની સ્વતંત્ર ઇચ્છા ચલાવવા માટે વ્હીપ જારી કરી શકતા નથી. મતલબ કે, ધારાસભ્યો કે સાંસદોને પાર્ટી પોતાની રીતે મતદાન કરવા દબાણ કરી શકતી નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાર મતદાન કરતી વખતે પસંદગી કરી શકે છે. મતલબ કે, મતદાર પોતાનો મત નાખતી વખતે ઉમેદવારની આગળ 1 અથવા 2 લખે છે. જ્યારે મતોની ગણતરી કરવામાં આવે છે, ત્યારે પ્રથમ પસંદગીના મતો પ્રથમ ગણવામાં આવે છે. જો આ કુલ મતોના 50 ટકાથી વધુ ન હોય, તો બીજી પસંદગીના મતોની ગણતરી કરવામાં આવે છે. જેમાં સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર જીતે છે. 1969માં વી. વી ગિરીની ચૂંટણીમાં નિર્ણય બીજા પસંદગીના મતની ગણતરી બાદ આવ્યો હતો.
હવે તમે સમજી ગયા હશો કે ચૂંટણી કેવી રીતે યોજાય છે. હવે એ સમજીએ કે આ ચૂંટણીમાં ઉમેદવાર કોને બનાવવામાં આવે છે? ભારતના બંધારણની કલમ 58 જણાવે છે કે કોઈ પણ ભારતીય નાગરિક જેની ઉંમર 35 વર્ષથી ઓછી ન હોય તે રાષ્ટ્રપતિ બની શકે છે. જો કે, તે ચૂંટણી માટે લાયક હોવો જોઈએ. આ પાત્રતા એ જ છે, જે લોકસભાની ચૂંટણી માટે છે. ઉદાહરણ તરીકે, કોઈ પણ કેસમાં દોષિત ન ઠરાવવામાં આવે વગેરે.
શરૂઆતમાં કહ્યું હતું તેમ રાષ્ટ્રપતિ પદ ઔપચારિક છે પરંતુ રાજકીય વજન માટે આ પદનું મહત્ત્વ ઘણું છે. તેથી જ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર કયો પક્ષ કે ગઠબંધન પોતાના ઉમેદવારને બેસાડી શકે છે તેના પર સૌની નજર રહે છે. આજે કેન્દ્ર અને મોટાભાગનાં રાજ્યોમાં ભાજપનું શાસન છે. સ્વાભાવિક છે કે પાર્ટી પોતાની પસંદગીના ઉમેદવારને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતાડવા ઈચ્છશે. તો બીજી બાજુ વિપક્ષી એકતાનો સિદ્ધાંત છે. જે દરેક ચૂંટણી પહેલાં માથું ઊંચું કરે છે. આ ગણિતને સમજીએ.
2017માં જ્યારે BJPએ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેટ કર્યા ત્યારે પાર્ટી કેન્દ્રની સાથે NDAના રૂપમાં 21 રાજ્યોમાં શાસન કરી રહી હતી. આ રાજ્યોની વસ્તી ભારતની કુલ વસ્તીના 70% જેટલી હતી. તેથી જ કોવિંદને 65.65 % અને વિપક્ષના ઉમેદવાર મીરાં કુમારને 34.35 % મત મળ્યા હતા. 2022માં લોકસભા અને રાજ્યસભામાં BJPના સાંસદો વધ્યા છે, પરંતુ રાજ્યોમાં પાર્ટી મર્યાદિત છે. હવે NDA માત્ર 17 રાજ્યોમાં સરકાર ચલાવી રહ્યું છે, જેની વસ્તી દેશની વસ્તીના 49.6 % જેટલી છે. ભાજપ ગઠબંધન હવે મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડ જેવા રાજ્યોમાં સત્તાથી બહાર છે. તેલુગુ દેશમ પાર્ટી, શિવસેના અને અકાલી દળ જેવી પાર્ટીઓએ પણ પોતાને BJPથી દૂર કર્યા છે. જો કે, અહીં એ પણ નોંધવું જોઈએ કે જો 2017 અને 2022ની વચ્ચે BJP રાજ્યોમાં થોડી નબળી પડી છે તો કેન્દ્રના બંને ગૃહોમાં પણ તે મજબૂત થઈ છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીના જટિલ ગણિતને ધ્યાનમાં રાખીને એપ્રિલ 2022માં સ્થિતિ કંઈક એવી છે કે – સંસદ અને રાજ્યોમાં BJP પાસે કુલ વોટના 48.9 % છે અને તમામ વિરોધ પક્ષોના મળીને 51. % વોટ છે. આ ગણિતમાં થોડો ફેરફાર 10 જૂને થશે, જ્યારે રાજ્યસભાના સાંસદો 57 બેઠકો પર ચૂંટાશે. રાજ્યસભાની ચૂંટણીના પરિણામો પછી પણ BJP માત્ર સૌથી શક્તિશાળી પક્ષ જ નહીં રહે પરંતુ એ પણ નિશ્ચિત છે કે તેની તાકાત ઈલેક્ટોરલ કૉલેજ માટે માન્ય 50 % મતોની આસપાસ રહેશે. વિપક્ષ પાસે 50 %થી વધુ મત હશે, પરંતુ તેઓ એક છત્ર હેઠળ ભેગા થઈ શકશે કે કેમ તે પ્રશ્નાર્થ ચિહ્ન છે.
કાગળ પર વિરોધ પક્ષ એક થાય તો ચૂંટણી જીતવા માટે જરૂરી આંકડાઓ ધરાવે છે પરંતુ એવાં ઘણાં ઉદાહરણો છે જ્યારે YSRCP, BJD અથવા TRS જેવા પક્ષોએ સંસદમાં BJPને ટેકો આપ્યો હોય. TRSએ ભૂતકાળમાં સતત BJP અને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી સુધી પાર્ટી આ સ્ટેન્ડ જાળવી રાખે છે કે કેમ તે જોવાનું રહેશે. જો આ 3-4 પક્ષોને છોડી દેવામાં આવે તો કોંગ્રેસ અને તૃણમૂલ જેવા પક્ષો જ સાથે રહેશે, જેઓ BJPના ગઠબંધન સાથે સહમત નહીં થાય, પરંતુ આ પાર્ટીઓના એકત્રીકરણમાં કોણ મુખ્ય ભૂમિકા ભજવશે તે હજુ સુધી કોઈ જાણતું નથી.
દેશના રાજકારણમાં મૂળભૂત પરિવર્તનનો આ સમય છે. BJP 2024ને લઈને કેટલી ગંભીર છે, તે કોઈનાથી છુપાયેલ નથી અને આ તૈયારીઓમાં એવા રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે, જેમની સાથે સરકારને કામ કરવું સરળ હોય કારણ કે રાષ્ટ્રપતિ ચૂંટાયેલી સરકારનું કામ રોકી શકતા નથી પરંતુ ફાઈલો પરત કરીને, પ્રશ્નો પૂછીને સરકાર માટે અગવડતા ઊભી કરી શકે છે. જો એવું માની લેવામાં આવે કે BJP પોતાનું ચોક્કસ ગણિત મજબૂત કરશે તો 2022ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર ઊભા રાખતી વખતે પાર્ટી શું મેસેજ દેશને આપવા માંગે છે તેના પર બધાનું ધ્યાન જશે. રાષ્ટ્રપતિના ઉમેદવાર કોણ હશે? આદિવાસી, OBC, મુસ્લિમ અને મહિલા? વિપક્ષની વાત કરીએ તો 2024 પહેલાં તેની પાસે છેલ્લી તક છે, સાબિત કરવાની કે BJPનો રાજકીય વિકલ્પ થિયરીની સાથે વ્યવહારમાં પણ જોવા મળી શકે છે.