ગાંધીનગર: હમણાં જ આપણી વચ્ચેથી કેન્દ્રિય ગૃહ મંત્રી ગયા..આપણે બધાં જ તેમને ઓળખીએ છીયે, ચાણકય તરીકે…તેઓ છે પણ ચાણકય … કોને આગળ લઈ જઈ જવા અને કોને…એ તેમને આવડે છે. આ બધુ તેમને … આપણને ના ફાવે .. જરૂર પડયે અમિત ભાઈ નરેન્દ્રભાઈને પણ કહી દેતા…. અમદાવાદ ખાતે રવિવારે યોજાયેલા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલના જીવનચરિત્ર ‘ચુનૌતિયાં મુઝે પસંદ હૈ’ના ગુજરાતી અનુવાદનો વિમોચન સમારંભમાં આનંદીબેન પટેલે ઉક્ત વાક્યો કહ્યા હતા. સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, સીએ ભૂપેન્દ્ર પટેલ અને ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ પ્રસંગે આનંદીબહેન પટેલની સંઘર્ષશક્તિ અને નેતૃત્વને બિરદાવતા જણાવ્યું હતું કે આનંદીબહેન પટેલનું જીવન સંઘર્ષશક્તિના બળ પર આગળ વધવાની એક પ્રેરણાદાયી ગાથા છે. આ પુસ્તકમાં તેમની જીવનયાત્રાના પ્રેરણાબિંદુઓનું સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આનંદીબહેને જાહેર જીવનમાં તેમના સંઘર્ષ અને મજબૂત નેતૃત્વ થકી સંગઠન નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આનંદીબહેનનું આ પુસ્તક અનેક વાચકોના જીવનમાં પ્રેરણા આપવાનું કામ કરશે. પોઝિશન માટે નહિ પરંતુ પર્પઝ માટે કામ કરનારા નેતાઓમાંના એક આનંદીબહેન છે. તેઓ જનહિત માટે એકસૂત્ર સાથે કામ કરતાં રહ્યાં છે. આનંદીબહેને ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના મુખ્યમંત્રી, સંસદ સભ્ય અને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી છે. નિમ્ન અને મધ્યમ વર્ગના સામાન્ય પરિવારમાંથી આવતા આનંદીબહેન પટેલ લોકો માટે સતત સંઘર્ષ કરીને આગળ વધ્યાં છે. શિક્ષકથી લઈને સર્વોચ્ચ પદ સુધીની તેમની યાત્રા ભારતીય નારીશક્તિની દૃઢતાનું ઉદાહરણ પૂરું પાડે છે.