Columns

અદાણી સામે ટકરાયેલો આ માણસ કોણ છે?

મેરિકન ફાઇનેન્સિયલ રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણી જૂથ અંગે ઘણા ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સામે આ રિપોર્ટને પાયાવિહોણા ગણાવતા અદાણી ગ્રૂપે કેટલાક સવાલોના જવાબ પણ આપ્યા છે, પરંતુ તેમ છતાં રોકાણકારોમાં ગભરાટનું વાતાવરણ છે. 24 જાન્યુઆરીના રોજ જાહેર થયેલા આ રિપોર્ટ પછી ભારતના કોર્પોરેટ જગતમાં ભૂકંપ સર્જાયો છે! આ તારીખ મહત્વની છે કારણ કે તેના બે દિવસ પછી એટલે કે 27 જાન્યુઆરીએ ગૌતમ અદાણીની કંપની શેરબજારમાં સેકન્ડરી શેર ઇસ્યૂ લાવવાની હતી.

આ કોઈ નાનો ઇસ્યૂ નોહતો, પરંતુ રૂ. 20,000 કરોડનો સૌથી મોટો FPO છે. રિસર્ચ ફર્મે રિપોર્ટમાં અદાણી ગ્રૂપને 88 પ્રશ્નો પૂછ્યા છે. આમાં ઘણા પ્રશ્નો ખૂબ ગંભીર છે અને સીધા અદાણી ગ્રૂપના કોર્પોરેટ ગવર્નન્સને નિશાન બનાવે છે. સૌથી મહત્વનું એ છે કે, આ 88 પ્રશ્નોના જવાબમાં હિંડનબર્ગને પણ બે મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછવા પડે. પહેલો શું પોતાને ‘એક્ટિવિસ્ટ શોર્ટ સેલિંગ’ ગણાવતી કંપની અબજો રૂપિયાનો નફો કરવા માટે તો આ રિપોર્ટ અત્યારે નથી લાવી? બીજો સવાલ 27 જાન્યુઆરીના રોજ અદાણી એન્ટરપ્રાઈઝના રૂ. 20,000 કરોડનો FPO આવી રહ્યો હતો તે પહેલા શું રિસેર્ચ ફર્મે અરબો રૂપિયા કમાઈ લેવા ઈરાદાપૂર્વક આ રિપોર્ટ જાહેર કર્યો નથી ને?

જે કંઈ હોય અમેરિકાની આ ફાઇનેન્સિયલ રિસેર્ચ ફર્મ હિંડનબર્ગનો રેકર્ડ એકવાર તપાસવો પડે! કારણ કે આ ફર્મ આ પહેલાં 16 કંપનીઓને આ રીતે ડૂબાડી ચૂકી છે! અમેરિકાની એક ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીને હચમચાવી દીધા છે. આ રિસર્ચ ફર્મે એક રિપોર્ટ જાહેર કરીને અદાણી જૂથ પર ગંભીર આરોપો લગાવ્યા છે. કંપનીએ તેના રિસેર્ચ રિપોર્ટમાં દાવો કર્યો છે કે અદાણી જૂથની કંપનીઓ દેવામાં ડૂબેલી છે. એવો આરોપ પણ કર્યો છે કે અદાણી જૂથ દાયકાઓથી સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડમાં સામેલ છે. આ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રૂપના શેરની કિંમતોમાં કડાકો બોલ્યો છે અને હજુ પણ ચાલુ જ છે!

આપણને એવો સવાલ થાય કે, આ કંપની શું છે? એવો કેવો રિપોર્ટ જાહેર કર્યો છે કે ભારતના અને વિશ્વના મજબૂત ઉદ્યોગપતિમાં જેની ગણના થાય છે એવા અદાણી ગ્રૂપે આટલી મોટી ઊથલપાથલનો સામનો કરવો પડી રહ્યો છે. આજે આપણે આ ખુરફાતી કંપની અને તેના સ્થાપક વિશે જાણીશું. સાથે અદાણી ગ્રૂપ પર અનેક ઘટસ્ફોટ કરવાની હિંમત કરનારી આ રિસર્ચ ફર્મનો ઈતિહાસ અને ભૂગોળ શું છે, તે પણ જાણવાની કોશિશ કરશું એટલું જ નહીં, આ ફર્મ શું કામ કરે છે? તેને કોણ હેન્ડલ કરે છે? અલબત્ત, આ ફર્મનો રેકોર્ડ ડરાવનારો છે! કારણ કે આ રિસર્ચ ફર્મ આ રીતે જ અત્યાર સુધીમાં અનેક કંપનીઓની કાચી યાદી સામે લાવી ચૂકી છે!

હિંડનબર્ગ રિસર્ચ કંપની ફોરેન્સિક નાણાકીય સંશોધનમાં નિષ્ણાત હોવાનો દાવો કરે છે. કંપનીની વેબસાઇટ અનુસાર, આ કંપની શેર, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝનું વિશ્લેષણ કરે છે. કંપનીએ પોતાની વેબસાઈટ પર લખ્યું છે કે તે માનવસર્જિત ગોટાળા એટલે કે કંપનીના ચોપડામાં રહેલી ગરબડ, કંપનીઓની અંદર ચાલી રહેલા ગેરવહીવટ અને કંપનીના વ્યવહારોને ઉજાગર કરે છે, જે ઘણી વખત અમુક કંપનીઓ દ્વારા છુપાવવામાં આવે છે.

આ સિવાય આ કંપની પોતાનું રોકાણ પણ કરે છે! એટલે કે, બંને હાથે કામ કરે છે, કંપનીઓનો હિસાબ-કિતાબ પણ કરે છે અને પોતે કંપનીઓમાં નાણાં પણ રોકે છે! હવે સમજ્યા કે નહીં!? હિંડનબર્ગ રિસર્ચ કંપની પ્રોફાઇલ મુજબ, કંપની પોતે એક્ટિવિસ્ટ શોર્ટ સેલર છે. શોર્ટ સેલરને સમજવા માટે પહેલા સમજી લો કે શોર્ટ સેલિંગ શું છે. નીચા ભાવે શેર ખરીદવો અને જ્યારે તે વધે ત્યારે વેચવું એ સામાન્ય રીતે શેરબજારમાં નફો મેળવવા માટે હિટ ફોર્મ્યુલા માનવામાં આવે છે. બિઝનેસ વર્લ્ડમાં તેને લોંગ પોઝિશન કહેવામાં આવે છે. આ પદ્ધતિ રોકાણકારો દ્વારા સામાન્ય રીતે ત્યારે અપનાવવામાં આવે છે, જ્યારે બજારમાં તેજીની શક્યતા હોય છે.

પરંતુ, તેનાથી વિપરિત, જ્યારે બજારમાં મંદીની સંભાવના હોય અને કંપનીના શેરના ભાવમાં ઘટાડો થવાનો અંદાજ હોય, ત્યારે શોર્ટ પોઝિશનની પદ્ધતિ અપનાવવામાં આવે છે. મતલબ કે, રોકાણકારને અંદાજ હોય કે ભવિષ્યમાં શેરના ભાવ ઘટશે અને તેનાંથી ફાયદો થશે. એક્ટિવિસ્ટ શોર્ટ સેલર્સ રોકાણકારોને સમજાવતા રહે છે કે કંપની ઓવેર વેલ્યુડ છે, મતલબ કે ઋણમાં ડૂબી છે. આ શોર્ટ સેલર્સ જે કંપની પર ફોકસ કરે છે તેના વિશેના આવા સમાચારો આવે છે અને પછી ઘણી વખત જેનાં વિશે આવો અંદાજ માંડવામાં આવે છે એ કંપનીનો સ્ટોક ધબાય નમઃ થાય છે અને શોર્ટ સેલર પૈસા કમાઈ લે છે.

હિંડનબર્ગ રિસર્ચ કંપનીના ‘નાથ’ છે નાથન એન્ડરસન. તેઓ આ રિસર્ચ ફર્મના સ્થાપક છે. કનેક્ટિકટ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ એન્ડરસને પોતાની કારકિર્દીની શરૂઆત ફેક્ટસેટ રિસર્ચ નામની ડેટા કંપની સાથે કરી હતી. અહીં તેમનું કામ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ સાથે સંબંધિત હતું. ત્યારબાદ તેણે વર્ષ 2017માં તેની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ શરૂ કરી હતી. તમને કદાચ નવાઈ લાગશે, પણ હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક આ નાથન એન્ડરસન અગાઉ ઇઝરાયેલમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવર રહી ચૂક્યા છે! એન્ડરસન હેરી માર્કપોલોસને પોતાનો આદર્શ માને છે. હેરી માર્કપોલોસ એક એનલિસ્ટ છે અને બર્ની મેડોફ કી ફ્રોડ સ્કીમનો પર્દાફાશ કરવા માટે જાણીતા છે. કંપનીના સ્થાપકના જણાવ્યા અનુસાર, હિંડનબર્ગ નામ એક હાદસા પરથી લેવામાં આવ્યું છે. કંપનીનું નામ 6 મે, 1937ના રોજ ન્યૂજર્સીના માન્ચેસ્ટર ટાઉનશીપમાં થયેલા હિંડનબર્ગ એરશીપ અકસ્માતના નામ પરથી રાખવામાં આવ્યું છે.

અદાણીને હચમચાવનારી આ કંપની અને તેના સ્થાપક વિશે આટલું જાણી લીધા પછી હવે મુખ્ય મુદ્દા પર આવીએ. અદાણી ગ્રૂપનો ખુલાસો કરતા પહેલા હિંડનબર્ગ રિસર્ચ અગાઉ ઘણી કંપનીઓ વિશે આવા રિપોર્ટ જાહેર કરી ચૂકી છે. વિવિધ કંપનીઓ વિશે આવા રિપોર્ટને કારણે સંબંધિત કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. વર્ષ 2017માં હિંડનબર્ગ રિસર્ચની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં આ ફર્મ લગભગ 16 કંપનીઓમાં કથિત ગેરરીતિઓ સંબંધિત મોટા ખુલાસા કરી ચૂકી છે. આ રિસર્ચ ફર્મે ટવીટરને લઈને એક રિપોર્ટ પણ જારી કર્યો હતો. આ અહેવાલની પણ ખૂબ ચર્ચા થઈ હતી. 2020માં રિસેર્ચ ફર્મે નિકોલા વિશે ખુલાસો કર્યો હતો, જેના કારણે કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. નિકોલા એક ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન કરતી કંપની હતી. આ કંપનીએ રોકાણકારોને તેમના નવા વાહનો વિશે માહિતી આપીને છેતર્યા હતા, જ્યારે વાસ્તવમાં તેમની પાસે કોઈ વાહન નહોતું.

2016થી હિંડનબર્ગ રિસર્ચે આવા ડઝનેક રિપોર્ટ બહાર પાડ્યા છે, જેમાં તેણે એક અથવા બીજી રીતે ખુલાસો કર્યો છે, જેના કારણે ઘણી કંપનીઓના શેર ભયાનક રીતે તૂટી ગયા હતા. વિન્સ ફાઇનાન્સ, ચાઇના મેટલ રિસોર્સિસ, એચએફ ફૂડ્સ અને રાયોટ બ્લોકચેન સામે પણ આ રીતે રિસેર્ચ રિપોર્ટ બહાર પાડીને આ કંપનીઓને ભોંઈ ભેગી કરી ચૂકી છે.

હિંડનબર્ગ રિસર્ચ મહિનાઓ અને ક્યારેક વર્ષોનો સંશોધન પછી કોઈપણ કંપનીમાં ગરબડની તપાસ પર વિગતવાર અહેવાલ તૈયાર કરે છે અને પછી તેને જાહેર કરવામાં આવે છે. કંપનીની વેબસાઈટ અનુસાર, તે સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે સંશોધન કરે છે. આ માહિતી મેળવવી એટલું સરળ હોતું નથી. અલબત્ત, આ રિસર્ચ ફર્મ હિંડનબર્ગ કોર્પોરેટ જગતમાં થતી તમામ ગેરરીતિઓનો હિસાબ રાખે છે અને પછી આ કંપનીઓના શેરનું ટૂંકું વેચાણ કરીને પૈસા કમાય છે.

તમને જણાવી દઈએ કે હિંડનબર્ગના આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રૂપ પર શેરબજારમાં લિસ્ટેડ મહત્વની કંપનીઓ પર ઘણું દેવું છે. આ શેરો ગિરવે મૂકીને આસમાને પહોંચતા વેલ્યુએશન સાથે લોન લેવામાં આવી છે, જેના કારણે સમગ્ર જૂથની આર્થિક સ્થિતિ મુશ્કેલીમાં આવી શકે છે. ટૂંકા ગાળામાં કંપની કેશ ફ્લોના સંદર્ભમાં સમસ્યાઓનો સામનો કરી શકે છે. અદાણી ગ્રૂપની કંપનીઓના શેરની કિંમતો ખુબ ઊંચી છે. તેમનું મૂલ્ય આસમાન પર છે. તેથી, મૂળભૂત વિશ્લેષણ મુજબ, તેઓ 85 ટકા સુધી ઘટી શકે છે. આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રૂપ વિરુદ્ધ 4 મોટી તપાસ કરવામાં આવી છે, જેમાં મની લોન્ડરિંગ, ટેક્સ ચોરી અને ભ્રષ્ટાચાર જેવા આક્ષેપો થયા હતા. અદાણી પરિવારના સભ્યો પર મોરેશિયસ, યુએઈ, કેરેબિયન ટાપુઓ જેવા ટેક્સ હેવન્સમાં કથિત રીતે શેલ કંપનીઓ ખોલવાનો પણ આરોપ છે.

જોકે, સામે અદાણી જૂથે તેને સંપૂર્ણપણે ભ્રામક અહેવાલ ગણાવ્યો છે. અદાણી ગ્રૂપે તેમની સામેના આ પ્રકારના આક્ષેપો સામે કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી છે. અત્યાર સુધી તો હિંડનબર્ગ રિસર્ચએ નાની કંપનીઓને અડફેટે લીધી હતી, પણ આ વખતે અદાણી જેવા વિશ્વમાં જેની ગણના ટોચના ઔદ્યોગિક ગૃહમાં થયા છે, તેની સામે પડવાની હિંમત કરી છે. આ વખતે હિંડનબર્ગ રિસર્ચ કંપનીના સ્થાપક નાથન એન્ડરસન માટે આ લડાઈ એટલી સરળ નહીં હોય.

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં કરાયેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવતા અદાણી ગ્રૂપના લીગલ હેડ જતિન જલુંધવાલાએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, અમે હિંડનબર્ગ રિપોર્ટ સામે કાયદાકીય પગલાં લેવાની તૈયારી કરી રહ્યા છીએ. આ માટે અમે અમેરિકન અને ભારતીય કાયદા હેઠળ કાર્યવાહી કરીશું. ગૌતમ અદાણી ગ્રૂપે યુએસ ઇન્વેસ્ટમેન્ટ ફર્મના રિપોર્ટ બાદ ‘ઈરાદાપૂર્વક ખોટી માહિતી’ રજૂ કરવાનો આરોપ મૂક્યો છે.

જતિન જલુંધવાલાએ એક સ્ટેટમેન્ટમાં એવું પણ જણાવ્યું હતું કે, આવા રિપોર્ટને કારણે ભારતીય શેરબજારમાં અસ્થિરતા સર્જાઈ છે તે ખૂબ જ ચિંતાજનક છે અને તેનાથી ભારતીય નાગરિકોને તકલીફ થઈ છે, જે અયોગ્ય છે. તેમણે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે આ અહેવાલ અને તેના અપ્રમાણિત તથ્યોને એવી રીતે રજૂ કરવામાં આવ્યા છે કે તેની અદાણી ગ્રૂપની કંપનીઓના શેરના ભાવ પર ખરાબ અસર પડે, અને હિંડનબર્ગ રિસર્ચ પોતે માને છે કે અદાણીના શેરમાં ઘટાડાનો તેને ફાયદો થશે.

Most Popular

To Top