નવી દિલ્હી: ચીનના (China) વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના વાઇરસે (Coronavirus) વિશ્વને મોટી મુશ્કેલીમાં દીધું હતું. ત્યારે ફરી એકવાર ચીનમાં એક રહસ્યમય બીમારી (Disease) ફેલાઇ રહી છે. જે નાના બાળકોને (Children) ખુબ જ ઝડપથી પોતાના સંક્રમણમાં લઇ રહી છે. જેના પરિણામે ચીનમાં શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે. WHOએ ચીન પાસેથી માહિતી મેળવી આ નવા શ્વાસને લગતા વાઇરસના સમાચાર આપ્યા હતા.
ચીનમાં ફેલાઇ રહેલી રહસ્યમય બીમારીના પગલે બાળકોમાં તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. જે ન્યુમોનિયા જેવા છે. કોરોનામાં પણ આ જ લક્ષણો સામે આવ્યા હતા. પરંતુ બાળકોમાં કોરોનાનું પ્રમાણ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળ્યું હતું. ત્યારે આ રહસ્યમય બીમારી સાથે સંકળાયેલા મોટાભાગના દર્દીઓ ઉત્તર-પૂર્વ ચીન, બેઇજિંગ અને લિયાઓનિંગની હોસ્પિટલોમાં જોવા મળી રહ્યા છે.
પ્રશ્નએ પણ છે કે શું આ બીમારી કોરોનાનું જ બીજું સ્વરૂપ છે? જે બાળકોમાં ફેલાઇ રહી છે. કે પછી ચીનએ કોઇ નવા વાઇરસને જન્મ આપ્યો છે. ત્યારે વૈશ્વિક સ્વાસ્થ્ય સંસ્થાઓ માને છે કે મોટાભાગની મહામારી આફ્રિકા અથવા એશિયન દેશોમાંથી શરૂ થાય છે. WHOએ પણ આ સ્વીકાર્યું છે. તેમજ WHO વૈશ્વિક સ્તરે જાણીતા અને અજાણ્યા રોગોનું સમાધાન શોધી રહી છે. તેમજ આ બીમારીનું પણ હલ શોધાઇ રહ્યું છે.
આ રીતે ઝૂનોટિક રોગો વિશ્વમાં ફેલાય છે
ચીન, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા જેવા એશિયન દેશોના બજારોમાં ઘણા પ્રાણીઓ જીવતા વેચાય છે. જગ્યાના અભાવે આ તમામ પ્રાણીઓને એકસાથે રાખવામાં આવે છે. જે વાયરસને જન્મ લેવા માટે યોગ્ય વાતાવરણ પુરુ પાડે છે. આવા રોગો ઝૂનોટિક રોગોની શ્રેણીમાં આવે છે. ચેપગ્રસ્ત પ્રાણીની લાળ, લોહી, પેશાબ, મળ અથવા શરીરના અન્ય પ્રવાહીના સંપર્કમાં આવવાથી માણસો ચેપગ્રસ્ત થઈ જાય છે.
નિષ્ણાતો અત્યારે શું કરી રહ્યા છે?
લગભગ એક વર્ષ પહેલા કોંગોમાં એક દર્દી રહસ્યમય બીમારી સાથે આવ્યો હતો. તેને તાવની સાથે લોહી પણ વહી રહ્યું હતું. શરૂઆતમાં તે ઇબોલા હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ નિષ્ણાતોએ નવી મહામારી શરૂ થવાની આગાહી કરી હતી. તેમજ આ બીમારીને X નામ આપ્યું હતું. ત્યારે હાલ વિશ્વના 300 થી પણ વધુ વૈજ્ઞાનિકો 25થી વધુ વાઇરસો અને બીમારીઓના નાશનું સંશોધન કરી રહ્યા છે.