‘ધ ઈમિગ્રેશન ઍન્ડ નૅશનાલિટી ઍક્ટ, 1952’, આ કાયદો અમેરિકાના ઈમિગ્રેશનની બાબતમાં બધી જ બાબતોને આવરી લે છે. અમેરિકામાં કોને પ્રવેશ આપવો? એ માટે કયા વિઝા મેળવવાની જરૂરિયાત છે? વિઝા ક્યાં અને કેવી રીતે મળી શકે? કંઈ ખોટું કર્યું હોય અને એ કારણસર અમેરિકામાં પ્રવેશવા ઉપર પાબંદી લાગી હોય તો એ પ્રવેશનિષેધ કેમ દૂર કરી શકાય? એક વિઝા ઉપર પ્રવેશ્યા બાદ બીજા પ્રકારના વિઝા ઉપર કરી શકાય એ કાર્ય કરવાની જરૂરિયાત ઊભી થાય તો શું કરવું? ત્યાં રહેવા માટે આપવામાં આવેલ સમય લંબાવવાની ફરજ પડે તો એનો ઉપાય શું?
પોતાના અંગત સગા માટે ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કર્યું હોય, એ અપ્રુવ થઈ ગયું હોય અને ત્યાર બાદ જેમણે એ પિટિશન દાખલ કર્યું હોય એ પિટિશનરનું મૃત્યુ થાય અને અપ્રુવ્ડ પિટિશન રદબાતલ થઈ જાય એવા સંજોગોમાં એ પિટિશન હેઠળ ઈમિગ્રન્ટ વિઝા કેમ મેળવી શકાય? પિટિશનની પ્રાયોરિટી ડેટ કેમ કરતાં અને ક્યારે રિટેન કરી શકાય? એક્સટેન્શન ઓફ સ્ટેટસ, ચેન્જ ઓફ સ્ટેટસ અને એડ્જસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ ક્યારે અને કેવી રીતે કરી શકાય? ઈલ્લિગલી પ્રવેશ્યા હો અથવા લિગલી પ્રવેશ્યા હો અને પછી ઈલ્લિગલ બની ગયા હો આવા સંજોગોમાં જો ડિપોર્ટેશનનો સમય આવે તો એને કેમ કરતાં અટકાવી શકાય?
રાજકીય આશરો યા રેફ્યુજી સ્ટેટસ કયા સંજોગોમાં મેળવી શકાય? આવા આવા આંટીઘૂંટીવાળા જટિલ પ્રશ્નો ઊભા થાય તો એનું નિવારણ કેમ કરતાં કરી શકાય? આ બધા જ પ્રશ્નોનો ઉકેલ ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ, 1952’માં સાંપડે છે. ‘B-1/B-2’એટલે કે જેઓ અમેરિકામાં ટૂંક સમય માટે જ જવા ઈચ્છતા હોય, ત્યાં કાયમ રહેવાનો ઈરાદો ધરાવતા ન હોય એવા બિઝનેસમેન અને વિઝિટર્સો માટેના ખાસ ઘડવામાં આવેલ નોન-ઈમિગ્રન્ટ શ્રેણીના વિઝા અન્ય નોન-ઈમિગ્રન્ટ શ્રેણીના વિઝા કરતાં સૌથી વધુ સંખ્યામાં રિજેક્ટ કરવામાં આવે છે. એમને સૌને અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાની કલમ 214(B) નડે છે.
કલમ 214(B) એવું જણાવે છે કે અમેરિકામાં પ્રવેશતો અને એ માટે વિઝાની અરજી કરતો દરેકેદરેક પરદેશી ત્યાં કાયમ રહેવાની ઈચ્છા ધરાવે છે. વિઝા આપતા અને એ માટે અરજદારોનો ઈન્ટરવ્યૂ લેતા દરેકેદરેક કોન્સ્યુલર ઓફિસરે એટલે એવું ધારી લેવું પડે છે કે એની સામે ઊભેલ અરજદાર જે બિઝનેસ વિઝાની એટલે કે ‘B-1’વિઝાની અથવા તો વિઝિટર્સ વિઝાની એટલે કે ‘B-2’વિઝાની માગણી કરી રહ્યો છે એ બિઝનેસમેન તરીકે કે વિઝિટર્સ તરીકે, ટૂંક સમય માટે, અમેરિકામાં પ્રવેશવા નથી ઈચ્છતો, પણ એનો ઈરાદો અમેરિકામાં કાયમ રહેવાનો છે.
આથી ‘B-1’ યા ‘B-2’ વિઝાના અરજદારે કોન્સ્યુલર ઓફિસરને એ જ્યારે વિઝાની માગણી કરે છે ત્યારે ખાતરી કરાવી આપવાની રહે છે કે એ ખરા અર્થમાં એક બિઝનેસમેન છે અથવા તો એ સાચેસાચ એક વિઝિટર છે. અમેરિકામાં એ ફક્ત ને ફક્ત બિઝનેસના કાર્ય માટે અથવા તો વિઝિટર તરીકે, થોડા સમય માટે જ જવા ઈચ્છે છે. એનો ત્યાં કાયમ રહેવાનો મુદ્દલે ઈરાદો નથી. એની પાસે અમેરિકા જવા-આવવાના, ત્યાં રહેવાના, ખાવા-પીવાના તેમ જ પરચૂરણ ખર્ચા માટેના પૈસાની યોગ્ય જોગવાઈ છે. એના પોતાના દેશમાં એના કૌટુંબિક અને નાણાંકીય સંબંધો એટલા ગાઢ છે કે એ સંબંધો જ એને અમેરિકામાં રહેવા માટે જેટલો સમય આપ્યો હોય એ પૂરો થતાં એના પોતાના દેશમાં પાછા ખેંચી લાવશે.
‘અમે અમેરિકામાં કાયમ રહેવા નથી માગતા’ આવું દેખાડી આપવું ખૂબ જ મુશ્કેલ હોય છે. ઓફિસરો અરજદારોને બોલવા જ નથી દેતા. દસ્તાવેજો જોવાની ઈચ્છા ભાગ્યે જ દર્શાવે છે. જે સવાલો પૂછે એના જવાબો દ્વારા અરજદારોએ ખાતરી કરાવી આપવી પડે છે કે એમનો ઈરાદો અમેરિકામાં કાયમ રહેવાનો નથી. દરેક અરજદારનું બેકગ્રાઉન્ડ અલગ હોય છે. આ પ્રકારની ખાતરી દરેક અરજદારે એ પોતે કેવી વ્યક્તિ છે એના અનુસંધાનમાં કરાવી આપવાની રહે છે. મોટા ભાગના અરજદારો ઈન્ટરવ્યૂમાં જતાં પહેલાં અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાના જાણકાર, અનુભવી એડ્વોકેટો પાસેથી જાણકારી મેળવવાની તસ્દી નથી લેતા. આથી એમની વિઝા મેળવવાની લાયકાત હોવા છતાં તેઓ એ દર્શાવી નથી શકતા અને એમના વિઝાની અરજી રિજેક્ટ થાય છે.
કલમ 214(B) જે કોન્સ્યુલર ઓફિસરને એવું ધારી લેવાની ફરજ પાડે છે કે દરેક અરજદાર એક ઈમિગ્રન્ટ તરીકે એટલે કે અમેરિકામાં કાયમ રહેવાની ઈચ્છા ધરાવીને વિઝાની માગણી કરે છે એ કલમ નોન-ઈમિગ્રન્ટ ‘B-1’, ‘B-2’, ‘F’, ‘H’(H-1 એમાં અપવાદ છે એટલે H-1 વિઝાના અરજદારને એ લાગુ નથી પડતી), ‘J’, ‘M’, ‘O-2’, ‘P’, ‘Q’અને ‘TN’ને લાગુ પડે છે. ‘H-1’, ‘L’, ‘R’ અને ‘V’ આ શ્રેણીના નોન-ઈમિગ્રન્ટ વિઝાના અરજદારને કલમ 214(B) લાગુ નથી પડતી. ‘H-1B, ‘H-4’, ‘L-1’કે ‘L-2’આ વિઝાના અરજદારો જ્યારે અરજી કરે છે ત્યારે જો કોન્સ્યુલર ઓફિસરને એવું લાગે કે એમનો ઈરાદો અમેરિકામાં કાયમ રહેવાનો છે તો પણ તેઓ એમને વિઝા બક્ષી શકે છે.
તમે જો ‘B-1’, ‘B-2’કે ‘F-1’, ‘M-1’, ‘H-3’ કે ‘J-1’આ પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝાની માગણી કરતા હશો તો તમારે એ વાતનો ખૂબ જ ખ્યાલ રાખવાનો રહેશે કે તમે અમેરિકામાં કાયમ રહેવા નથી ઈચ્છતા એવી તમારે કોન્સ્યુલર ઓફિસરને ખાતરી કરાવી આપવી પડશે. જો તમે આ છ પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝામાંથી કોઈ પણ એક પ્રકારના વિઝાની અરજી કરવા ઈચ્છતા હો તો તમારે તમારા નોન-ઈમિગ્રન્ટ ઈરાદાઓ કેવી રીતે છતા કરવા એ જાણી લેવું જોઈએ. કોન્સ્યુલર ઓફિસર તમને જરૂરથી એવું પૂછશે કે, ‘મને એ વાતની ખાતરી કરાવી આપો કે અમેરિકામાં રહેવા માટે જે સમય આપવામાં આવ્યો હોય એ પૂરો થતાં તમે તમારા દેશમાં પાછા શા માટે આવશો? અહીં તમારા કૌટુંબિક અને નાણાંકીય સંબંધો એવા કેવા મજબૂત છે કે એ તમને અમેરિકામાં કાયમ રહેવા નહીં દે અને તમારા દેશમાં પાછા ખેંચી લાવશે?