વૉશિંગ્ટન : વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ છેવટે એ વાતનો સ્વીકાર કર્યો છે કે કોવિડ-19 માટે કારણભૂત કોરોનાવાયરસ (CORONA VIRUS) સાર્સ કોવ-ટુ (SARS COV-2) હવા મારફતે ફેલાય છે. અમેરિકા (AMERICA)ની ટોચની આરોગ્ય સંસ્થા સીડીસીએ પણ એ વાત હવે કબૂલી છે કે આ કોરોનાવાયરસ હવામાં ફેલાય (SPREAD IN AIR) છે, સીડીસીએ પોતાની સુધારેલી માર્ગદર્શિકામાં પણ એ વાતનો ઉલ્લેખ કર્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ હવે કબૂલ્યું છે કે કોરોનાવાયરસ હવા મારફતે પણ ફેલાઇ શકે છે. તેણે કોરોનાવાયરસના રોગચાળાને વૈશ્વિક રોગચાળો જાહેર કર્યો તેના લગભગ એક વર્ષ પછી હુએ આ વાત કબૂલી છે. હુએ કોરોનાવાયરસને લગતી પોતાની પ્રશ્નોત્તરી અપડેટ કરી છે અને તેમાં તેણે એ પણ જણાવ્યું છે કે બંધ જગ્યામાં દર્દીના ગાઢ સંપર્ક વિના પણ કોરોનાવાયરસ ફેલાઇ શકે છે. કોરોનાવાયરસ હવામાં છ ફૂટ કરતા પણ વધુ અંતર સુધી ટકીને જઇ શકે છે અને તે રીતે તે હવા મારફતે ફેલાઇ શકે છે તે વાત હુએ કબૂલી છે અને આના પછી હવે તે પોતાના કોરોના અંગેની માર્ગદર્શિકા પણ સુધારી શકે છે.
બીજી બાજુ કોરોનાવાયરસ હવા મારફેત ફેલાતો હોવાનો ઇન્કાર કરનાર અમેરિકાની ટોચની આરોગ્ય સંસ્થા સીડીસીએ પણ કબૂલ્યું છે કે કોરોનાવાયરસ હવા મારફતે ફેલાઇ શકે છે. સીડીસીએ કોરોનાવાયરસ કઇ રીતે ફેલાય છે તે અંગેની પોતાની માર્ગદર્શિકા ફરી અપડેટ કરી છે જેમાં તેણે જણાવ્યું છે કે હવામાં જે રજકણો છ ફૂટ કરતા વધુ દૂર સુધી પ્રવાસ કરી શકે છે તેમની સાથે કોરોનાવાયરસ પણ ફેલાઇ શકે છે. નિષ્ણાતો મહિનાઓથી ચેતવણી આપતા જ હતા કે કોરોનાવાયરસ આ રીતે ફેલાતો હોઇ શકે છે અને નહીં કે માત્ર ગાઢ સંર્પ અથવા ખાંસી, છીંક વગેરેના છાંટાઓ મારફતે. આ એના પછી આવ્યું છે જ્યારે સીડીસીએ જણાવ્યું હતું કે જે લોકોએ રસીના પુરા ડોઝ લઇ લીધા છે તેઓ માસ્ક પહેર્યા વિના બહાર ફરી શકે છે. જો કે કોણે રસી લીધી છે અને કોણે નથી લીધી? તે જાણવાનું મુશ્કેલ હોય છે.
સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ(સીડીસી)એ પોતાની અપડેટ કરેલી માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે કોવિડ-19 એ રીતે ફેલાય છે કે જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિ તેના શ્વાસમાંથી વાયરસયુક્ત છાંટા બહાર કાઢે છે. આ છાંટાઓ નાના રજકણોની સાથે હવામાં ફેલાય છે અને જે લોકો ચેપગ્રસ્ત વ્યક્તિની છ ફૂટથી ઓછા અંતરે છે તેમને ચેપ લાગવાનો ભય વધારે છે, પરંતુ આ છાંટાઓ રજકણોની સાથે છ ફૂટ કરતા પણ વધુ અંતર સુધી જઇ શકે છે એમ આ નવી માર્ગદર્શિકામાં જણાવાયું છે.