Trending

સ્કૂલ ટાઇમના કયા નાસ્તાઓ તમે આજે પણ મિસ કરો છો ?

બાળપણ એ જીવનનો એક એવો હિસ્સો છે જે વીતી ગયા પછી તેને યાદ કરવામાં કંઈક મજા જ છે.   ચાલો તો ફરી એ બાળપણ અને સ્કૂલના દિવસો યાદ કરીએ. સ્કૂલના દિવસો અને બાળપણ એ પડાવ જ એવો હોય છે જે યાદ આવતાંની સાથે જ ચહેરા પર એક ચમક અને હાસ્ય આવી જતું હોય છે. સ્કૂલ સમયમાં આમ તો દરેકની કોઈ ને કોઈ યાદો હોય છે. રીસેસમાં સ્કૂલમાં કે આજુબાજુ મળતાં અલગ અલગ પ્રકારના નાસ્તાની મજા તો દરેકે દરેકે બાળપણમાં લીઘી જ હશે ખરું ને? ત્યારે આજના અંકમાં લોકો પાસેથી જાણીશું કે તેમને સ્કૂલ ટાઇમના કયા નાસ્તા આજે પણ મિસ થાય છે? ચાલો જાણીએ એમની જ પાસેથી….

લાઈનમાં ઊભા રહીને પણ સમોસા અને સેન્ડવિચ ખાતા જ હતા: કેશલ ઝવેરી -નવસારી
31 વર્ષીય કેશલ ઝવેરી જવેલરી ડીઝાઈનિંગના બિઝનેસ સાથે સંકળાયેલ છે. કેશલ ઝવેરી જણાવે છે કે, ‘‘હું નવસારીની કોન્વેન્ટ સ્કૂલમાં ભણતો હતો એ સમયે કેમ્પસમાં વિકાસના સમોસા અને સેન્ડવિચ ખૂબ જ ફેમસ હતાં. જે મને ખૂબ જ ભાવતાં. રીસેસ પડે એટલે ગમે તેટલી લાઇન હોય લાઈનમાં ઊભા રહીને પણ સમોસા અને સેન્ડવિચ ખાતા જ હતા. એનો સ્વાદ મોટી મોટી રેસ્ટોરન્ટમાં પણ નથી મળતો જે મને આજે પણ મિસ થાય.’’

સ્કૂલની બહાર મળતાં ચણી બોર, ખટુમડાં, કમરક, જમરૂખ આજે પણ યાદ આવે : લેખા મહાદેવ દાસ
27 વર્ષીય લેખાબેન જણાવે છે કે, ‘‘હું બીલીમોરાની એલએમપી સ્કૂલમાં ભણતી. પ્રાઈમરી સ્કૂલમાં હતી ત્યારે સ્કૂલની બહાર રિસેસમાં ચણી બોર, ખટુમડાં, કમરક, જમરૂખ, આમલી જેવી અલગ અલગ પ્રકારની કેટલીય વસ્તુ મળતી. જે ફક્ત 1 કે 2 રૂપિયામાં મળતાં અને વળી જમરૂખના ચાર ભાગ કરી અંદર મીઠુંમરચું નાખી આપે. ચણી બોર અને ખટુમડાં જો રિસેસમાં લઈએ તો આખો દિવસ ચાલતા. પ્રાઈમરી પછી માધ્યમિકમાં આવી ત્યારે કેન્ટિનનાં મન્ચુરિયન જ ખાતી. આજે પણ પ્રાઈમરીનો એ નાસ્તો ઘણી વાર યાદ આવી જાય.’’

ચ્યુઈંગમમાંથી ચંપલ, ચકલી, ચકરડી એવાં રમકડાં બનાવી આપતા : વિનોદ ઘાસકટા
42 વર્ષીય વિનોદભાઈ જણાવે છે કે, ‘‘હું સિંગણપોર ખાતેની સરકારી સ્કૂલમાં ભણતો હતો. એ સમયે તો એક કે બે રૂપિયાની ઘણી બધી વસ્તુઓ આવતી. એક રૂપિયો તો નાનીમોટી બંને રિસેસમાં ચાલતો. અમારી વખતે ચૂરણ જે સોનેરી કલરના રેપરમાં આવતું એક કોન જેવું જેને સ્ટ્રોની મદદથી ખાવાનું હોય. બીજું જે આજે હું ઘણી વાર શોધતો હોઉં એ છે એક કાકા ચ્યુઈંગમ જેવી ચોકલેટનો મોટો જથ્થો લઈ ઊભા રહેતા અને પછી તેમાંથી ચંપલ, ચકલી, ચકરડી જેવાં મસ્ત રમકડાં બનાવી આપતાં. એ ખાવા કરતાં એ જે રીતે બનાવે એ જોવાની જ ખૂબ મજા પડતી. જે આજે કદાચ બાળકોને જોવા પણ નહીં મળે અને ઇનામો ખૂબ મળતાં જે ચોકલેટ અને કોઈ ખાવાની વસ્તુ લઈએ એમાંથી પણ નીકળે અને બીજા અલગથી એક રૂપિયાના બે ઇનામ સ્ક્રેચ કરવાના હોય જેમાં અલગ અલગ રમકડાં કે પૈસા નીકળે જેને હું માનું છું ત્યાં સુધી દરેક સ્કૂલનાં બાળકો મિસ કરતા હશે જ.’’

ગોળા ખાવાની જે મજા આવતી એ આજની 100 કે 200વાળી મોંઘી આઈસ ડિશમાં પણ નહીં આવે : સંજય પાંડવ
38 વર્ષીય સંજયભાઈ જણાવે છે કે મારી સ્કૂલની બહાર 50 પૈસાની દૂધવાળી કેન્ડી અને એક રૂપિયામાં બરફનો ગોળો મળતો. એમાં બરફના ગોળા પર તો કલર ચૂસી પાછો બે કે ત્રણ વાર નખાવતા. એ ગોળા ખાવાની જે મજા આવતી એ આજની 100 કે 200વાળી મોંઘી આઈસ ડિશમાં પણ નહીં આવે. જે મને આજે પણ મિસ થાય. બીજી ખાસ વસ્તુ યાદ આવતી હોય તો તે છે એક રૂપિયાના ચાર જાંબલી કલરના ચોકલેટના ગોળા આવતા. જેને ખાઈએ એટલે આખી જીભ જાંબલી થઈ જતી અને એ જાંબલી જીભ પછી ફ્રેન્ડ્સને બતાવતાં કે જો જાદુ મારી જીભ જાંબલી થઈ જશે!! બાળપણના એ દિવસો…. ઘણી વાર હું મારાં બાળકો સ્કૂલે જાય ત્યારે પૈસા લઈ જાય જેમને આજે 20 કે 50 રૂપિયા રીસેસ માટે જોઈએ ત્યારે એમની સાથે મારું બાળપણ યાદ કરતો હોઉં.’’

એક રૂપિયામાં બટાકા ભૂંગળાનો સ્વાદ આજે પણ મિસ થાય : પારુલ તરસરિયા
પારુલ તરસરિયા જણાવે છે કે, ‘‘હું કતારગામની નગર પ્રાથમિક શાળામાં ભણતી હતી. હું ફક્ત શનિવારે જ નાસ્તા માટેના પૈસા લઇ જતી. જેમાં સ્કૂલની બહાર ચમચમ, ખાટીમીઠી આમલી, આઈસ્ક્રીમની ચમચીમાં આમલી મળતી, દિલવાળા બીસ્કિટ જેની ઉપર અલગ અલગ કલરનું એકદમ કડક ક્રીમ હોય એવાં બીસ્કિટ મળતાં અને ઇનામવાળી ચોકલેટ મળતી જેમાં અંદર કાગળ પર 1રૂ, 2 રૂ એવું દોરેલું આવતું. જેટલા પૈસા દોરેલા હોય એટલા દુકાનવાળા સામેથી પૈસા આપતા. કોઈ વાર 1 રૂ. માં ડબલ પૈસા થાય અને કોઈ વાર લાલચમાં ઇનામમાં કશું લાગે નહીં તો નાસ્તા વગર પણ રહેવું પડતું. એક રૂપિયાનાં પારલેજી બીસ્કિટ મળતાં અને હા 1 રૂપિયામાં બટાકા ભૂંગળા પણ આપતા. જેમાં એક વઘારેલું બટાકું હોય અને ચાર ભૂંગળા આપતા. જેમાં તો અમે બે બહેનપણી સાથે મળીને ખાતાં. આજે પણ યાદ આવે તો મોઢામાં પાણી આવી જાય…’’

સ્કૂલની બહાર મળતો ખમણ રસો આજે પણ યાદ આવે : રેખા શેઠના
58 વર્ષીય રેખાબેન જણાવે છે કે પ્રાઇમરીમાં બાલાજી ગર્લ્સમાં અને પછી ટી એન્ડ ટીવીમાં ભણતી હતી. અમારી સ્કૂલ બહાર ખમણ રસો મળતો જેમાં ખમણ હોય, દાળ હોય, કાંદા, ટામેટાં અને ઉપરથી પાણીપુરીનું પાણી હોય. એક દાણાચણાવાળા કાકા જે પેટર્નથી ભેળ બનાવતા અને ભેળની ઉપર લીંબુ નિચોવે ત્યારે છનછનછન એવો લહેકો કરે એટલે મજા પડી જાય એ જોવાની. સ્કૂલમાં ભણતી દરેક છોકરીઓ આ મિસ તો કરે જ. ઉપરાંત ચણી બોર, કમરક, મસાલો નાખેલું જમરૂખ એ તો ખરું જ. આ દરેક વસ્તુની મજા દરેકે પોતાના સ્કૂલ સમયમાં માણી જ હોય. ઘણી વાર આ બધું મિસ થાય.’’

મને જો સૌથી વધુ કોઈ નાસ્તો પસંદ હતો તો તે છે બટાકાપૌંઆ અને મેથીની ભાજીનાં મૂઠિયાં : શીલા ફર્શોલે
61 વર્ષીય શીલાબેને જીવનભારતી સ્કૂલમાં 22 વર્ષો સુધી જોબ કરી છે અને આઈ જી દેસાઈ હાઇસ્કૂલના રિટાયર્ડ પ્રિન્સિપાલ રહી ચૂક્યાં છે. શીલાબેન જણાવે છે કે, ‘‘હું જીવનભારતી સ્કૂલમાં ભણી છું. જીવનભારતીના નાસ્તા તો આજે પણ દરેક વિદ્યાર્થીઓ મિસ કરે છે. સ્કૂલમાં અલગ અલગ નાસ્તા જેમ કે મૂઠિયાં, તીખી પુરી, ફ્રૂટ ડિશ, બટાકાપૌંઆ જેવા નાસ્તા આપતા. કપૂરિયા અને મગ તો સૌને પ્રિય હતાં પરંતુ મને જો સૌથી વધુ કોઈ નાસ્તો પસંદ હતો તો તે બટાકાપૌંઆ અને મેથીની ભાજીના મૂઠિયાં. તે સમયે તો બાગમાં બેસાડી નાસ્તા આપતા જેમ કે 5 થી 11ની બધી ગર્લ્સ એક સાથે બેસતાં. એકબીજા સાથે ઓળખાણ થતી અને સોશ્યલ મિટિંગ જેવું થતું એટલે નાસ્તા ટાઈમે તો ખૂબ જ મજા પડી જતી.’’

આપણે જાણ્યું તે મુજબ દરેકેદરેક વ્યક્તિને સ્કૂલના દિવસો યાદ આવતા જ હોય છે. સ્કૂલમાં વિતાવેલી નાની નાની એ ખુશી એ દિવસો વીત્યા બાદ કશે જ મળતી નથી. સ્કૂલ સમયના અમુક નાસ્તા ખૂબ જ ફેમસ હોય છે. જે નાસ્તાની લિજ્જતમાં મિત્રોનો સાથ અને મજાકમસ્તીનો મસાલો ઉમેરાય એટલે એ ઔર ટેસ્ટી બની જતો હોય છે ખરું ને? લોકો આજે પણ એ નાસ્તાને યાદ કરે ત્યારે ચહેરા પર એક અનોખી રોનક આવી જ જતી હોય છે. એ દિવસો ભલે વીત્યા જે પાછા તો નહીં આવે પણ એ યાદ ચોક્ક્સ એક અનમોલ સંભારણું બની જતું હોય છે!!

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top