અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે ટેકનોલોજી જગતના દિગ્ગજોને ખાસ ડિનર માટે આમંત્રિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં થઈ રહેલા સંશોધન અને રોકાણોની પ્રશંસા કરી.
ટ્રમ્પે ટેબલ પર બેઠેલા મેટા, ગૂગલ, એપલ અને માઇક્રોસોફ્ટ જેવા નેતાઓને “ઉચ્ચ IQ ધરાવતા લોકો” કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે આ કંપનીઓ અમેરિકાને નવા સ્તરે લઈ જવામાં મોટી ભૂમિકા ભજવશે. આ બેઠકમાં અનેક મોટી કંપનીઓના વડાઓ તેમજ ટેક ઉદ્યોગના પ્રખ્યાત દિગ્ગજો હાજર રહ્યા હતા.
કંપનીઓની રોકાણ યોજનાઓ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખાસ કરીને જાણવા માગ્યું કે મોટી કંપનીઓ અમેરિકામાં કેટલું રોકાણ કરી રહી છે. તેના જવાબમાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને એપલના સીઈઓ ટિમ કૂકે સંયુક્ત રીતે 600 બિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ 250 બિલિયન ડોલરનું રોકાણ જાહેર કર્યું. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ દર વર્ષે 80 બિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
આ મોટા આંકડા એ દર્શાવે છે કે ટેક ઉદ્યોગ અમેરિકા માટે કેટલો મહત્વનો છે અને આગામી સમયમાં AI તથા ટેકનોલોજી ક્ષેત્રમાં કેટલો મોટો ફેરફાર લાવી શકે છે.
કોણ કોણ હાજર રહ્યાં હતા?
આ રાત્રિભોજનમાં અનેક જાણીતા નામો હાજર રહ્યા હતા. તેમાં માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, ગૂગલના સહ-સ્થાપક સેર્ગેઈ બ્રિન, ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન અને ગ્રેગ બ્રોકમેન, ઓરેકલની સીઈઓ સફરા કેટ્ઝ, બ્લુ ઓરિજિનના ડેવિડ લિમ્પ, માઇક્રોનના સંજય મહેતા, પલાંટિરના શ્યામ શંકર અને સ્કેલ એઆઈના એલેક્ઝાન્ડર વાંગનો સમાવેશ થાય છે.
એલોન મસ્ક હજાર ન રહ્યા
જોકે, એલોન મસ્ક આ બેઠકમાં હાજર રહ્યા નહોતા. એક સમયે ટ્રમ્પના નજીકના ગણાતા મસ્ક અને રાષ્ટ્રપતિ વચ્ચે તાજેતરમાં જાહેર વિવાદ થયો હોવાથી તેઓ આ પ્રસંગથી દૂર રહ્યા હતા.
આ બેઠકમાં થયેલી ચર્ચાઓથી સ્પષ્ટ થાય છે કે અમેરિકાની અગ્રણી ટેક કંપનીઓ દેશના વિકાસમાં અબજો ડોલરનું મોટું યોગદાન આપશે. AI સહિતની નવી ટેકનોલોજીઓમાં થનારા રોકાણોથી અમેરિકા વૈશ્વિક ટેક હબ તરીકે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરશે.