શું ડાયાબિટીસના દર્દીઓની ઉંમરને અને નપુંસકતાને કોઇ સંબંધ છે? – Gujaratmitra Daily Newspaper

Health

શું ડાયાબિટીસના દર્દીઓની ઉંમરને અને નપુંસકતાને કોઇ સંબંધ છે?

સમસ્યા:  મારી ઉંમર 40 વર્ષની છે. વ્યવસાયે એન્જિનિયર છું પરંતુ થોડા સમય પહેલાં લોહીની આકસ્મિક તપાસ દરમિયાન મને ડાયાબીટીસ હોવાનું નિદાન થયું છે. મારા ડૉક્ટરે લખેલ ગ્લાયનેઝ નામની ગોળીઓથી ડાયાબીટીસ કાબૂમાં આવી ગયો છે. શરમને કારણે હું મારા ડૉક્ટરને આ સવાલ કરી શકેલ નથી. મેં સાંભળ્યું છે કે ડાયાબીટીસના દર્દીઓ નપુંસક થઇ જાય છે. જો કે હાલમાં મને એવી કોઇ જ તકલીફ નથી પરંતુ મને સતત આની ચિંતા રહે છે. શું ડાયાબીટીસના દર્દીઓની ઉંમરને અને નપુંસકતાને કોઇ સંબંધ છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

ઉકેલ: આપની ચિંતા અસ્થાને નથી કારણ કે દર બીજી ડાયાબીટીક દર્દીને જાતીય તકલીફ અનુભવાતી હોય છે. તે પછી નપુંસકતા હોય કે શીઘ્ર સ્ખલન.

ડાયાબીટીસ એક વાર તમારા શરીરમાં આવે એટલે જિંદગીના આખરી શ્વાસ સુધી તમારી જોડે જ રહેતો હોય છે. હવે નક્કી તમારે કરવાનું છે કે તેને સારો મિત્ર બનાવવો કે દુશ્મન? સારો મિત્ર બનાવવા કાંઇ ખાસ વધારે મહેનત કરવાની નથી. બસ ટાઇમસર દવા લેવાની, કસરત કરવાની (રોજ પોણો કલાક ચાલવાનું) અને ખાવાની પરેજી પાળવાની. જો આમ નહીં કરો તો તે તમારા શરીરનો દુશ્મન થશે અને આખા શરીર પર આડઅસર કરશે. પરંતુ જો ડાયાબીટીસને કાબૂમાં રાખવામાં આવે તો નપુંસકતા આવવાની શક્યતાઓ ખૂબ જ ઘટી જાય છે. ડાયાબીટીસના દર્દીની ઉંમરને અને નપુંસકતાને કોઇ જ સંબંધ નથી. ડાયાબીટીસના દર્દીની વય ભલે ઓછી હોય પણ સુગરનું પ્રમાણ વધારે રહે તો નપુંસકતા આવી શકે છે પરંતુ મિત્ર અહીં એક વાત જરૂર યાદ રાખજો. ડાયાબીટીસના દરેક દર્દી નપુંસક થઇ જતા નથી એટલે આપે વધારે પડતી ચિંતા કરવા જેવી નથી. ચિંતા કરવાથી પણ માનસિક નપુંસકતા આવી શકે છે. જો કોઇ પુરુષને આજે, કાલે કે છેલ્લા ત્રણ મહિનામાં જાગતા, સૂતા કે કોઇ પણ અવસ્થામાં જો એક વાર પણ પૂરતી ઉત્તેજના આવે તો બિલકુલ ચિંતા કરવી ના જોઇએ. છતાં જો મુશ્કેલી અનુભવો તો આપ મને મળી શકો છો.

હસ્તમૈથુનથી નબળાઇ આવે છે?

સમસ્યા: હું 21 વર્ષનો યુવાન છું. મને TBની અસર થઇ ગઇ છે. મને 17 વર્ષની ઉંમરથી હસ્તમૈથુનની આદત છે. મિત્રોનું કહેવું છે કે હસ્તમૈથુનથી નબળાઇ આવે છે અને દવાની અસર થતી નથી. શું આ વાત સાચી છે?

ઉકેલ: દુનિયાના 99% પુરુષોએ તેમના જીવનમાં ક્યારેક તો હસ્તમૈથુન કરેલ જ હોય છે. બાકીના 1% કાં તો જુઠ્ઠું બોલે છે અથવા તેમને ખબર જ નથી હોતી કે હસ્તમૈથુન શું છે? હસ્તમૈથુન વખતે ઇન્દ્રિય જે ક્રિયા હાથમાં કરે છે તે જ સંભોગ વખતે યોનિમાર્ગમાં થાય છે. જો સંભોગ ખરાબ ના હોય તો હસ્તમૈથુન પણ ખરાબ નથી જ. જો તમે 5 Km ચાલશો તો પગમાં દુખાવો થશે, થાક લાગશે કારણ કે ત્યાં હાડકું છે, સ્નાયુ છે. ઇન્દ્રિયમાં હાડકું કે સ્નાયુ છે નહીં માટે નબળાઇ આવવાનો સવાલ જ ઉત્પન્ન થતો નથી. જેમ વધારે બોલવાથી જીભમાં કોઇ કમજોરી આવતી નથી તે જ રીતે વધુ હસ્તમૈથુન કરવાથી કે સંભોગ કરવાથી ઇન્દ્રિયમાં પણ કોઇ જ નબળાઇ આવતી નથી. યાદ રાખો વપરાશથી વૃધ્ધિ થાય છે. બિનવપરાશથી શિથિલતા આવે છે. હસ્તમૈથુનથી TBની સારવારમાં કોઇ જ રૂકાવટ નહીં આવે.

યોનિમાર્ગમાંથી વાસ આવે છે

સમસ્યા: મારી ઉંમર 27 વર્ષની છે. મારા લગ્ન 3 વર્ષ પૂર્વે થયા છે. મારી પત્નીથી મને સંતોષ મળતો નથી. મારી પત્ની સાથે સમાગમ પૂર્વે જ યોનિમાંથી ચીકણો પદાર્થ નીકળે છે અને તેમાંથી દુર્ગંધ પણ મારે છે. સમાગમ વખતે મારુ લિંગ અને આજુબાજુનો ભાગ પણ બગડે છે. તેથી મને સંતોષ મળતો નથી. બીજી સ્ત્રી સાથે પૂરતો સંતોષ મળે છે. મારા દામ્પત્ય જીવનમાં તિરાડ પડી છે. હવે છૂટાછેડા સુધી વાત આવી ગઇ છે. આનો ઉકેલ મને જણાવશો.

ઉકેલ: શારીરિક રીતે જાતીય ઉત્તેજના દરમ્યાન યોનિની દીવાલો ઉપર ભીનાશ સર્જાય છે. જે એકદમ સામાન્ય છે. જુદી-જુદા સ્ત્રીઓમાં યોનિ ચીકાશનું પ્રમાણ જુદું જુદું હોઇ શકે છે. એક જ સ્ત્રીમાં અલગ અલગ સમયે ચીકણા સ્ત્રાવનું પ્રમાણ જુદું હોઇ શકે છે અને આ તે સમયના જાતીય આવેગની તીવ્રતા ઉપર નિર્ભર હોય છે. પીડારહિત સમાગમ માટે પર્યાપ્ત યોનિ ચીકાશ જરૂરી છે પણ આ ચીકાશ યોનિમાર્ગના ચેપ અથવા એલર્જી દરમ્યાન વધી શકે છે. તેનું કારણ શોધી ઉપાય કરવો એ જ ઉત્તમ માર્ગ છે. સામાન્ય ઘરગથ્થુ ઉપાયમાં આ ભીનાશ રૂમાલથી સાફ કરી ફરીથી સમાગમરત થઇ શકાય છે. બાકી આના માટે છૂટાછેડા લેવા યોગ્ય માર્ગ નથી.

મારા પતિનું શિશ્ન એકદમ ચિન્ટુ જેવું છે

સમસ્યા: મારી ઉંમર 24 વર્ષની છે. હું દેખાવે ખૂબ જ સુંદર અને શરીરે ભરાવદાર છું. આવતા મહિને મારા લગ્ન છે. મારા પતિ શરીરે એકવડિયા બાંધાના છે. લગ્ન પહેલાં અમે એકબીજાને કિસ કરેલ અને તક મળે ત્યારે થોડી શારીરિક મસ્તીઓ પણ માણેલ છે. 10 દિવસ પહેલાં એકાંત મળતા અમે સમાગમ કરવાની કોશિશ કરેલ પરંતુ પ્રવેશ પહેલાં જ એમને સ્ખલન થઇ ગયેલ. આ કારણે મારી નજર તેમના શિશ્ન પર ગયેલ જે એકદમ નાના બાળક જેવું હતું. આ ઘટના પછી હું ઘેર જઇને ખૂબ જ રોઇ અને સંબંધ તોડી નાંખવાનો વિચાર કર્યો પરંતુ શહેરના ખૂબ જ જાણીતા ખાનદાનને કારણે આ શક્ય નથી. ઘરે પણ કોઇને વાત કરવી શક્ય નથી. મારી સહેલીઓનું કહેવું છે કે જાડી સ્ત્રીની કામેચ્છા પાતળો પુરુષ સંતોષી શકતો નથી. તેમાંય પાછું મારા પતિનું શિશ્ન લગભગ ચિન્ટુ જેટલું જ છે. વધારેમાં વધારે કદાચ 3 ઈંચ જ છે. તો શું મારે જાતીય સુખથી આજીવન વંચિત રહેવું પડશે?

ઉકેલ: સૌ પ્રથમ તો જાડી સ્ત્રીમાં કામેચ્છા વધારે હોય છે તે વાત ખોટી અને આવી સ્ત્રીની કામેચ્છા પાતળો પુરુષ ન સંતોષી શકે એ વાત પણ સાવ ખોટી છે. પ્રથમ સમાગમ વખતે શીઘ્ર સ્ખલન થવું તે સામાન્ય બાબત છે. ઘણી વાર લાંબા સમય બાદ કરેલ સમાગમ વખતે પણ આવું બનતું હોય છે. પ્રથમ વખતના સમાગમ વખતે મનમાં રહેલ ડર કે પત્નીને સંતોષ મળશે કે નહીં, કોઇ જોઇ જશે તો અથવા બાળક રહેવાના ડરના કારણે પણ ઘણી વાર સ્ખલન જલદી થઇ જતું હોય છે. જેની ચિંતા કરવાની જરૂર નથી. જેમ પહેલી વાર સાઈકલ ચલાવવાની કોશિશ વખતે પડી જવાય છે પરંતુ પછી મોટર સાઈકલ પણ ચલાવી શકાય છે તે પણ કોઇને પાછળ બેસાડીને તે જ રીતે જેમ જેમ સમાગમ નિયમિત થતો જશે તેમ તેમ શીઘ્ર સ્ખલનની તકલીફ દૂર થતી જશે અને જો તેમ ના થાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી.

આજના સમયમાં નવી આવેલ દવાથી શીઘ્ર સ્ખલનમાં માત્ર સાતેક દિવસમાં જ ફરક પડી જતો હોય છે. બીજું તમે પતિનું શિશ્ન સ્ખલન બાદ શિથિલ અવસ્થામાં જોયેલ હશે એટલે તે તમને ચિન્ટુ, નાના બાળક જેવું લાગતું હશે. સ્ખલન પછી દરેક પુરુષનું શિશ્ન શિથિલ જ થઇ જતું હોય છે અને આ અવસ્થામાં તેની લંબાઇ 1 ઇંચ હોય તો પણ ચિંતા કરવી ના જોઇએ કારણ કે આ સમયે તેનું કામ માત્ર પેશાબ કરવાનું જ હોય છે. ઉત્તેજીત અવસ્થામાં શિશ્નની લંબાઇ 2 ઇંચ કે તેથી વધારે હોય તો તે સ્ત્રીના જાતીય સંતોષ માટે પૂરતી છે. પાતળો પુરુષ જાડી સ્ત્રીની જાતીય ઇચ્છા સંતોષી ના શકે તે વિધાન તમારી સહેલીઓનું અજ્ઞાન છે માટે સંબંધ તોડી નાંખવાનો વિચાર સુધ્ધાં કરવાની જરૂર નથી. તમે તમારું સુખી અને સફળ દામ્પત્ય જીવન શરૂ કરો એવી શુભેચ્છા.

નસબંધીના ઓપરેશન પછી ક્યારે સંભોગ કરી શકાય?

સમસ્યા: મારી ઉંમર 36 વર્ષની છે અને પત્નીની 34 વર્ષની. અમારે બે બાળકો છે. અમારે પત્નીનું બાળક બંધ કરાવવાનું ઓપરેશન કરાવવાનું છે. તો આ ઓપરેશન પછી ક્યારે ફરી સંબંઘ રાખી શકાય?

ઉકેલ: સ્ત્રી નસબંધી કરાવ્યા પછી પુરુષ તરત જ સંબંધ રાખે તો પણ ગર્ભ રહેવાની શક્યતા નહિવત છે પરંતુ 100 % સેફ રહેવું હોય તો પ્રથમ માસિક આવે ત્યાં સુધી નિરોધનો પ્રયોગ અવશ્ય કરવો જોઇએ. એક વખત માસિક આવે પછી ફરીથી કોઇ પણ ગર્ભનિરોધ વાપરવાની જરૂર રહેતી નથી. અહીં એક વાત આપને જણાવું કે સ્ત્રી નસબંધી કરતાં પુરુષ નસબંધી સરળ અને સહેલી છે અને તેનાથી પુરુષને કોઇ જ નબળાઇ આવતી નથી તે પહેલાંની જેમ જ જાતીય જીવન પૂરા જોશથી માણી શકે છે.

Most Popular

To Top