Gujarat

રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે?

ગાંધીનગર: નાણાં મંત્રી દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટેના રજૂ કરાયેલા બજેટમાં રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે તેની પણ વિગતો રજૂ કરાઈ છે. આ ઉપરાંત સરકારનો વિકાસલક્ષી ખર્ચ કેટલો રહેશે, તેવી વિગતો નીચે મુજબ છે. આ વર્ષે પણ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ‘વિકાસલક્ષી ખર્ચ’ પર રહ્યો છે, જેમાં શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

રૂપિયો ક્યાંથી આવશે? (આવકના મુખ્ય સ્ત્રોત)
​સરકારની તિજોરીમાં સિંહફાળો રાજ્યના પોતાના વેરા અને કેન્દ્રીય સહાયનો છે
​રાજ્ય વેરા (SGST સિવાય): ૨૦.૭૯%
​રાજ્ય GST: ૧૯.૮૧%
​જાહેર દેવું: ૨૪.૭૨% (આવકનો મોટો હિસ્સો દેવા સ્વરૂપે લેવામાં આવશે)
​કેન્દ્રીય કરવેરામાં હિસ્સો: ૧૪.૧૫%
​બિન-કરવેરા આવક: ૭.૩૭%
​કેન્દ્ર સરકાર તરફથી સહાયક અનુદાન: ૫.૦૨%

રૂપિયો ક્યાં જશે ? (ખર્ચનું આયોજન)
​વિકાસલક્ષી ખર્ચ: ૬૪.૮૮% (સૌથી વધુ)
​બિન-વિકાસલક્ષી ખર્ચ: ૨૨.૨૦%
​જાહેર દેવાની ચુકવણી: ૧૦.૬૯%
​લોન અને પેશગી: ૧.૭૨% • વિકાસલક્ષી ખર્ચમાં વિવિધ ક્ષેત્રોનો હિસ્સો
​વિકાસલક્ષી ખર્ચના ૬૪.૮૮% હિસ્સાને વિવિધ વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે
​શિક્ષણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ: ૧૮.૭૩% (શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ ભાર)
​કૃષિ, સિંચાઈ અને ગ્રામ વિકાસ: ૧૭.૪૪%
​પાણી પુરવઠો, સ્વચ્છતા અને શહેરી વિકાસ: ૧૬.૫૦%
​પરિવહન, વિજ્ઞાન અને ટેકનોલોજી: ૧૧.૬૫%
​ઉર્જા, ઉદ્યોગ અને ખનિજ: ૧૦.૧૩%
​આરોગ્ય અને પરિવાર કલ્યાણ: ૯.૫૦%

વિકાસલક્ષી ખર્ચ અંદાજ ૨૦૨૬-૨૭: એક નજર
​વર્ષ ૨૦૨૬-૨૭ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ ₹૨,૬૨,૪૭૭.૪૧ કરોડનું વિકાસલક્ષી બજેટ ફાળવવામાં આવ્યું છે. આ ફાળવણીમાં સૌથી વધુ પ્રાથમિકતા શિક્ષણ અને રમતગમત (₹૫૧,૭૯૬.૧૩ કરોડ) તથા કૃષિ અને ગ્રામીણ વિકાસ (₹૪૫,૭૮૫.૫૮ કરોડ) ને આપવામાં આવી છે, જે રાજ્યના પાયાના વિકાસ પરનો ભાર દર્શાવે છે.​શહેરી સુવિધાઓ અને સ્વચ્છતા માટે ₹૪૩,૩૧૬.૬૯ કરોડ તથા પરિવહન અને વિજ્ઞાન-ટેકનોલોજી માટે ₹૩૦,૫૬૯.૫૩ કરોડની માતબર રકમ ફાળવીને આધુનિક માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, આરોગ્ય ક્ષેત્રે ₹૨૪,૯૨૦.૨૧ કરોડ અને ઊર્જા-ઉદ્યોગો માટે ₹૨૬,૬૦૧.૨૬ કરોડની જોગવાઈ સાથે સર્વગ્રાહી વિકાસનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સામાજિક કલ્યાણ અને અન્ય આર્થિક સેવાઓ માટે પણ અંદાજે ₹૪૦,૦૦૦ કરોડ જેટલી સંયુક્ત ફાળવણી કરવામાં આવી છે,
​નાણાં મંત્રીએ રજૂ કરેલા બજેટના આંકડા જોતા સ્પષ્ટ થાય છે કે સરકાર શિક્ષણ અને કૃષિ ક્ષેત્રના વિકાસને વેગ આપવા માંગે છે. જોકે, આવક મેળવવા માટે ૨૪.૭૨% જેટલું ‘જાહેર દેવું’ કરવું પડશે, જે ચિંતાનો વિષય બની શકે છે. બીજી તરફ, કુલ ખર્ચના અડધાથી વધુ ભાગ (૬૪.૮૮%) સીધો જ પ્રજાલક્ષી વિકાસ કાર્યોમાં ખર્ચ કરાશે.

Most Popular

To Top