World

ઈમરાન ખાન ક્યાં છે?, ત્રણ અઠવાડિયાથી પરિવારને મળવા દેવાયો નથી, મૃત્યુની અફવા ઉડી

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ક્યાં છે?, આ સવાલ પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર ઈમરાન ખાન અંગે તરેહ તરેહની અફવાઓ ચાલી રહી છે. જેલમાં કેદ ઈમરાન ખાનને તેના પરિવારજનો સાથે પણ છેલ્લાં ત્રણ અઠવાડિયાથી મળવા દેવાયા નથી, તેથી આ પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે.

દરમિયાન પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં ઈમરાન ખાનના મૃત્યુની અફવાઓ ફેલાઈ રહી છે. ઈમરાન ખાનનો પરિવાર ચિંતામાં છે. તેમની ત્રણ બહેનો નૂરીન ખાન, અલીમા ખાન અને ઉઝમા ખાને અગાઉ જ એવો આરોપ મુક્યો હતો કે તે ત્રણેય જ્યારે ઈમરાન ખાનને મળવા જેલમાં પહોંચી ત્યારે તેમની પર પોલીસ દ્વારા અત્યાચાર કરાયો હતો. ઈમરાન ખાનને મળવા દેવાયા નહોતા.

ત્રણેય બહેનો આ અઠવાડિયે રાવલપિંડીની અદિયાલા જેલ પહોંચી હતી અને ઇમરાન ખાનને મળવાની મંજૂરી માંગી હતી. ત્રણ અઠવાડિયાથી ભાઈ ઈમરાનને મળવા દેવાયા ન હોવાનો આક્ષેપ બહેનોએ કર્યો છે.

પીટીઆઈના સમર્થકો સાથે પોલીસે ધક્કામુક્કી કરી
ત્રણેય બહેનો ઈમરાન ખાનને મળવા જેલ પહોંચી ત્યારે ઈમરાનની પાર્ટી પીટીઆઈના સમર્થકો પણ સાથે પહોંચ્યા હતા. પીટીઆઈનો આક્ષેપ છે કે પોલીસે તેમની સાથે પણ ગેરવર્તન કર્યું હતું. પંજાબ પોલીસ વડા ઉસ્માન અનવરને લખેલા પત્રમાં નૂરીન નિયાઝીએ જણાવ્યું કે તેઓ માત્ર ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ન તો રસ્તો રોક્યો, ન તો કોઈ ગેરકાયદેસર કાર્ય કર્યું. તેમ છતાં પણ અચાનક વિસ્તારની લાઈટો બંધ કરવામાં આવી અને ત્યારબાદ પોલીસએ હુમલો કર્યો. નૂરીન મુજબ 71 વર્ષની ઉંમરે તેમને વાળથી પકડી જમીન પર ફેંકવામાં આવ્યા અને રસ્તા પર ઘસડી કાઢવામાં આવ્યા. તેમની સાથે રહેલી અન્ય મહિલાઓને પણ થપ્પડ મારવામાં આવ્યું હતું.

બહેનોના દાવા મુજબ પોલીસનું વર્તન “ગેરકાયદેસર” અને “લોકશાહી મૂલ્યોના વિરુદ્ધ” હતું. તેમણે માગ કરી કે આ હુમલામાં સામેલ પોલીસકર્મીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.

ઇમરાન ખાન 2023થી જેલમાં બંધ છે
ઇમરાન ખાન ઑગસ્ટ 2023થી અનેક કેસોમાં અદિયાલા જેલમાં બંધ છે. સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુની અફવાઓ વધતી હોવા છતાં સરકારે છેલ્લા એક મહિનાથી જેલમાં મુલાકાતો પર અઘોષિત પ્રતિબંધ લગાવ્યો છે.

આ સમગ્ર ઘટનાએ ફરી પાકિસ્તાની સરકાર પર કેટલાક સવાલ ઊભા કર્યા છે. ઇમરાન ખાનની હાલની સ્થિતિ શું છે? અને તેમને મળવા પર કેમ પ્રતિબંધ રાખ્યો છે?

Most Popular

To Top