Trending

વિશ્વમાં સૌથી વધુ વેક્સિન ઉત્પાદન કરનારા ભારતમાં ક્યાં કાચું કપાયું?

સ્મશાનોમાં પીગળી રહેલી ધાતુની ચીમનીઓ, હૉસ્પિટલ્સની બહાર લાંબી કતારોમાં ઊભેલી એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ તથા હૉસ્પિટલમાં જગ્યા ન મળવાથી દમ તોડી રહેલા કોરોનાવાઇરસથી સંક્રમિત દર્દીઓ અને વિવિધ રાજ્યોમાંથી આવતા આંકડાની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ. આપણે, ભારતે આમ તો સૌથી વધુ વેક્સિન ઉત્પાદનને નામે કૉલર ઊંચા કર્યા હતા અને વ્યવસ્થિત વેક્સિનેશન થશે અને આપણે કોવિડ-19 સામે જીતી જઇશુંનો ખોંખારો પણ ખાધો હતો પણ છેલ્લા દોઢેક અઠવાડિયાના સમયમાં કેટલી ઘટનાઓ બની.
યુએસએના પ્રેસિડન્ટ જો બિડેને જાહેરાત કરી કે યુએસએના બધા જ એડલ્ટ્સ એટલે કે 18ની ઉપર વય ધરાવનારા કોવિડ-19 વેક્સિન આગામી બે અઠવાડિયાંમાં મેળવી શકશે. આ પહેલાં યુએસએ કરેલી જાહેરાત અનુસાર આ સ્થિતિ આવતા ૧લી મે થઇ જાત પણ પરિસ્થિતિ બહેતર થઇ અને આ નિર્ણય જલદી જ લેવાયો.

યુએસએની વાત એટલા માટે કરવાની કે તેમણે કોઇ મોટા વાયદા નહોતા કર્યા પણ એક વ્યવસ્થાને અનુસરીને વેક્સિનેશનનું કામ આગળ વધાર્યું. આપણે ત્યાં, ભારતમાં આરંભે બધા શૂરા હતા અને અચાનક જ આપણે વહેણની વિરુદ્ધમાં જવા માંડ્યા. વેક્સિનેશન જે જોરશોરથી શરૂ થયું, જે ઝડપથી શરૂ થયું, સોશ્યલ મીડિયા પર સોય લેતાં બાવડાંની તસવીરો છલકાઇ છલકાઇને આપણે વેક્સિનનો સ્ટૉક ખલાસ થઇ ગયોના સમાચાર સાંભળ્યા. અનેક રાજ્યોમાં વેક્સિનનો પૂરતો સ્ટૉક ન હોવાના સમચાર હવે આપણે માટે નવા નથી. એમાં પાછા કેસિસનો આંકડો આંખનો પલકારો મારીએ ત્યાં વધી જાય છે. કુંભના મેળામાં વાઇરસનું વર્ચસ્વ કેટલું ફેલાય છે એ તો વખત આવ્યે ખબર પડવાની હશે તો પડશે જ. જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાને WHOએ પણ વખાણ્યું છે તેના સીઇઓ આદર પૂનાવાલાએ કહ્યું પણ છે કે આખા દેશને પુરવઠો પૂરો પાડી શકાય તે પરિસ્થિતિથી હજી અમે છેટાં છીએ અને સંજોગો સ્ટ્રેસફુલ છે.

ભારતની વેક્સિન વિતરણની વ્યૂહરચના નિષ્ફળ ગઇ છે તેમ કહેવામાં હવે આપણે કચવાટ ન અનુભવવો જોઇએ. યુદ્ધ જામ્યું છે અને આપણે હાંફ્યા છીએ, હાર્યા જ સમજો! ભારતની વેક્સિન વ્યૂહરચના પર આપણે 2020ની વાત કરીએ તો માસ્ક, લૉકડાઉન, સેનિટાઇઝેશન એ બધું આપણી જિંદગી બન્યું ત્યારે આપણને કલ્પના ય નહોતી કે આપણને – ભારતને વેક્સિન મળશે. કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને આમે ય કોઇએ સ્પેશ્યલ વેક્સિન તૈયાર તો રાખી નહોતી કારણકે આ તો અકલ્પનીય સંજોગો જ હતા. આપણે એક રાષ્ટ્ર તરીકે અસંભવને સંભવ કરવાનું હતું, આખી દુનિયા લૉકડાઉનમાં હતી અને કોણ કોના સુધી કેવી રીતે પહોંચશે તેની કોઇને ય ખબર નહોતી. ભારત વેક્સિન ઉત્પાદનને મામલે પાવરહાઉસ રાષ્ટ્ર છે, વિશ્વમાં બનતા કુલ વેક્સિન્સના સાંઇઠ ટકા વેક્સિનનું ઉત્પાદન ભારતમાં જ તો થાય છે. આદર્શ સંજોગો એ હોત કે આ વૈશ્વિક રોગચાળાને નાથવા માટે યુએસએ વેક્સિનનું સંશોધન કરત અને ભારત તેનું ઉત્પાદન કરત. યુએસએની સરકારે ગયા વર્ષે મે મહિનામાં એક ઝડપી નિર્ણય લીધો. તેમણે એક વિશેષ પ્રોગ્રામ લૉન્ચ કર્યો – ઑપરેસન રેપ સ્પીડ – અને તે અંતર્ગત વેક્સિન બનાવનાર આઠ મેન્યુફેક્ચરરને કામે લગાડ્યા, તેમની ટ્રાયલ્સ ઝડપથી કરવા કહ્યું. આમાં ખાનગી કંપનીઝ હતી અને સરકાર તરફથી તેમને આર્થિક મદદ પણ મળી તે પણ નાનીસૂની નહીં પણ ૧૧ બિલિયન ડૉલર્સની. દરેકનો ઉદ્દેશ એક જ હતો – કોરોનાવાઇરસને નાથે તેવી વેક્સિન શોધી નાખવી.

આપણે ત્યાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ, એક ખાનગી કંપની જે સૌથી વધુ વેક્સિનનું ઉત્પાદન અને નિકાસ કરે છે. રોગાચાળો ફાટી નીકળ્યો અને સિરમ ઇન્સ્ટીટ્યૂટે આ પડકાર ઝીલવાનું બીડું ઝડપ્યું, તેમણે ગણતરીપૂર્વકનું જોખમ લેવાનું નક્કી કર્યું. અહીં કંપનીને સરકાર તરફથી ઉત્પાદન ક્ષમતા વધારવા, ઝડપી કરવા માટે કોઇ ભંડોળ મળશે કે કેમ તેની કોઇ ખાતરી નહોતી. ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેક્નોલોજીએ એસઆઇઆઇએ વિકસાવેલ વેક્સિનના ત્રીજા ફેઝના ટ્રાયલ માટે અમુક ભંડોળ આપ્યું. ઑગસ્ટમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટે પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ સાથે વાત કરી ભંડોળ મેળવ્યું અને બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી પણ તેમને ભંડોળ મળ્યું પણ ભારત સરકારે તેને કોઇ પણ ભંડોળ આપ્યું હોય તેવું ક્યાંય કાને નથી પડ્યું.

આ તરફ યુએસ ગવર્મેન્ટે જુલાઇ ૨૦૨૦માં જ ફાઇઝરને ૧૦૦ મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો, તે માટે ૨ બિલિયન ડૉલર્સ ચૂકવ્યા વળી વધારાના ૫૦૦ મિલિયન ડૉઝ લેવાનો વિકલ્પ પણ હાથવગો રાખ્યો. મોડર્ના સાથે પણ ૧૦૦ મિલિયન ડૉઝનો કોન્ટ્રેક્ટ કર્યો. યુએસએ કરદાતાઓના નાણાં વેક્સિન માટેના રિસર્ચમાં નાખ્યા તો પ્રાઇવેટ કંપનીના સૌથી પહેલા કસ્ટમર તરીકે પણ યુએસની સરકાર ખડી રહી. વેક્સિન કંપનીઓને કેપિટલ મળ્યું એટલે તેમનું કામ ન અટક્યું. આપણે ત્યાં સિરમ ઇન્સ્ટિટ્યૂટે ૨૦૨૦ના અંત સુધીમાં વેક્સિનનો મોટો જથ્થો તૈયાર કર્યો. પરંતુ અમુક પ્રશ્નોના જવાબ અંગે કોઇ સ્પષ્ટતા નહોતી. ભારત સરકારે પહેલાં ૧૦૦ મિલિયન ડૉઝ, ૨૦૦ રૂપિયા પ્રતિ ડૉઝના ભાવે ખરીદવાનો સોદો કર્યો. ઇન્સ્ટિટ્યૂટમાંથી બીજા દેશોમાં પણ વેક્સિન જવાની જ હતી પણ ભારતમાં તે સૌથી ઓછા ભાવે વેચાઇ રહી હતી પણ ભારત સરકારે પરચેઝ ઓર્ડર પર સહીં નહોતી કરી, દેશના સૌથી મોટા વેક્સિન ઉત્પાદકને ખબર નહોતી કે આખરે ભારત સરકાર તેમની પાસેથી કેટલી વેક્સિન લેશે અને ક્યારે તેમને તેની જરૂર પડશે? હજી જાન્યુઆરીમાં તો તેઓ પરચેઝ ઓર્ડરની અને ક્યાં વેક્સિન પહોંચાડવાની રહેશે તેની સ્પષ્ટતાની રાહ જોતા હતા. વળી મહિને ૬૦ મિલિયન ડૉઝનું ઉત્પાદન કરનારા ઇન્સિટ્યૂટની ક્ષમતા વધારવાનો સરકાર પાસે સમય તો હતો પણ એવું કંઇ કરાયું નહીં. જાન્યુઆરીમાં ભારત સરકાર તરફથી પહેલો પરચેઝ ઓર્ડર ૧૧ મિલિયન ડૉઝિસનો મળ્યો. આ તરફ યુએસએએ ફાઇઝર અને મોડર્નાના ઓર્ડર વધાર્યા. આ બાજુ યુએસએમાં એક કંપની બીજી કંપનીને કામ ઝડપથી કરવામાં મદદ કરી શકે તે દિશામાં પણ કામ થતું ગયું. આપણે ત્યાં કેસિસ વધ્યા તો વેક્સિનની નિકાસ અટકાવી દેવાઇ અને બીજા દેશો જ્યાં સિરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી નિકાસ થવાની હતી તેમને રાહ જોવાનું કહેવાયું. સિરમ ઇન્સ્ટિટ્યૂટને એસ્ટ્રાઝેનેકા તરફથી ડિલીવરીમાં વિલંબ કરવા સામે લિગલ નોટિસ પણ મળી ચૂકી છે.

બે દેશ, એક મહાસત્તા, એકને મહાસત્તા બનવાની મહેચ્છા, બંન્નેના અભિગમ આ સંજોગોમાં કેવા રહ્યા છે તે ઘણું બધું કહી જાય છે. યુએસએને સમયમાં શું કરવાની જરૂર હતી તે સમજાયું અને તેમણે તે જ કર્યું. ભારતે એક મજબૂત ખાનગી કંપનીને ‘ઠીક હવે’ પ્રકારના દ્રષ્ટિકોણથી જોઇ અને અંતે ખોટ દેશ અને કંપની બન્નેને ગઇ, પણ કાળમુખા વારઇસને બળુકા થવાનો મોકો મળ્યો.

Most Popular

To Top