બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને ટ્રાફિકના નિયમો તોડવા બદલ 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. લેન્કેશાયર પોલીસે PM સામે રૂ.100નું ચલણ ઇસ્યું કર્યું હતું. જોકે સુનકે આ મામલે બે દિવસ પહેલાં માફી માગી છે.ખાસ વાત એ છે કે સુનક પોતે ડ્રાઇવિંગ કરતાં ન હતા કે તેઓ કારની આગળની સીટ પર બેઠા ન હતાં. તેઓ પાછળની પેસેન્જર સીટ પર બેઠા હતા. કાર ચાલી રહી હતી ત્યારે તેઓ સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવી રહ્યાં હતાં. તેમનો આ વીડિયો સામે આવ્યા બાદ બ્રિટનની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ સ્ક્રીનશોટ ઋષિ સુનકે બનાવેલા વીડિયોમાંથી લેવામાં આવ્યો છે. આમાં તેઓ કારની પાછળની સીટ પર બેઠા હતા, પરંતુ તેમણે સીટ બેલ્ટ બાંધ્યો નહોતો. આ મામલો સામે આવ્યા બાદ બ્રિટનના વડાપ્રધાનના નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટમાંથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘સુનકે પોતાની ભૂલનો સંપૂર્ણ સ્વીકાર કર્યો છે અને માફી માગી છે. તે દંડ ભરવા તૈયાર છે. જ્યારે પીએમએ આ વીડિયો બનાવ્યો ત્યારે તેઓ ઉત્તરી ઈંગ્લેન્ડના લેકશાયરમાં હતા. લેકશાયર પોલીસે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
જોકે એમાં પીએમ સુનકના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પોલીસે લખ્યું હતું કે વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા પછી લેકશાયરમાં ચાલતી કારમાં સીટબેલ્ટ ન બાંધવા બદલ 20 જાન્યુઆરીએ લંડનના એક 42 વર્ષીય વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો છે. આ તો વાત થઇ બ્રિટનની. આપણા દેશના નાના કાર્યકરથી માંડીને દેશના સર્વોચ્ચ નેતાઓ પછી તે કોઇપણ પક્ષના હોય કાયદાને તાક ઉપર મૂકીને ચાલે છે. કારણ કે, તેમને કોઇ પૂછવાવાળું નથી હોતું. સુપ્રીમ કોર્ટ અનેક આદેશો કરે છે પરંતુ તેનું કોઇ કાળે પાલન થતું નથી.
રાત્રે 10 વાગ્યે લાઉડ સ્પીકરનો મામલો હોય કે, પછી હેલમેટ, ચૂંટણીઓ દરમિયાન મર્યાદિત વાહનોની સંખ્યા હોય કે પછી ગંભીર ગુનાઓ..આવી કોઇ બાબતનો અમલ નેતાઓ કરતાં નથી અને કરે પણ શા માટે કારણ કે, તેમની પગચંપી કરવા માટે અધિકારીઓની ફોજ હોય છે. નેતાઓનો એક ફોન જાય અને અધિકારીઓનો પરસેવો છૂટી જાય છે. કેટલાંક અધિકારીઓ તો પ્યુન જેવું કામ કરતાં પણ અચકાંતા નથી કેટલાંક તો એવા પણ અધિકારી છે જેના માટે સૌથી ખરાબ શબ્દ છે પરંતુ ભાષાની મર્યાદા હોવાથી તે શબ્દ વાપરી શકાય તેમ નથી.
આજ કારણ છે કે, આપણા દેશના નેતાઓ કાયદાને પગની એડીએ લઇને ચાલે છે. સત્તા પક્ષના કોઇ ધારાસભ્ય કે સાંસદને ટ્રાફિકના નિયમના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હોય તેવું હજી સુધી સાંભળવા મળ્યું નથી. આ વાત કોઇ એક રાજ્ય પૂરતી મર્યાદિત નથી પરંતુ દેશના તમામ રાજ્યને લાગુ પડે છે. તેનું કારણ એ છે કે, આપણા દેશના નેતાઓના ઇશારે કઠપૂતળીની જેમ અધિકારીઓ નાચે છે. જો કે, કેટલાંક હિંમતવાળા અધિકારી કોઇ પણ જાતની શેહશરમ વગર કાર્ય કરવામાં સક્ષમ છે પરંતુ તેમને પછી કયા ખૂણામાં નોકરી કરવી પડે છે તે જગજાહેર છે. માત્ર સામાન્ય પ્રજા ઉપર કાયદાનો કોરડો વિંઝતા અધિકારીઓ જો બ્રિટનના અધિકારી જેવા બને તો જ દેશનો ઉદ્ધાર થાય તેમ છે.