જેમ જેમ વર્ષો વીતી રહ્યા છે તેમ તેમ જે તે પરિવારની પ્રગતિ થવી જોઈએ. ધંધા-રોજગારની તકો વધવાની સાથે દરેક વ્યક્તિની આર્થિક તાકાત પણ વધવી જોઈએ પરંતુ ભારતમાં મામલો અલગ જ છે. ભારતમાં 48 ટકા પરિવારો એવા છે કે જે હાલમાં આર્થિક સંકટોનો સામનો કરી રહ્યા છે. આ પરિવારોની આવક પહેલા કરતાં ઘટી છે અને તેને કારણે તેમની બચત પણ ઘટી છે.
હાલના સમયમાં કોઈ પરિવારનો ખર્ચ ઘટતો નથી અને તેની સામે આ પરિવારોની સ્થિતિ કફોડી થઈ રહી છે. દેશમાં રોટી-કપડા-મકાન મોંઘા થઈ રહ્યા છે. સાથે સાથે શિક્ષણ, વીજળી, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી રહ્યો છે અને સામે આવક વધતી નથી. આ કારણે અનેક પરિવારો એવા છે કે જેઓ તેમની જરૂરીયાતોને પહોંચી વળતા નથી. જ્યાં બચત છે ત્યાં જરૂરીયાતોને પહોંચી વળવાની સામે બચતમાં ઘટાડો થઈ રહ્યો છે. અનેક પરિવારોએ આજે પોતાના ખર્ચાઓને પોસવા માટે લોન લેવી પડી રહી છે અને તે સૌથી મોટી જોખમી બાબત છે.
ભારતમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા નેશનલ એકાઉન્ટ્સ સ્ટેટિસ્ટિક્સ 2024ના ડેટા જાહેર કરવામાં આવ્યા હતા. દેશના 327 જિલ્લામાં 21000 લોકોને મળીને આ જેટા ભેગા કરવામાં આવ્યા હતા. સરવેમાં લોકોને એવું પુછવામાં આવ્યું હતું કે, પાછલા નાણાંકીય વર્ષની સરખામણીમાં આગામી નાણાંકીય વર્ષમાં તમારી ઘરની આવક કેવી રહેશે? જેની સામે 10977 લોકો દ્વારા જવાબો આપવામાં આવ્યું હતું. જેમાં આ વિગતો બહારટ આવી હતી.
પરિવારો દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, તેમની વાર્ષિક આવક ગત વર્ષની સરખામણીમાં વર્તમાન નાણાંકીય વર્ષ 2024-25માં ઓછી થઈ જશે. સરવે પ્રમાણે આ પરિવારોમાંથી 7 ટકા પરિવારોની વર્ષ 2024-25માં આવકમાં 25 ટકા જેટલો ઘટાડો થવાની સંભાવના છે. જ્યારે 15 ટકા પરિવારો એવું માને છે કે તેમની બચત આ વર્ષે 25 ટકાથી પણ વધુ ઘટશે. 30 ટકા લોકોએ એવું કહ્યું હતું ગકે તેમની આવકમાં 10થી 25 ટકાનો ઘટાડો થશે. 11 ટકા લોકોએ એવું કહ્યું હતું કે તેમની આવક ઘટશે જરૂર પણકેટલી ઘટશે તે કહી શકાય તેમ નથી.
26 ટકા લોકો એવા હતા કે જેમણે કહ્યું કે તેમની આવક પર કોઈ જ અસર નહીં થાય. જ્યારે માત્ર 5 ટકા પરિવારો જ એવા છે કે જેમણે તેમની ઘરની આવક 25 ટકા વધશે તેવો દાવો કર્યો હતો. 10 ટકા લોકોએ એવું કહ્યું હતું કે તેમની આવક વધશે અને તેને કારણે બચતમાં 25 ટકાથી વધુનો વધારો થશે. 18 ટકા લોકોએ કહ્યું કે 2025માં તેમની બચત 2024ની જેમ જ રહેશે. જ્યારે સરવેમાં 4 ટકા લોકો એવા હતા કે જેઓ પ્રશ્નોના જવાબ આપી શક્યા નહોતા.
આ ડેટા પ્રમાણે, ભારતનો ઘરેલુ બચત દર અગાઉ જે 2021માં 22.7 ટકા હતો તે હવે 2023માં ઘટીને 18.4 ટકા થઈ જવા પામ્યો છે. આ બતાવી રહ્યું છે કે દેશમાં આવક ઘટી રહી છે અને ખર્ચા વધી રહ્યા છે. આ કારણે ઘરગથ્થુ બચતમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં ચોખ્ખી સ્થાનિક બચતનો આંકડો 2022-23 સુધીના 9 લાખ કરોડ જેટલો ઘટી જઈને 14.16 લાખ થઈ ગયો છે. કોવિડ રોગચાળોના બીજા વર્ષ દરમિયાન 2021-22માં ઘરેલુ બચતનો આંક 23.29 લાખ કરોડની સાથે ટોચે પહોંચ્યો હતો પરંતુ હવે તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ 2021-22માં ઘરેલું બચતનો આંક 17.12 લાખ કરોડ હતો. જ્યારે તેના પછીના વર્ષે તે 9 લાખ કરોડ જેટલો ઘટી ગયો હતો. હાલમાં જે સર્વેક્ષણ કરવામાં આવ્યા તેમાં ચોખ્ખું દેખાયું છે કે દેશના 48 ટકા પરિવારોની આવક અને બચતમાં ઘટાડો થયો છે.
કેન્દ્ર સરકારે આ સરવેને ગંભીરતાથી લેવો જોઈએ. ભલે ઓછા લોકોનો સરવે કરીને તારણો કાઢવામાં આવ્યા હોય પરંતુ તે દર્શાવી રહ્યું છે કે, ભારત દેશની સ્થિતિ શું છે. ભારતમાં ધંધા-રોજગારની તકો ઘટી રહી છે. જે ધંધા-રોજગાર ચલાવી રહ્યા છે તેમની આવકો ઘટી રહી છે. આ સંજોગોમાં સરકાર દ્વારા એવા પગલાઓ લેવામાં આવે કે જેના થકી આવક વધે તો જ આ સ્થિતિમાં સુધારો થશે. જે રીતે પરિવારોની આવક અને બચતમાં ઘટાડો થઈ રહ્યો છે તે ગંભીર સ્થિતિ બતાવી રહ્યું છે. સરકાર નહીં જાગે તો આ આંકડાઓ હજુ વધુ ખરાબ થઈ શકે છે તે નક્કી છે.