Comments

ભારત ૨૦૨૬માં બ્રિક્સનું અધ્યક્ષપદ સંભાળશે ત્યારે?

૨૦૨૬ના વર્ષ માટે ભારતે બ્રિક્સનું અધ્યક્ષપદ સંભાળી લીધું છે ત્યારે આખુંયે હવામાન જાણે કે બદલાઈ ચૂક્યું છે. છેલ્લે રશિયામાં મળેલી બેઠકમાં બ્રિક્સની આગવી કરન્સી માટે વાત થઈ હતી જે સામે ટ્રમ્પે ખૂબ જ કટુ શબ્દોમાં પોતાની ખફામરજી વ્યક્ત કરી હતી અને એવી ધમકી ઉચ્ચારી હતી કે જો કોઈ દેશના જુદા ચલણની વાત કરશે તો પોતે ટેરિફનો કોરડો વીંઝીને એ દેશને સીધો દોર કરી નાંખશે. ભારત ત્યાર બાદ બ્રિક્સની અલગ કરન્સીના મુદ્દે ખૂલીને બોલ્યું નથી અને ૨૦૨૬ના વર્ષમાં જ્યારે ભારત બ્રિક્સનું અધ્યક્ષપદ સંભાળવાનું છે ત્યારે હવે આ આખોય મુદ્દો અભરાઈએ ચઢેલો જ રહે તેવું સ્પષ્ટ દેખાય છે.

આગામી સમયમાં જ્યારે ભારત ૨૦૨૬ માટે બ્રિક્સનું અધ્યક્ષપદ સંભાળશે ત્યારે વૈશ્વિક દક્ષિણ દેશોનો આંતરરાષ્ટ્રીય આર્થિક સમુદાયમાં વધુ ને વધુ દબદબો પ્રસ્થાપિત થાય તે માટે પ્રયત્નો કરશે. આ એવા સમયે થવાનું છે જ્યારે ટ્રમ્પના ટેરિફવૉરે વૈશ્વિક અર્થવ્યવસ્થાને લગભગ હચમચાવી નાખી છે. વિશ્વબૅન્ક પાસેથી ઉપલબ્ધ ડેટા મુજબ આ અગિયાર સભ્યો કુલ મળીને વિશ્વની ૪૯ ટકા વસતીનું, ૨૦ ટકા જીડીપીનું અને ૨૩ ટકા આંતરરાષ્ટ્રીય વ્યાપારનું પ્રતિનિધિત્વ કરે છે.

નિષ્ણાતોના મતે ભારત પોતાના ચલણના સેટલમેન્ટ અંગે વ્યૂહાત્મક સ્વતંત્રતા જાળવી રાખવાનું વલણ બ્રિક્સના એના પ્રમુખપદ દરમિયાન અખત્યાર કરશે. બહુપરિમાણીય ટ્રેડીંગ સિસ્ટમને હાલના સમયગાળા દરમિયાન મજબૂત કરવી જરૂરી છે, જેનો પ્રયત્ન ભારત કરશે. આની સાથોસાથ ભારત ગ્લોબલ ગવર્નન્સ ઇન્સ્ટિટ્યૂશન એટલે કે વૈશ્વિક વહીવટ સાથે જોડાયેલ સંસ્થાઓ જેવી કે, યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલ, વર્લ્ડ બૅન્ક અને ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ જેવી સંસ્થાઓ મોટા પાયે વહીવટી સુધારણા હાથ ધરે તે દિશામાં ભારત પ્રયત્નશીલ રહેશે, જેનો મૂળભૂત ઉદ્દેશ અરસપરસ ચર્ચા,ગ્લોબલ સપ્લાય ચેનમાં સ્થિરતા લાવવાનો તેમજ બ્રિક્સ ભાગલા રોકવાનો છે.

આ વર્ષે જી-૨૦નું અધ્યક્ષપદ અમેરિકા પાસે છે તેવે સમયે જનકલ્યાણને કેન્દ્રસ્થાને મૂકીને આ સંદર્ભે જુદા જુદા દેશોને અસરકર્તા બાબતો પણ ચાલુ વર્ષ દરમિયાન ચર્ચા હેઠળ રહેશે. વૈશ્વિક દક્ષિણ એટલે કે ગ્લોબલ સાઉથને સ્પર્શતી ચિંતાઓ જેવી કે, ખોરાક અને ઇંધણની તંગી, દેવાનું પુનઃગઠન તેમજ ક્લાઇમેટ ચેન્જને પહોંચી વળવા જરૂરી નાણાંકીય સહાય જેવા મુદ્દા ૨૦૨૬ દરમિયાન બ્રિક્સની ચર્ચાઓમાં કેન્દ્રસ્થાને રહેશે. બ્રિક્સના અધ્યક્ષ તરીકે ચાલુ વર્ષ દરમિયાન મહાસત્તાઓની ખેંચતાણમાં ગ્લોબલ સાઉથનો અવાજ ગૂંગળાઈ ન જાય તે જોવાનું રહેશે.

ભારત સાથે કટ્ટર દુશ્મની નિભાવતું પાકિસ્તાન બ્રિક્સ દ્વારા સમર્થિત ન્યૂ ડેવલોપમેન્ટ બૅન્કમાં જોડાવા માટે આતુર છે, જેથી તેની ઉધારી માટે એક કરતાં વધુ વિકલ્પો ઉપલબ્ધ બની શકે. પાકિસ્તાને ૨૦૨૩માં બ્રિક્સના સભ્યપદ માટે અરજી કરી છે અને તે માટે રશિયા તેમજ ચીનના ટેકાની આશા રાખે છે ત્યારે નવા મેમ્બર એક ચોક્કસ આયોજનના ભાગ રૂપે જ લેવાય અને બ્રિક્સનું અત્યારનું જૂથ પોતાની અગત્ય બિનઆયોજિત વિકાસને કા૨ણે ન ગુમાવી બેસે એ જોવાનું કામ ભારત કરશે.

આમેય ભારત બ્રિક્સનું જૂથ વિકસે એનું સૈદ્ધાંતિક રીતે ટેકેદાર છે પણ આમ થવાને કારણે એની અસરકારકતા વધવી જોઈએ એ વાત પણ એટલી જ અગત્યની છે અને એટલા માટે ભારતના મત મુજબ આર્થિક કદ, વિકાસનું પ્રોફાઇલ, સંસ્થાગત ક્ષમતા અને બહુપરિમાણીય આયામ માટેની પ્રતિબદ્ધતા બ્રિક્સના વિસ્તરણના મૂળમાં હોવાં જોઈએ. સાથોસાથ આ પ્રકારના નિર્ણયો બ્રિક્સના હાલના સભ્યો દ્વારા પૂર્ણ સહમતીથી લેવાય એવું પણ ભારતનું માનવું છે. આમ, ૨૦૨૬ના વર્ષ દરમિયાન ભારત બ્રિક્સના અધ્યક્ષપદે રહી બ્રિક્સનું નેતૃત્વ કરશે એ અગત્યની ઘટના છે પણ બ્રિક્સની કરન્સીથી માંડીને એનું વિસ્તરણ અને નવા સભ્યો બાબતે અનેક મુદ્દે ભારતીય કૂટનીતિની અગ્નિપરીક્ષા થશે એ વાત પણ ધ્યાનમાં લેવી જોઈએ. ભારત માટે આ કામગીરી હળવાશથી લઈ શકાય તેવી નહીં જ હોય એમાં કોઈ શંકા નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top