Columns

આ ટ્રેન ભરૂચ પહોંચે ત્યારે પોલીસ પેલા ખૂન બદલ તમારા બધાંયની તલાશી લેશે

ટ્રેનના પ્રવાસીઓ અને ચાલકોની બધી વાતચીત અને પરિસ્થિતિ પરથી જણાતું હતું કે કરંજિયાનું ખૂન રાતના નવ પછી તરત જ થયું હતું. આ મુદ્દાનો વિચાર કરતો હરીન પોતાના કમ્પાર્ટમેન્ટમાં પાછો આવ્યો ત્યારે કરંજિયા સિવાયના સૌ સહપ્રવાસી ત્યાં આવી ગયાં હતાં. એ લોકોને પણ પારસી બાવા વિશે ઇંતેજારી હતી એ દર્શાવતા પરાગ દેસાઇએ પૂછ્યું, ‘કાં, ઠિંગુજીનો ક્યાંય પત્તો લાગ્યો?’

‘અરદેશર કરંજિયાની વાત પૂછો છો ને? પત્તો લાગ્યો ને! પેલા ગામડાને રસ્તે, એક ઝરણાને કાંઠે એ લપસી પડ્યા અને ડૂબી મુઆ.’ આવું સાંભળ્યા પછી હીના બદામી ચીસ ન પાડે તો જ નવાઇ. એટલે એણે ચીસ પાડી. મુકેશની બેફિકરાઇ ઊડી ગઇ. એનો ચહેરો ધોળો પૂણી જેવો થઇ ગયો. પરાગ દેસાઇના ખભા ઢળી પડ્યા અને ગાલ બેસી ગયા, કારણ કે, એની હડપચી લચી પડી. બિચારાં પારસી?’ ગુણવંતી શાહે નિસાસો નાખ્યો. ‘વરસાદને કારણે ડૂબી મુઓ, એમને?’

‘ના! કોઇકે જાણી-બૂઝીને એમને ડૂબાડી માર્યા. ખૂન કર્યું’, હરીન આ લોકોના પ્રત્યાઘાતો જોવા જાણી-બૂઝીને ક્રમશ: આંચકા આપી રહ્યો હતો અને અપેક્ષા મુજબ જ, હીના વળી બેહોશ બનીને ઢળી પડી- ચીસ પાડીને. આ વેળા ગુણવંતી શાહના ખોળામાં! અને જાણે એની ચીસના જવાબમાં હોય એમ દૂર ક્યાંક ગાડીના પાટા પરથી એન્જિનની ચિસોટી સંભળાઇ. એટલે કે આ ગાડીને પાછી ભરૂચ સુધી ખેંચી જવા માટે એન્જિન આવી રહ્યું હતું.

એટલામાં હરીન શેઠે એકદમ ટટાર બનીને ખૂબ ગંભીર સ્વરે બોલવા માંડ્યું, ‘જુઓ, આપણે ભરૂચ પહોંચીએ ત્યારે ત્યાં પોલીસ હાજર જ હશે. પહેલાં તો અરદેશર કરંજિયાની લાશ એને સોંપાશે. પછી પોલીસ આપણને સૌને પણ પૂછશે કે તમે કેટલે વાગે ક્યાં હતા? એટલે આપણે સૌ પોતપોતાની કેફિયતો તૈયાર કરી દઇએ. દાખલા તરીકે, પરાગભાઇ! આઠ પંચાવન વાગે મેં તમને ટ્રેન તરફ પાછા વળતા જોયા. એ સમય અને નવ પાંત્રીસ દરમિયાન તમે ક્યાં હતા?’ પરાગ દેસાઇની સુરતી બેફિકરાઇ અચાનક ક્યાંક ઊડી ગઇ. આખો ઊંડી ઊતરી ગઇ. હડપચી ઢીલી થઇ ગઇ. જો કે એણે બહાદુરી બતાવતો છેલ્લો પાસો ફેંકી જોયો. ‘આવું બધું પૂછનાર તમે કોણ? શો હક છે તમને?’

હવે હરીન શેઠે પોતાની ખાદીની બંડીના ગજવામાં હાથ નાખ્યો. એક ઓળખપત્ર કાઢીને પરાગ સામે ધર્યો. ‘મારું મૂળ નામ છે અજય વર્મા. હું એક ડિટેક્‌ટીવ છું. સુમિત્ર શેઠાણીના ઘરેણાની ભાળ મેળવવાનું કામ મને સોંપાયું છે. મારે સ્પષ્ટતા કરી દેવી જોઇએ કે હું પોલીસવાળો નથી, પરંતુ પોલીસથી જુદા પણ નથી. મારે વિશે હજુ કોઇને શંકા છે?’ ‘ઠીક છે, યાર,’પરાગે હાથ હલાવતાં ઉચ્ચાર્યું.’આ જમાનામાં કોણ કોણ છે, એની જ ખબર પડતી નથી. મેં તમને ખેડૂત માનેલા, ખેર! તમે કહો છો એ ટાઇમ હું… અં… ખાલી પગ છૂટો કરવા ગયેલો અને તમને કોઇ મળ્યું નથી.’

‘પણ તમે કોઇકને મળવા માગતા હતા, ખરું ને? એટલે જ પેલી ફાટકવાળાની પડતર ઓરડીએ ઊભા ઊભા સિગારેટો પીતા હતા! વળી, મને જોઇને તમે બોલેલા કે આમ મને અર્ધો કલાક રાહ જોતો રાખાવનો શો મતલબ છે! તમે ખરેખર એ પ્રશ્ન કોને પૂછવા માગતા હતા?’ ‘સબર, સબર! બહુ ઉતાવળ ન કરાય, મિસ્ટર ડિટેક્‌ટીવ! આંટા મારતાં મેં ઓરડી જોયેલી ખરી અને ત્યાં ઊભા રહીને સ્મોકિંગ કરેલું ખરું. પાછા વળતાં મેં તમને જોયેલા ય ખરા; પણ મેં કોઇને મળવાનું ગોઠવ્યું…’

‘મિસ્ટર, ડિટેક્‌ટીવ સાંભળો?’હીના બદામી અચાનક વાતમાં કૂદી પડી. ‘આ મિસ્ટર દેસાઇ બહાર નીકળ્યા પછી હું ડબ્બાનાં ટોઇલેટમાં ગઇ હતી અને એમાં રહ્યાં રહ્યાં મેં ટોઇલેટની બારી નીચે મિસ્ટર દેસાઇનો અવાજ સાંભળેલો એ કોઇકને કહેતા હતા કે ગઇ વખતે તે અમને મદદ કરેલી. આ વખતે છટકાશે નહીં અને સામે કોઇકે કહેલું કે આગળ ફાટકવાળાની પડતર ઓરડી છે. ત્યાં જાવ. પાંચ મિનિટમાં હું આવું છું ત્યાં વાત કરીએ.’

‘એ અવાજ કોનો હતો, હીનાબેન?’ અજયે પૂછ્યું. ‘ખ્યાલ ન આવ્યો. કદાચ કરંજિયાનો હોય.’ ‘અચ્છા. પછી તમે શું કર્યું? કારણ કે એ પછીયે ઘણી વાર સુધી બહાર જઇને તમે ડબ્બામાં પાછા આવ્યાં ન હોતા.’ ‘અં… આગળ જતાં… અં… એક દોસ્તની મુલાકાત થઇ ગઇ. એમની સાથે ગપ્પાં મારવા ગઇ જરાક.’ ‘અચ્છા, તો એમ વાત હતી!’મુકેશ પટેલનું પૌરુષ એકદમ જાગ્રત થઇ આવ્યું.’સા… બેવફા!’એ ઊભો થઇ ગયો. ‘ઇમાનથી, બસ! સાચું કહું છું. અમારી દોસ્તી… એવી… એવી નથી… તારી ઇન્ટ્રો કરાવી દઇશ, યાર.’ ‘હં… હવે તમે બોલો, મિસ્ટર મજનૂ મુકેશ.’ ‘હું કશું બોલવા માગતો નથી.’

‘ઠીક, મિસ્ટર મજનૂ બોલવા નથી માગતા. તમે ગુણવંતીબેન?’ ‘હું તો, બસ, આ હીનાબેનને માથે ફેરવા રૂમાલ ભીનો કરવા ગઇ, પછી બહાર ગઇ જ નથી.’ ‘અરદેશર કરંજિયા એ જ વેળા બહાર ગયેલા, ખરું ને?’ ‘હા, મારી આગળ જ હતા. મેં જોયું કે એ સીધા ગાર્ડના ડબ્બા પાસે ગયા છે.’ ‘ત્યાં થયેલી કશી વાતચીત તમારે કાને પડેલી? પોતે નજીકને ગામ જવા ચાલી નીકળશે કે એવી કશી?’ ‘ના, એવી વાતચીત તો સાંભળેલી નહીં; પણ અરદેશરભાઇએ ઘાંટા જરૂર પાડેલા- તમે પાર્સલ વાનને તાળું કેમ નથી માર્યું અને તમારા ઉપરીને હું ફરિયાદ લખીશ ને એવી એવી ઘાંટાઘાંટ હતી.’ ‘અચ્છા, એ સિવાય બધો વખત તમે અહીં જ આ મુકેશભાઇ સાથે બેસી રહેલાં, એમ ને?’ ‘હા, સાહેબ’સાધારણ ગૃહિણી ગુણવંતીબેન માટે આવા ભણેલા સૌ ‘સાહેબ’હતા.’જો કે એ દશ પંદર મિનિટ બહાર ગયેલા.’ ‘એમ કે? શેને માટે બહાર ગયેલા. શ્રીમાન?’અજયે વળી મુકેશ ભણી વળતાં પૂછ્યું. ‘હવા ખાવા! બસ, હવા ખાવા!’

‘તમે ખાલી હવા જ ખાતા હતા કે અરદેશર કરંજિયાની સોનેરી સાંકળીની ઘડિયાળ પણ ખાઇ રહ્યા હતા?’અજયે મુકેશ તરફ વેધક નજર માંડતા પૂછ્યું. ‘તમે કહેવા શું માગો છો?’ ‘હું એમ કહેવા માગું છું કે આ ટ્રેન ભરૂચ પછી પહોંચે ત્યારે પોલીસ પેલા ખૂન બદલ તમારી બધાંયની તલાશી લેશે અને એ વખતે તમારા ગજવામાંથી મરહૂમની સોનેરી સાંકળીવાળી ઘડિયાળ નીકળી પડશે ત્યારે જવાબ આપવો ભારે પડશે.’ ‘ઓ ભગવાન… ખરું કહું છું, સાહેબ, અમે તો ખાલી મજાક કરતાં હતાં.’મુકેશ હવે શિયાવિયા થઇ ગયો. ‘સાલો વાયડો થતો હતો, એટલે મેં અને હીનાએ નક્કી કર્યું કે એની ઘડિયાળ સેરવી લેવી. એટલે હીના બેભાન થવાનો દેખાવ કરીને એની… અરદેશરની ઉપર ઢળી પડી ત્યારે જ ઘડિયાળ… પણ એનું…’ ‘હટ સાલા કાયર!’હીનાએ ફૂંફાડો માર્યો.‘જરાક જોખમ જણાયું કે ઓળિયોઘોળિયો હીનાને માથે નાખી દીધો ને! શેમ!’‘ભલે, ભલે, તમારી લૈલા-મજનૂની આ મજાક પોલીસને ગળે ઉતારી શકો તો ઉતારજો!’અજય ખભા ઉલાળતા ઉચ્ચાર્યું.

ટ્રેન જ્યારે ભરૂચના પ્લેટફોર્મ પર પહોંચી ત્યારે સુરક્ષાકર્મીઓની ભારે ભીડ હાજર હતી. શહેરની નજીક જતાં મોબાઇલ ચાલુ થઇ ગયા હતા અને એન્જીન ડ્રાઇવર તથા અજય સહિત અનેકના ફોન ત્યાં પહોંચ્યા હતા. પોલીસવાળા ઉપરાંત આ ‘સ્વાગત સમિતિ’માં રેલવે કર્મચારીઓ પણ હોરળબંધ ખડા હતા. ટ્રેન અટકતાં જ, બધા પ્રવાસીઓને જણાવી દેવામાં આવ્યું કે કોઇએ ડબ્બાં છોડવાનો નથી. સૌને ખાવા પીવાનું ડબ્બાની અંદર મળશે. દરમિયાનમાં શહેરમાંથી ઉચ્ચતર પોલીસ અફસરો પણ આવી ગયા. એમની હાજરીમાં પ્રથમ તો અરદેશર કરંજિયાના મૃતદેહની પુન: તપાસ કરાઇ. પંચનામુ કરીને લાશ મરણોત્તર તપાસ માટે સિવિલ હોસ્પિટલ મોકલી અપાઇ. પછી અરદેશરની બેઠકવાળા કમ્પાર્ટમેન્ટના પ્રવાસીઓની પૂછપરછ અને તલાશી ચાલી. અજય વર્માનો તો પ્રશ્ન જ નહોતો. અન્ય પ્રવાસીઓના અંગ પરથીય ખાસ કશી શંકાસ્પદ ચીજો ન મળી. પરંતુ મુકેશ પટેલના જીન્સપેન્ટના અંદરના ગજવામાંથી અરદેશરની ઘડિયાળ મળી આવી. એ ઘડિયાળની ચોરીના સંયુક્ત અપરાધી તરીકે હીના અને મુકેશની ધરપકડ કરવામાં આવી.

અને પછી વાત આવી અરદેશર કરંજિયાના ખૂનની. એ મામલે પણ અજયની સૂચનાથી પોલીસવાળાઓએ ખરેખરા ખૂનીની ધરપકડ કરી… (વાચકદોસ્તો! સારી ડિટેક્‌ટીવ વાર્તાની પ્રણાલિકાની આ વાર્તામાં એકથી વધારે ચાવીઓ વણાઇ ગઇ છે. એમને આધારે અપરાધીને શોધી શકાય એમ છે. કદાચ બધી ચાવીઓ ન મળે. તો આંશિક રીતે પણ અપરાધીની ઓળખ થઇ શકે એમ છે. તમે જાતે નક્કી કરો  અજય વર્માએ કોને અપરાધી ગણાવીને ધરપકડ કરાવી હશે? કયે આધારે?)
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top