ભારતમાં સર્વોપરી બંધારણ છે અને તેની મર્યાદામાં રહીને અનેક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. પ્રત્યેક કાયદો બંધારણની જોગવાઈનું ઉલ્લંઘન કરતો હોવો જોઈએ નહીં. જોકે, ક્યારેક એવું પણ થાય છે કે જ્યારે બંધારણની જોગવાઈને બે રીતે સાચી જોવામાં આવતી હોય. આવા સંજોગોમાં ન્યાયાધીશો માટે પણ એકમત થવું અઘરું બને છે. જાણકારી અને સમજણને કારણે એવું બની શકે છે કે, ન્યાયાધીશોનું મંતવ્ય અલગ પડતું હોય. તેવા સંજોગોમાં આ જોગવાઈને બંને રીતે જોનારને સાચો માનવો જોઈએ. સુપ્રીમ કોર્ટમાં સામાન્ય રીતે કેસ આવતા હોય છે અને ચુકાદાઓ આવતા હોય છે પરંતુ તાજેતરમાં એક અનોખો ચુકાદો આપ્યો. કાયદાના જાણકારો માટે આ ચુકાદો ખૂબ જ મહત્વનો છે.
સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે જ્યારે ન્યાયાધીશોના મંતવ્યો પણ અલગ હોય ત્યારે તેવા કિસ્સામાં કાયદાના સ્નાતક વિદ્યાર્થી પાસેથી પરીક્ષામાં સો ટકા સાચા જવાબની અપેક્ષા રાખવી તે ખોટી છે. આ કેસ એવો હતો કે જે બંધારણ વિશેના પ્રશ્નમાં ગુંચવાયેલો હતો. સુપ્રીમ કોર્ટે આ અવલોકન સાથે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાયદાના અધિકારીની પોસ્ટ પર કેસ કરનાર વિદ્યાર્થીની પણ નિમણુંક કરવાનો આદેશ કર્યો હતો.
આ વિવાદ સને 2021માં ચંદીગઢમાં કાયદા અધિકારીની ભરતી માટે લેવાયેલી પરીક્ષાથી ઉભો થયો હતો. આ પરીક્ષામાં પ્રશ્ન ક્રમાંક 73માં એવું પુછવામાં આવ્યું હતું કે, ‘મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનના આધારે બંધારણની કઈ અનુસૂચિ ન્યાયિક સમીક્ષાથી મુક્ત છે?’. ભરતી બોર્ડે તેનો સાચો જવાબ નવમી અનુસૂચિ એટલે કે વિકલ્પ બી ગણાવ્યો હતો. જ્યારે અમિતકુમાર શર્મા નામના આ ઉમેદવારે ઉપરોક્તમાંથી કોઈ નહીં એટલે કે વિકલ્પ ડી પસંદ કર્યો હતો. આ ઉમેદવારની એવી દલીલ હતી કે આઈઆર કોએલ્હો કેસના ચુકાદા મુજબ હવે કોઈપણ અનુસૂચિ સંપૂર્ણપણે ન્યાયિક સમીક્ષાથી મુક્ત નથી. આ બાબતે હાઈકોર્ટના સિંગલ જજે વિકલ્પ બીને સાચો ગણાવ્યો હતો. જ્યારે ડિવિઝન બેન્ચે વિકલ્પ ડીને સાચો ગણાવ્યો હતો. જેને કારણે આ મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યો હતો. ભાગ્યે જ આવતા આવા કેસમાં જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પ્રશાંતકુમારની બેન્ચે માનવીય અભિગમ અપનાવ્યો હતો.
કોર્ટે જણાવ્યું હતું કે, કેશવાનંદ ભારતી અને કોએલ્હો જેવા દાયકાઓ જૂના જટિલ ચુકાદાઓનું વિશ્લેષણ કરવામાં જ્યારે ન્યાયાધીશોના મંતવ્યો જુદા પડી રહ્યા છે ત્યારે એક વિદ્યાર્થીનો જવાબ બંને દ્રષ્ટિકોણથી સાચો માનવો જોઈએ. પ્રશ્નની ભાષા જોતાં ‘નવમી અનુસૂચિ’સાચો જવાબ લાગે છે પરંતુ કાયદાના ઊંડા જ્ઞાન મુજબ ‘કોઈ નહીં’ પણ સાચુ છે. આ અનોખા કેસમાં સુપ્રીમ કોર્ટે વચગાળાનો રસ્તો કાઢ્યો હતો અને ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને એવો આદેશ કર્યો હતો કે જે પોસ્ટની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી તેની પર હાલમાં પસંદ થયેલો જે ઉમેદવાર નોકરી કરી રહ્યો છે તેને ચાલુ રાખવામાં આવે અને આ કેસ કરનાર અમિતકુમાર શર્માને નવી વધારાની જગ્યા ઉભી કરીને તેની પર નિમણુંક આપવામાં આવે.
સુપ્રીમ કોર્ટે આ ચુકાદાથી એવું સાબિત કરી આપ્યું કે કાયદો માત્ર કડકાઈથી પાલન કરવા માટે નથી પરંતુ પરિસ્થિતિ પ્રમાણે તેમાં ન્યાય કરવો પણ જરૂરી હોય છે. સુપ્રીમ કોર્ટે આપેલા આ ચુકાદાએ ન્યાયાધીશોની સમજણને પણ માન આપ્યું અને સાથે સાથે કાયદાના વિદ્યાર્થી દ્વારા જે સમજણ બતાવવામાં આવી અને જવાબ આપવામાં આવ્યો તેને પણ યોગ્ય ઠરાવવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે આપેલો આ ચુકાદો અનેક કેસ માટે સિમાચિન્હરૂપ સાબિત થાય તેમ છે. આ ચુકાદાથી અનેક કેસમાં ચુકાદો આપવો ન્યાયાધીશો માટે સરળ બનશે તે નક્કી છે.