Editorial

પાકિસ્તાન પ્રજા પર બોમ્બમારો કરે છે ત્યારે માનવતાવાદીઓ કઇ ગુફામાં ચાલ્યા જાય છે?

પાકિસ્તાને તાજેતરમાં તેમના જ ખૈબર પખ્તુનવામાં રહેતા નાગરિકો પર ફાયટર જેટ દ્વારા બોમ્બમારો કર્યો છે. તો બલુચિસ્તાનના આઝાદીના લડવૈયા પર પણ વર્ષોથી અત્યાચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે પ્રશ્ને એ છે કે, ભારત સામે વારંવાર આંગળી ચીંધતા મામવતાવાદી આ સમયે ક્યાં ગાયબ થઇ ગયા છે.  પાકિસ્તાનનો આ અત્યાચાર તેમને શા માટે નથી દેખાતો. દુનિયાના તમામ મુખ્યત્વે લોકશાહી ધરાવતા દેશોમાં પણ લાખો નિયમ છે કે, દેશની સેના કદી પોતાના જ દેશના નાગરિકો ઉપર આક્રમણ ન કરે. ભારતની વાત લઈએ તો સેના નકસલવાદીઓ સામે લડવા જતા નથી, અન્ય સશસ્ત્રદળો તેમની સામે લડે છે.

તલઈ મનારનાં ગાઢ જંગલ જ્યાં કેટલાક વિસ્તારમાં ધોળે દિવસે પણ સૂર્ય પ્રકાશ ભૂમિ સુધી પહોંચતો નથી તેવા ગાઢ જંગલમાં છુપાયેલા વીરપ્પનને શોધીને મારવા આર્મીને કહેવામાં આવ્યું ત્યારે તેના ટોચના અધિકારીઓ પૈકીના અધિકારીઓએ કહ્યું, ‘સ્વીકાર્ય છે કે તે ખતરનાક ડાકુ છે. પરંતુ તે ભારતનો નાગરિક છે, તેની સામે અમે શસ્ત્રો ન ઉઠાવીએ.’ જમ્મુ અને કાશ્મીરમાં તો પાકિસ્તાની નાગરિકો ઘૂસે છે, તેથી તેમની સામે ભૂમિદળ જાય છે. આમ પોતાના નાગરિકો પર સુશિક્ષિત દેશની સેના કાર્ય કરતી નથી. પરંતુ પાડોશના પાકિસ્તાનમાં તદ્દન વિપરિત ઘટના બની છે.

ઓપરેશન સિંદૂરમાં માર ખાધા પછી પાકિસ્તાને ખૈબર-પખ્તુનવામાં નરસંહાર કર્યો છે. પાકિસ્તાનનાં વાયુ દળે ખૈબર-પખ્તુનવાનાં ‘મત્રેદારા’ નામક ગામમાં રવિવાર અને સોમવાર વચ્ચેની રાત્રે ૨ વાગે હુમલો કરી પોતાના જ દેશના ૩૦ નાગરિકોને મારી નાખ્યા છે. જેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો હતાં અને હજી મકાનોના ખંડેરો નીચે દબાયેલાઓ કેટલા હશે તે જાણી શકાયું નથી. સહજ છે કે મૃત્યુ આંક ૧૦૦થી ઉપર પહોંચશે.

પાકિસ્તાની વાયુદળે ચીની બનાવટનાં જે.એફ.-૧૭ વિમાનો દ્વારા કેટલાક ચીની બનાવટના જ એલ-એસ-૬ પ્રકારના બોમ્બ નાખ્યા હતા. વાયુદળે પહેલાં પાંચ ઘરોને નિશાન બનાવ્યાં હતાં. આ હુમલામાં હજી સુધી પ્રાપ્ય માહિતી પ્રમાણે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આંક પણ વધવાની શક્યતા છે. આ હુમલાની તસ્વીરો હૃદય-દ્રાવક છે. બાળકો સહિત કેટલાંયે શવ પડેલા છે. હુમલા પછી ગામ લોકોએ જ બચાવ કાર્ય શરૂ કર્યું છે.

(આજ સવારથી) તેઓને ભીતિ છે કે ખંડેરોની નીચે ઘણા મૃતદેહો મળી આવશે.તે સર્વવિદિત છે કે, ખૈબર પખ્તુનવામાં પહેલાં પણ ‘આતંકવાદ’ વિરોધી અભિયાન હાથ ધરાયું હતું. તેથી ત્યાં અનેક નાગરિકોનાં મૃત્યુ થયા હતાં. પહેલાં ‘સરહદ-પ્રાંત’ તરીકે ઓળખાતા આ ખૈબર-પખ્તુનવા પ્રાંતમાં આ વર્ષના જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં ૬૦૫ આતંકવાદી ઘટનાઓ બની છે. તેમાં ઓછામાં ઓછા ૧૩૮ જેટલા નાગરિકો અને ૭૯ પોલીસ કર્મીઓ માર્યા ગયા છે. એક માત્ર ઓગસ્ટ મહીનામાં જ ૧૨૯ આતંકવાદી ઘટનાઓ બની હતી.

બીજી તરફ બલોચોની વાત કરીએ તો પાકિસ્તાન સ્થિત બલૂચ રાષ્ટ્રીય આંદોલનના માનવાધિકાર વિભાગ ‘પાંક’ દ્વારા તાજેતરમાં બલૂચિસ્તાનમાં માનવાધિકાર ઉલ્લંઘન અંગેના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં પાકિસ્તાની સુરક્ષા દળો અને રાજ્ય-સમર્થિત ‘ડેથ સ્ક્વોડ’ પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં સુરક્ષા દળો અને ડેથ સ્કવોડે બલુચિસ્તાનમાં બળજબરીથી 785 લોકોને ગુમ અને 121 લોકોની હત્યા કરી દીધી છે. બલૂચિસ્તાનમાં માનવાધિકારની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. રિપોર્ટ મુજબ, વર્ષ 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં 785 વ્યક્તિઓને બળજબરીપૂર્વક ગુમ કરવામાં આવી છે. આમાં વિદ્યાર્થીઓ, પત્રકારો અને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓનો સમાવેશ થાય છે.

આમાંથી ઘણાને કરાચી અને ઇસ્લામાબાદ જેવા મોટા શહેરોમાંથી પણ અપહરણ કરવામાં આવ્યા છે. આ જ સમયગાળામાં 121 વ્યક્તિઓની ન્યાયિક પ્રક્રિયા વિના હત્યા કરવામાં આવી છે. આમાંના ઘણા લોકો એવા છે જેમને પહેલા બળજબરીપૂર્વક ગુમ કરવામાં આવ્યા હતા અને પછી તેમના મૃતદેહો મળી આવ્યા હતા. રિપોર્ટ મુજબ, આ કૃત્યો પાકિસ્તાની સેના, ફ્રન્ટિયર કોર્પ્સ, કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ અને રાજ્ય-સમર્થિત ‘ડેથ સ્ક્વોડ’ દ્વારા કરવામાં આવ્યા છે.

અહીં મહેરંગ બલોચ અહિંસક લડાઇ ચલાવી રહી છે. જે ઘણા વર્ષોથી બલુચિસ્તાનમાં એક આંદોલનનું નેતૃત્વ કરી રહી છે. જ્યારથી બલુચિસ્તાનમાં ઘણા લોકોનું અપહરણ થયું છે, ત્યારથી તેઓએ તેને એક મોટો મુદ્દો બનાવી દીધો છે. તેમના સ્પષ્ટવક્તા ઇન્ટરવ્યુ અને પાકિસ્તાન સરકારને આપેલી ધમકીઓ આગની જેમ વાયરલ થાય છે. હાલમાં મેહરંગ બલોચ બલોચ યુનિટી કમિટીના નેતા અને ડૉક્ટર છે. તેમનો વ્યવસાય ડૉક્ટર છે પરંતુ 2006 થી તે એક સામાજિક કાર્યકર બની ગઈ છે. તેને પણ જેલમાં નાંખી દેવામાં આવી છે.

Most Popular

To Top