દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈબીજ સાથે પૂર્ણ થાય છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી, દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ખરીદી કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે માન્યતા મુજબ આ દિવસે ખરીદી કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને આરોગ્ય વધે છે.
આ વર્ષે ધનતેરસની તારીખ અંગે મૂંઝવણ છે કે તે તા. 18 ઓક્ટોબરે ઉજવાશે કે તા. 19 ઓક્ટોબરે?. ચાલો જાણીએ ધનતેરસ 2025ની સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશે.
ધનતેરસ 2025ની તારીખ
ત્રયોદશી તિથિ તા.18 ઓક્ટોબર શનિવારે બપોરે 12:20 વાગ્યે શરૂ થશે અને તા. 19 ઓક્ટોબર રવિવારે બપોરે 1:52 વાગ્યે સમાપ્ત થશે. શાસ્ત્રો મુજબ ધનતેરસ એ દિવસે ઉજવાય છે જ્યારે કાર્તિક કૃષ્ણ ત્રયોદશી તિથિ પ્રદોષ કાળ દરમિયાન આવે છે. તેથી આ વર્ષે મુખ્ય ધનતેરસ તા. 18 ઓક્ટોબર 2025ના રોજ ઉજવાશે.
જોકે તિથિ તા. 19 ઓક્ટોબર સુધી રહેશે. તેથી જે લોકો તા. 18 ઓક્ટોબરે ખરીદી કરી શકતા નથી તેઓ તા. 19 ઓક્ટોબરે બપોરે 1:52 સુધી ખરીદી કરી શકે છે. એટલે કે આ વર્ષે લોકો ધનતેરસ બે દિવસ તા.18 અને 19 ઓક્ટોબરે ઉજવી શકે છે.
ધનતેરસનો શુભ મુહૂર્ત (18 ઓક્ટોબર)
- પ્રદોષ કાળનો શુભ સમય: સાંજે 4:48 થી 6:18 સુધી
- ચલ ચોઘડિયા: બપોરે 12:06 થી 1:31 સુધી
- લાભા ચોઘડિયા: બપોરે 1:31 થી 2:57 સુધી
- અમૃત ચોઘડિયા: બપોરે 2:57 થી 4:22 સુધી
- સાંજના ચોઘડિયા: સાંજે 5:48 થી 7:23 રાત્રે 8:58 થી 10:33
ધનતેરસનો શુભ સમય (19 ઓક્ટોબર)
- ચલ ચોઘડિયા: સવારે 7:49 થી 9:15 સુધી
- લાભા ચોઘડિયા: સવારે 9:15 થી 10:40 સુધી
- અમૃત ચોઘડિયા: સવારે 10:40 થી બપોરે 12:06 સુધી
- શુભ ચોઘડિયા: બપોરે 1:31 થી 1:52 સુધી
ધનતેરસનું ધાર્મિક મહત્વ
ધાર્મિક માન્યતા મુજબ સમુદ્ર મંથન દરમ્યાન ભગવાન ધનવંતરી અમૃતના ઘડા સાથે પ્રગટ થયા હતા. તેથી આ દિવસને ધનતેરસ અથવા ધનત્રયોદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સોનું, ચાંદી, વાસણો અથવા સાવરણી ખરીદવી ખૂબ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદી કરવાથી સંપત્તિ અને સુખમાં 13 ગણો વધારો થાય છે