વૉટ્સએપે એની વિવાદાસ્પદ પ્રાઇવસી નીતિ (privacy policy of whats app) ની શરતો સ્વીકારવા વપરાશકારોને 15મી મેની આખરી મહેતલ (deadline) આપી હતી એ હવે પડતી મૂકી છે અને કહ્યું કે શરતો નહીં સ્વીકારવાથી એકાઉન્ટ ડિલિટ (account delete) થશે નહીં.
યુઝરનો ડેટા વૉટ્સએપની પેરન્ટ કંપની ફેસબુક (fb)ને અપાશે એવી ચિંતાઓને કારણે વૉટ્સેપની આકરી ટીકાઓ થઈ રહી હતી.
વૉટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે 15મીએ પૉલિસી અપડેટ (update) ન સ્વીકારવાથી કોઇ એકાઉન્ટ ડિલિટ થશે નહીં. ભારતમાં કોઇનું વૉટ્સએપ પણ બંધ નહીં થાય. આગામી ઘણા સપ્તાહો સુધી અમે યુઝર્સને રિમાઇન્ડ (remind) કરાવતા રહીશું. પ્રવક્તાએ ઉમેર્યું કે મોટા ભાગના યુઝર્સે નવી શરતો સ્વીકારી લીધી છે જ્યારે કેટલાંકને એમ કરવાની તક મળી નથી. કંપનીએ જો કે આ નિર્ણય પાછળના કારણનો ફોડ પાડ્યો ન હતો અને કેટલા યુઝર્સે શરતો સ્વીકારી લીધી છે એની સંખ્યા પણ આપી ન હતી.
આ વર્ષના જાન્યુઆરીમાં વૉટ્સએપે એપ નૉટિફિકેશન મારફતે યુઝર્સને પ્રાઇવસી પૉલિસીમાં ફેરફારની જાણ કરી હતી. યુઝર્સને સંમત થવા 8 ફેબ્રુઆરીનો સમય અપાયો હતો. વૉટ્સએપ એમ જ કહે છે કે પ્રાઇવસી પૉલિસીનું આ અપડેટ સ્વીકારવાથી તે ફેસબુક સાથે યુઝર્સ ડેટા શૅર કરવા સક્ષમ બનતી નથી. જો કે ભારે વિરોધ થતાં તેણે ફેબ્રુઆરીની ડેડલાઇન લંબાવીને 15મી મે કરી હતી. વૉટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે કંપનીએ છેલ્લાં કેટલાંક મહિનામાં ગૂંચવાડો અને ખોટી માહિતી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
આખરી મહેતલના મુદ્દે વૉટ્સએપનું કૂણું વલણ એવા વખતે આવ્યું છે જ્યારે ફેસબુક, ટ્વિટર ને વૉટ્સએપ જેવા ડિજિટલ પ્લેટફોર્મ ઓક્સિજન, બૅડ્સ, પ્લાઝમા ઇત્યાદિ મેળવવા માગતા લોકો માટે જીવાદોરી બન્યા છે. સરકારી ડેટા મુજબ ભારતમાં વૉટ્સએપના 53 કરોડ યુઝર્સ છે.