Editorial

ચિન્હ કોઇપણ હોય પ્રજા તો પાર્ટીની વિચારધારાને ધ્યાનમાં રાખીને જ મતદાન કરે છે

એક પાર્ટીના બે ભાગ પડે તે ભારત માટે નવી વાત નથી. એવા તો અનેક પક્ષો છે જેના અનેક ભાગ પડી ચૂક્યા છે. નિતીશકુમારના જનતાદળની જ વાત કરીએ તો તેનું નામ જનતા દળ યુનાઇટેડ એટલે કે જેડીયુ હતું. તેમાંથી સૌથી પહેલા જનતાદળ સેક્યુલર અલગ થઇ ગયું. એટલું ઓછું હોય તેમ લાલુ યાદવ તેમાંથી અલગ થયા અને તેમણે રાષ્ટ્રીય જનતાદળની રચના કરી. તેમાંથી છૂટા પડીને રામ વિલાસ પાસવાને લોક જનશક્તિ પાર્ટીની રચના કરી એમ હાલનું જનતાદળ યુનાઇટેડ માત્ર શબ્દ પૂરતું જ સિમિત થઇ ગયું છે.

મહારાષ્ટ્રની વાત કરીએ તો શિવસેનાના બંને ભાગ – ઉદ્ધવ ઠાકરે સાથે જોડાયેલા પક્ષના સભ્યો અને તેમનો વિરોધ કરી મુખ્યમંત્રી બનેલા એકનાથ શિંદે જૂથ – માટે ચૂંટણી પંચે એક ઝાટકો લાગે એવો વચગાળાનો ચુકાદો આપ્યો છે. શિવસેનાના ચૂંટણી ચિન્હ ધનુષ બાણ  બંનેમાંથી કોઈ જૂથને નહિ ફળવવનો આદેશ કરવામાં આવ્યો છે. એકનાથ શિંદેએ ઠાકરે સામે બળવો કરી પોતે સાચી શિવસેના હોવાનો દાવો કરતા ચાર મહિના પહેલા આ ચિન્હ માટે દાવો કર્યો હતો. આ ઉપરાંત, બંને જૂથને નવું નામ અને ઉપલબ્ધ ચિન્હમાંથી નવું પસંદ કરવા માટે પણ અંતરિમ આદેશમાં જણાવ્યું છે.

મુંબઈની અંધેરી પૂર્વ બેઠકની પેટા ચૂંટણી ઓકટોબરમાં આવી છે ત્યારે બંને જૂથોએ આ આદેશનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે. શિંદે અને ઠાકરે વચ્ચેના વિવાદમાં અગાઉ સુપ્રીમ કોર્ટે ઠાકરે જૂથે કરેલી અરજીમાં ચૂંટણી પંચના નિર્ણય અંગે કાર્યવાહી ચાલી રહી હતી તેના ઉપર રોક લગાવવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. પંચે કહ્યું બંને પાર્ટી પોતાના માટે નવું નામ પસંદ કરી શકે છે અને આ નામ શિવસેના જેવું જ હોઈ શકે છે. પેટાચૂંટણીમાં બંને પક્ષો ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી યાદીમાંથી પોતાના માટે કોઈપણ પ્રતીક પસંદ કરી શકે છે.

તેઓએ તેમાંથી એક ચિહ્ન પસંદ કરવાનું રહેશે અને 10 ઓક્ટોબર સુધીમાં કમિશનને જાણ કરવી પડશે.દશેરાના દિવસે બંને જૂથોએ પોતે સાચી શિવસેના હોવાનો દાવો કરતા અલગ અલગ રેલીનું આયોજન પણ કર્યું હતું. આ પહેલા શિવાજી પાર્કમાં દશહરા રેલી માટે બંને જૂથે દાવો કર્યો હતો. જો કે, હાઇકોર્ટે બાળાસાહેબ ઠાકરેના વારસદાર ઉદ્ધવ ઠાકરેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ચૂંટણી પંચના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈના અંધેરી ઈસ્ટમાં યોજાનારી પેટાચૂંટણી માટે ચૂંટણી પંચને તેમના પક્ષનાં નામ અને ચિહ્નની યાદી સુપરત કરી છે.

શિંદે જૂથની અરજી પર ચૂંટણી પંચે શિવસેનાના પ્રતીક તીર-કમાન્ડને ફ્રિઝ કરી દેતાં ઉદ્ધવ જૂથે આ પગલું ભર્યું હતું. ચૂંટણી પંચના આ નિર્ણય પછી શિંદે અને ઉદ્ધવ જૂથ આ ચિહ્નનો ઉપયોગ કરી શકશે નહીં. કેટલાક રિપોર્ટમાં દાવો કર્યો છે કે ઉદ્ધવ જૂથે ECને બે નામ આપ્યાં છે. પહેલું- શિવસેના બાલા સાહેબ ઠાકરે અને બીજુ- શિવસેના ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરે. નિશાનીમાં શિવસેનાએ પોતાની પહેલી પસંદ ત્રિશૂળ જણાવી, અને બીજુ ચિહ્ન ઊગતો સૂર્ય. 19 જૂન 1966માં બાલાસાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કરી હતી, પરંતુ શરૂઆતમાં સામાજિક સંસ્થા તરીકે કામ કરતી હતી. 1968માં રાજકીય પાર્ટી તરીકે શિવસેનાએ નોંધણી કરાવી.

પહેલી ચૂંટણી પાર્ટીએ 1971માં લડી હતી, તે વખતે ખજૂરનું ઝાડ ચિહ્ન હતું. શિવસેનાએ ત્યાર પછી રેલવે એન્જિન અને ઢાલ-તલવાર પણ ચિહ્ન તરીકે રાખ્યાં, પરંતુ તે પણ નિષ્ફળ ગયાં. 1985માં સિનિયર ઠાકરેએ તીર-કમાનનું ચિહ્ન રાખ્યું અને મુંબઈ નગરપાલિકાની ચૂંટણી લડ્યા. પાર્ટીને મોટા માર્જિનથી જીત મળી અને કોંગ્રેસના સહયોગથી સરકાર બનાવી હતી. ચૂંટણી ચિન્હ માટે શિવસેનાની બેઠક થાય તે પહેલા શરદ પવારે કહ્યું- ચૂંટણી પંચનો નિર્ણય ચોંકાવનારો નથી. મને તેની આશંકા હતી. પંચના નિર્ણયથી શિવસેનાનો અંત નહીં થાય, પરંતુ કાર્યકરોમાં નવો જોશ આવશે.

તેમણે કહ્યું- મારી પાર્ટીનું ચિહ્ન પાંચ વખત બદલવામાં આવ્યું પરંતુ તેનાથી કોઈ ફરક નથી પડ્યો. જો કે, શરદ પવારની વાત બિલકુલ સાચી છે. પ્રજા હંમેશા વ્યક્તિને જોઇને અથવા તો પાર્ટીની વિચારધારાને પારખીને મતદાન કરે છે. ચિન્હ જોઇને મત આપતી નથી. ચિન્હ તો જેમને લખતા વાંચતા નહીં આવડતું હોય તેવા લોકો માટે હોય છે અને તેના કારણે જ જુદા જુદા પક્ષો પાર્ટીના નામ કરતાં ચિન્હને મોટું દર્શાવે છે. શિવસેનાના જનક બાળા સાહેબ કટ્ટર હિન્દુવાદી હતા અને આ પાર્ટીની રચના જ મરાઠીઓના સ્વાભિમાનની રક્ષા માટે થઇ હતી.

આ વિચારધારાથી પ્રેરાયને જ મહારાષ્ટ્રમાં લાખો શિવ સૈનિકો એવા હતા કે જે બાળાસાહેબના એક આદેશથી મરવા મારવા માટે તૈયાર થઇ જતાં હતાં. એટલે સીધી વાત એ છે કે, પાર્ટીનું ચિન્હ કોઇ પણ હોય તેનાથી પ્રજાને કોઇ ફેર પડતો નથી. પ્રજા તો હંમેશા પાર્ટીની વિચારધારાને જ ધ્યાનમાં રાખીને મતદાન કરે છે. આમ જોવા જઇએ તો ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને ઝાડુંનું ચિન્હ આપ્યું છે. સામાન્ય રીતે ઝાડુંનુ સ્થાન ઘરની બહાર હોય છે. પરંતુ દિલ્હી અને પંજાબના લોકોએ આ પાર્ટીને દિલથી એ રીતે સ્વિકારી છે કે આ બંને રાજ્યોમાં વિરોધપક્ષ જેવું કંઇ રાખ્યું જ નથી.

Most Popular

To Top