70 વર્ષના એક દાદા ક્લિનિકમાં પ્રવેશે છે અને આવતાની સાથે જ જણાવે છે કે એમને વારેવારે પેશાબ કરવા જવું પડે છે, એકદમથી તાત્કાલિક જવું પડે તો વળી રાત્રે પણ વધુ વખત ઊઠવું પડે છે પેશાબ કરવા માટે, પેશાબનો પ્રવાહ પણ નબળો રહે છે કે પછી જરા થાય છે અને પછી નથી થતો, મૂત્રાશય એક જ વખતમાં સંપૂર્ણ ખાલી નથી થતું. હજી હું કઈ પૂછવા જાઉં એ પહેલાં જ મને કહે છે કે, ‘‘ડાયાબીટીસ નિયંત્રણમાં છે કોઈ તકલીફ નથી, એની દવા તો માફક આવી ગઈ છે એટલે મારા આ ચિહ્નો પાછળ ડાયાબીટીસ તો મને ગુનેગાર જણાતો નથી.’’
નમ્રતાથી પ્રત્યુત્તર આપતાં મેં જણાવ્યું કે, દાદા પ્રોસ્ટેટ હોય શકે. હજી તો આમ કહું એટલે ગભરાતા અવાજે મને પૂછ્યું કે કેન્સર તો નહીં ને? ‘‘ના, ના.. કેન્સર નહીં. આ પ્રોસ્ટેટ એટલે BPH, બિનાઈન પ્રોસ્ટેટિક હાયપરપ્લેઝિયા..’’, ફરી એમના પ્રશ્નનો સાંત્વના સાથે જવાબ આપતા મેં જણાવ્યું અને એ સાથે જ એ વડીલ કહે છે કે ડૉક્ટર આપ મને આ વિશે થોડી ઉપરછલ્લી માહિતી આપો તો સારું. આ દર્દીના થોડા પ્રશ્નો અને મુંઝવણ હલ કરતા જે પ્રશ્નોત્તરી થઈ એ જાણીએ!
પ્રોસ્ટેટની તકલીફ શું છે?
જ્યારે કોઈ પણ એમ કહે કે એમને પ્રોસ્ટેટની તકલીફ છે એનો સામાન્ય અર્થ એમ થાય કે એમના પ્રોસ્ટેટનું કદ વધે છે અને તબીબી ભાષામાં એને BPH બિનાઈન પ્રોસ્ટેટિક હાયપરપ્લેઝિયા કહેવાય છે.
તો આ BPH શું છે?
પ્રોસ્ટેટ ગ્રંથિનું કદ વધવું એને BPH કહેવાય. પુરુષોમાં વધતી ઉંમર સાથે જોવા મળતી આ સામાન્ય સ્થિતિ છે. આ સ્થિતિમાં જ્યારે પ્રોસ્ટેટ ગ્રંથિનું કદ વધે છે ત્યારે મૂત્રાશય (યુરિનરી બ્લેડર)માંથી પેશાબના પ્રવાહને એ અવરોધરૂપ બને છે અને વિવિધ ચિહ્નો જોવા મળે છે તથા મૂત્રાશય, મૂત્રમાર્ગ અથવા કિડનીની સમસ્યાઓ પણ સર્જાય શકે છે.
ક્યાં ચિહ્નો જોવા મળે છે?
દરેક વ્યક્તિમાં ચિહ્નો અલગ અલગ હોય છે અને સમય સાથે આ સમસ્યા વધતી જાય છે અને યોગ્ય સારવાર ન લેતા પરિસ્થિતિ વધુ બગડે છે. સૌથી સામાન્ય ચિહ્નો વિશે વાત કરીએ તો વારંવાર અથવા તાત્કાલિક પેશાબ કરવા જવાની જરૂર ઊભી થવી, રાત્રે પેશાબ જવામાં વધારો, પેશાબ શરૂ કરવામાં મુશ્કેલી, પેશાબનો નબળો પ્રવાહ, પેશાબના અંતે ડ્રિબલિંગ, મૂત્રાશયને સંપૂર્ણપણે ખાલી કરવામાં અસમર્થતા, ઓછા સામાન્ય ચિહ્નો અને લક્ષણોમાં પેશાબની નળીઓનો ચેપ, પેશાબ કરવામાં અસમર્થતા, પેશાબમાં લોહી વગેરેનો સમાવેશ થાય છે. પ્રોસ્ટેટનું કદ લક્ષણોની તીવ્રતા નક્કી કરે તે જરૂરી નથી. પ્રોસ્ટેટ થોડું જ મોટું હોય તેવા પુરુષોમાં નોંધપાત્ર લક્ષણો હોઈ શકે અને અમુક પુરુષો જેમની પ્રોસ્ટેટ ખૂબ મોટી હોય છે તેમને નજીવા જ લક્ષણો હોઈ શકે એમ બની શકે. કેટલાક પુરુષોમાં લક્ષણો આખરે સ્થિર થાય છે અને સમય જતાં તેમાં સુધારો પણ થઈ શકે છે.
આવા પેશાબની સમસ્યાને લગતા સરખા જ ચિહ્નો માટે અન્ય ક્યાં કારણો હોય શકે?
BPH ના લક્ષણો જેવા જ લક્ષણો
દર્શાવે તેવી અન્ય સ્થિતિઓમાં પેશાબની નળીઓનો ચેપ, પ્રોસ્ટેટની બળતરા (પ્રોસ્ટેટાઇટીસ), મૂત્રમાર્ગનું સંકુચિત થવું (યુરેથ્રલ સ્ટ્રક્ચર), અગાઉની શસ્ત્રક્રિયાના પરિણામે મૂત્રાશયની આગળના ભાગમાં (નેક) ડાઘ, મૂત્રાશય અથવા કિડનીની પથરી, મૂત્રાશયને નિયંત્રિત કરતી નસની સમસ્યાઓ, પ્રોસ્ટેટ અથવા મૂત્રાશયનું કેન્સર વગેરેનો સમાવેશ થાય છે.
પ્રોસ્ટેટ ગ્રંથિનું કદ વધવાનું કારણ શું હોય શકે?
પ્રોસ્ટેટ ગ્રંથિ તમારા મૂત્રાશયની નીચે સ્થિત છે. તમારા શિશ્ન (મૂત્રમાર્ગ)માંથી મૂત્રાશયમાંથી પેશાબને વહન કરતી નળી પ્રોસ્ટેટના કેન્દ્રમાંથી પસાર થાય છે. જ્યારે પ્રોસ્ટેટ મોટું થાય છે, ત્યારે તે પેશાબના પ્રવાહને અવરોધવાનું શરૂ કરે છે. મોટાભાગના પુરુષમાં જીવનભર પ્રોસ્ટેટનો વિકાસ ચાલુ રહે છે. ઘણા પુરુષોમાં, આ સતત વિકાસ પ્રોસ્ટેટ ગ્રંથિને એટલા પ્રમાણમાં મોટી કરી શકે કે એ પેશાબની સમસ્યાના વિવિધ લક્ષણોનું કારણ બને છે અને પેશાબના પ્રવાહને નોંધપાત્ર રીતે અવરોધવા લાગે છે. પ્રોસ્ટેટ મોટું થવાનું કારણ શું છે તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. જો કે, વધતી ઉંમર સાથે તે સેક્સ હોર્મોન્સના સંતુલનમાં ફેરફારને કારણે હોઈ શકે.
ક્યાં ક્યાં પરિબળો જોખમની દૃષ્ટિએ
અગત્યનો ભાગ ભજવે છે?
સૌથી ટોપ પર આવે ઉંમર.. 60 વર્ષથી વધુ ઉંમર હોય એમાં ત્રીજા ભાગનાને અને 80 વર્ષથી વધુની ઉંમરમાં 50% પુરુષોને આ ચિહ્નો સર્જાય શકે છે. ત્યાર બાદ ફેમિલી હિસ્ટ્રી, ડાયાબિટીસ તથા હૃદયરોગ, મોટાપો અને ઓવરઓલ લાઇફ સ્ટાઇલ પણ અગત્યનો ભાગ ભજવે છે.
શું શું કોમ્પ્લિકેશન સર્જી શકે? :
મોટા ભાગના પુરુષો જેમની પ્રોસ્ટેટ મોટી હોય છે તેઓને કોઈ ખાસ કોમ્પ્લિકેશન થતાં નથી. એ ચોક્કસ નોંધવું રહ્યું કે પેશાબનું રીટેન્શન અને કિડનીને નુકસાન આરોગ્ય માટે ગંભીર જોખમો બની શકે તો વળી પ્રોસ્ટેટ મોટી થવાથી એટલે કે BPH હોવાથી પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ વધી જાય તેવું નથી અને આમ જે કોમ્પ્લિકેશન જોવા મળી શકે એના પર નજર કરીએ તો એમાં પેશાબ કરવામાં અચાનક અસમર્થતા (પેશાબની રીટેન્શન), પેશાબની નળીઓનો ચેપ (UTI), મૂત્રાશયની પથરી, મૂત્રાશય અને કિડનીને નુકસાન વગેરેનો સમાવેશ થાય છે.
સારવાર શું છે?
દવા અને સર્જરી બંને પ્રકારે સારવાર થઈ શકે. નિષ્ણાત તબીબને કન્સલ્ટ કરી યોગ્ય નિર્ણય લઈ આગળ સારવાર થઈ શકે. હળવાથી મધ્યમ BPHમાં દવા અને જીવનશૈલીમાં ફેરફાર ઉપયોગી નીવડી શકે અને જો આ બન્ને કામ ના કરે ત્યારે રોગની ગંભીરતા અને લક્ષણોને ધ્યાનમાં રાખી તબીબ સર્જરીનું સૂચન કરી શકે.
રોકવા માટે શું કરી શકાય?
અમેરિકન યુરોલોજિકલ એસોસિયેશન અને અમેરિકન કેન્સર સોસાયટી દર વર્ષે 55 થી 69 વર્ષની વયના પુરુષો માટે પ્રોસ્ટેટ સ્ક્રીનીંગની સલાહ આપે છે. પ્રોસ્ટેટ કેન્સરનો કૌટુંબિક ઈતિહાસ ધરાવનાર વ્યક્તિએ પ્રોસ્ટેટ કેન્સર માટે 40 વર્ષની ઉંમરથી દર વર્ષે સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ. અંતે મેં એ દાદાને એક વણમાંગી સલાહ એટલી જ આપી કે વૃદ્ધાવસ્થામાં સૌથી મહત્ત્વનું એ યાદ રાખો કે આવા કોઈ પણ ચિહ્નો હોય નાસીપાસ ન થવું, હતાશ ન થવું, લઘુતાગ્રંથિ ના અનુભવો અને એનો યોગ્ય ઈલાજ જે હોય એ તબીબની સલાહ મુજબ કરતા રહો. આ કોઈ એવી ઉપાધિ નથી આવી પડી કે તમે બેચેન બની બિલકુલ હારીને બેસી જાઓ. દાદા ખુશ થઈ ઊભા થયા ત્યાં મેં એમને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે જેમ બાળકો માટે ખાસ શાખા છે મેડિકલ સાયન્સમાં એમ વૃદ્ધાવસ્થા માટે પણ એક વિશિષ્ટ તબીબી શાખા છે એ વિશે ચર્ચા ફરી કોઈ વાર કરીશું!