ગ્રાહકના ખાતામાં પર્યાપ્ત બેલેન્સ હોવા છતાં ગ્રાહકે ઇસ્યુ કરેલ ચેકનું પેમેન્ટ કરવાને બદલે બેંક ચેક નકારે તો ગ્રાહક મુશ્કેલીમાં મુકાય એ સ્વાભાવિક છે. ટેલિફોન બિલ, ઇલેક્ટ્રિસિટીનું બિલ, ઇન્સ્યુરન્સ પોલિસીનું પ્રીમિયમ વગેરેના પેમેન્ટની છેલ્લી તારીખ હોય અને ઇસ્યુ કરેલ ચેક નકારાય તો ગ્રાહકે તેના પર એક યા બીજા નામે વ્યાજ, લેટ પેમેન્ટ ચાર્જીસ ભરવા પડતા હોય છે. બેંકો આવા કિસ્સાઓમાં કામના વધુ પડતાં દબાણને કારણે આવી ચૂક થઈ હોવાનો બચાવ કરતી હોય છે પરંતુ આવા બચાવને ગ્રાહક અદાલતો માન્ય રાખતી નથી અને આવી ભૂલ કરનાર બેંકનો કાન આમળીને તેને ક્ષતિયુક્ત સેવા માટે દોષિત ઠેરવી વળતરના હુકમો કરે છે.
આ અંગે સર્વોચ્ચ ગ્રાહક અદાલત એટલે કે નેશનલ કન્ઝયુમર રીડ્રેસ ડિપ્યુટસ કમિશને તાજેતરમાં ઓટોકેડ વિરૂધ્ધ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના કેસમાં આપેલા ચુકાદાની વિગતો પર નજર નાંખીએ તો આ કેસમાં ઓટોકેડ (ફરિયાદી) સામાવાળા (સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક) માં ખાતું ધરાવતા હતા. પોતાના મજકૂર ખાતામાંથી ફરિયાદીએ બે ચેક અનુક્રમે રૂા. ૪૧,૦૫૮/- અને રૂા. ૩૯,૨૦૧/- સુઝવા ઓટો સેન્ટરને, બે ચેક અનુક્રમે રૂા. ૧૭,૦૫૮/- અને રૂા. ૪૯૦/-ના ત્રિવેણી ઓટોને અને એક ચેક રૂા. ૨,૦૫૩/- નો સંદીપ ગાંગુલીને ઇસ્યુ કર્યો હતો. મજકૂર પાંચેય ચેક જયારે સામાવાળાની બેંકમાં તા. ૧૨/૮/૦૪ ના રોજ પેમેન્ટ માટે રજૂ થયા ત્યારે બેંકે ફરિયાદીના ખાતામાં પર્યાપ્ત બેલેન્સ ન હોવાનું કારણ દર્શાવી મજકૂર પાંચેય ચેક રીટર્ન કર્યા હતા. જેથી ફરિયાદીએ પોતાના ખાતામાં પર્યાપ્ત બેલેન્સ હોવા છતાં સામાવાળા બેંકે ચેકનું પેમેન્ટ નકાર્યું હોવાથી બેંકની સેવામાં ખામી થઈ હોવાનું જણાવી બેંક સામે પશ્ચિમ બંગાળ સ્ટેટ કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી. મજકૂર ફરિયાદ સ્ટેટ કમિશને રદ કરતાં ફરિયાદીએ નેશનલ કમિશન સમક્ષ અપીલ ફાઇલ કરી હતી.
નેશનલ કમિશન સમક્ષ ફરિયાદી તરફે જણાવાયું હતું કે, ફરિયાદીએ રૂા. ૪૧,૦૫૮/- અને રૂા. ૩૭,૭૫૪/-ના બે ચેક પોતાની તરફેણમાં લખાયેલા સામાવાળા બેંકમાં આવેલ પોતાના બેંક એકાઉન્ટમાં તા. ૯/૮/૦૪ ના રોજ જમા કરાવ્યા હતા. મજકૂર બંને ચેક એ જ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના હતા. જેથી મજકૂર બંને ચેકની કુલ રકમ રૂા. ૭૮,૮૧૨/- તે જ દિવસે ફરિયાદીના ખાતામાં સામાવાળા બેંકે જમા આપવી જરૂરી હતી. પરંતુ, સામાવાળા બેંકે મજકૂર બે ચેકોની કુલ રકમ રૂ. ૭૮,૮૧૨/- બે દિવસ બાદ તા. ૧૨/૮/ ૦૪ ના રોજ ફરિયાદીના ખાતામાં જમા આપી હતી. જેને કારણે ગરબડ સર્જાઇ હતી. મજકૂર બે ચેકોનું પેમેન્ટ સામાવાળા બેંકે ફરિયાદીના ખાતામાં સમયસર જમા આપ્યું હોત તો ફરિયાદીએ ઇસ્યુ કરેલ પાંચેય ચેકોનું પેમેન્ટ થઈ શકયું હોત.
જો કે નેશનલ કમિશને ફરિયાદીની મજકૂર રજૂઆત ગ્રાહ્ય ન રાખતાં જણાવ્યું હતું કે, ફરિયાદીએ પોતાના ખાતામાં જમા કરાવેલ બે ચેક કુલ રૂા. ૭૮,૮૧૨/-ના અલબત્ત, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના જ હતા. પરંતુ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકની ફરિયાદીના ખાતાવાળી બ્રાન્ચના ન હતા. પરંતુ એ જ બેંકની અન્ય આઉટ સ્ટેશન બ્રાન્ચના હતા. જે હકીકતમાં મજકૂર બે ચેકના રૂા. ૭૮,૮૧૨/- ૨-૩ દિવસ પછી એટલે કે તા. ૧૨/૮/૦૪ ના રોજ ફરિયાદીના ખાતામાં જમા આપવામાં સામાવાળા બેંકના પક્ષે કોઈ કસૂર નથી.
પરંતુ, તે સાથે જ નેશનલ કમિશને નોંધ્યું હતું કે, તા. ૧૧/૮/૦૪ ના રોજ ફરિયાદીના ખાતાનું ક્લોઝીંગ જમા બેલેન્સ રૂ. ૨૨,૫૦૦/-નું હતું. જે હકીકતમાં ફરિયાદીએ ઇસ્યુ કરેલ પાંચ ચેક પૈકી ત્રણ ચેક રૂા. ૧૭,૫૦૦/-, રૂા. ૪૯૦/- અને રૂા. ૨૦૫૩/-નાનું પેમેન્ટ સામાવાળા બેંક તા. ૧૨/૮/૦૪ ના રોજ જયારે મજકૂર ચેક પેમેન્ટ માટે રજૂ થયા ત્યારે કરી શકી હોત. પરંતુ, સામાવાળા બેંકે તે મુજબ પાંચમાંથી ત્રણ ચેકનું પેમેન્ટ કરવાને બદલે પાંચે પાંચ ચેક રીટર્ન કર્યા હતા. જે હકીકતમાં બેંકની સેવામાં ખામી ઉદભવી હોવાનું ઠરાવી નેશનલ કમિશને એમ પણ જણાવ્યું હતું કે ખોટી રીતે ચેકનું પેમેન્ટ ન કરવાને કારણે ફરિયાદીની પ્રતિષ્ઠા અને ગુડવીલને ચોકકસપણે ધકકો લાગ્યો હતો.
આમ, ફરિયાદીએ ઇસ્યુ કરેલ પાંચ ચેક પૈકી ત્રણ ચેકનું પેમેન્ટ થઇ શકે એટલું બેલેન્સ ફરિયાદીના ખાતામાં હોવા છતાં ત્રણ ચેક પાસ કરવાને બદલે પાંચેય ચેક રીટર્ન કરનાર બેંકને સેવામાં ક્ષતિ માટે કસૂરવાર ઠેરવી ફરિયાદી ગ્રાહકને કુલ રૂ. 35,૦૦૦/- નું વળતર તથા કાર્યવાહીના ખર્ચના બીજા રૂ. 1૦,૦૦૦/ ચૂકવવાનો આદેશ આપતો હુકમ કર્યો હતો.